જરામરણમોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ યે ।
તે બ્રહ્મ તદ્વિદુઃ કૃત્સ્નમધ્યાત્મં કર્મ ચાખિલમ્ ॥ ૨૯॥
જરા—વૃદ્ધાવસ્થા; મરણ— તથા મૃત્યુ; મોક્ષાય—મુક્તિ માટે; મામ્—મને; આશ્રિત્ય—આશ્રયે આવીને; યતન્તિ—પ્રયત્ન કરે છે; યે—જેઓ; તે—તેઓ; બ્રહ્મ—બ્રહ્મ; તત્—તે; વિદુ:-—જાણ; કૃત્સ્નમ્—બધું; અધ્યાત્મમ્—જીવાત્મા; કર્મ—કર્મ; ચ—અને; અખિલમ્—સમગ્રતયા.
Translation
BG 7.29: જેઓ મારું શરણ ગ્રહણ કરે છે, વૃદ્ધાવસ્થા અને મૃત્યુમાંથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરે છે, તેઓ બ્રહ્મ, પોતાનો આત્મા અને કાર્મિક ગતિવિધિના સમગ્ર ક્ષેત્રને જાણી લે છે.
Commentary
શ્લોક નં. ૭.૨૬માં જણાવ્યા પ્રમાણે ભગવાનને પોતાની બુદ્ધિના બળથી જાણી શકાતા નથી. પરંતુ, જેઓ તેમને શરણાગત થાય છે તેઓ તેમની કૃપા ગ્રહણ કરે છે. પશ્ચાત્, તેમની કૃપા દ્વારા તેઓ ભગવાનને સરળતાથી જાણી શકે છે.
કઠોપનિષદ્દ કહે છે:
નાયમાત્મા પ્રવચનેન લભ્યો
ન મેધયા ન બહુના શ્રુતેન
યમેવૈષ વૃણુનુતે તેન લભ્ય-
સ્તસ્યૈષ આત્મા વિવૃણુતે તનૂં સ્વામ્ (૧.૨.૨૩)
“ભગવાનને આધ્યાત્મિક પ્રવચનો દ્વારા કે બુદ્ધિ દ્વારા કે વિવિધ પ્રકારના ઉપદેશો દ્વારા જાણી શકાતા નથી. કેવળ તેઓ જયારે તેમની કૃપા કોઈ પર વરસાવે છે ત્યારે તે સૌભાગ્યશાળી આત્મા તેમને જાણી શકે છે.” અને જયારે કોઈ ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તેમની સાથે સંબંધિત બધું જાણી લે છે. વેદો કહે છે:
એકસ્મિન્ વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતં ભવતિ
“જો તમે ભગવાનને જાણો છે, તો તમે બધું જાણી લેશો.”
કેટલાક આધ્યાત્મિક મુમુક્ષુઓ આત્મજ્ઞાનને અંતિમ ધ્યેય માને છે. પરંતુ, જે પ્રકારે જળનું બિંદુ એ સમુદ્રનો એક અતિ સૂક્ષ્મ અંશ છે, તે જ પ્રમાણે, આત્મજ્ઞાન એ બ્રહ્મજ્ઞાન (ભગવદ્-જ્ઞાન) નો કેવળ એક સૂક્ષ્મ અંશ છે. જેમને એક ટીપાનું જ્ઞાન હોય, તેને સમુદ્રની ઊંડાઈ, વ્યાપકતા અને શક્તિનું જ્ઞાન હોય એ આવશ્યક નથી. તે જ પ્રમાણે, જેઓ સ્વયંને જાણે છે, તેઓ ભગવાનને જાણતા હોય એ આવશ્યક નથી. પરંતુ, જેઓ ભગવદ્-જ્ઞાન પ્રાપ્ત કરે છે, તેઓ સ્વત: ભગવાન સંબંધિત પ્રત્યેક અંશનું જ્ઞાન મેળવી લે છે. તેથી, શ્રીકૃષ્ણ કહે છે કે જેઓ તેમનો આશ્રય ગ્રહણ કરે છે તેઓ ભગવાનની કૃપાથી ભગવાનને, આત્માને અને કાર્મિક ગતિવિધિના સમગ્ર ક્ષેત્રને જાણી શકે છે.