અવ્યક્તં વ્યક્તિમાપન્નં મન્યન્તે મામબુદ્ધયઃ ।
પરં ભાવમજાનન્તો મમાવ્યયમનુત્તમમ્ ॥ ૨૪॥
અવ્યક્તમ્—નિરાકાર; વ્યક્તિમ્—સાકાર સ્વરૂપ; આપન્નમ્—પ્રાપ્ત થયેલા; મન્યન્તે—માને છે; મામ્—મને; અબુદ્ધય: —અલ્પજ્ઞાની; પરમ્—પરમ; ભાવમ્—પ્રકૃતિ; અજાનન્ત:—જાણ્યા વિના; મમ—મારા; અવ્યયમ્—અવિનાશી; અનુત્તમમ્—સર્વોત્તમ.
Translation
BG 7.24: અલ્પજ્ઞાનીઓ માને છે કે હું, પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ, પૂર્વે નિરાકાર હતો અને હવે આ સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે. તેઓ મારી અવિનાશી અને સર્વોત્કૃષ્ટ પ્રકૃતિને જાણી શકતા નથી.
Commentary
કેટલાક લોકો ભારપૂર્વક દાવો કરે છે કે, ભગવાન કેવળ નિરાકાર છે, જયારે અન્ય લોકો એટલી જ દૃઢતાપૂર્વક અને ઉગ્રતાથી માને છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કેવળ સાકાર સ્વરૂપમાં જ અસ્તિત્ત્વ ધરાવે છે. આ બંને દૃષ્ટિકોણ સીમિત અને અપૂર્ણ છે. ભગવાન પૂર્ણ છે અને તેથી, તેઓ નિરાકાર ને સાકાર એમ બંને છે. આ અંગે શ્લોક નં. ૪.૫ અને ૪.૬ના ભાષ્યમાં ચર્ચા થઈ ચૂકી છે.
જે લોકો ભગવાનના બંને સ્વરૂપનો સ્વીકાર કરે છે, તેઓમાં પણ ક્યારેક એ વિષય ચર્ચામાં પરિણમે છે કે આ બન્નેમાંથી કયું સ્વરૂપ મૂળભૂત કે વાસ્તવિક છે. શું નિરાકાર ભગવાન સાકાર ભગવાનમાંથી પ્રગટ થયા કે તેનાથી વિપરીત? શ્રીકૃષ્ણ અહીં એમ કહીને આ ચર્ચાનું સમાધાન કરે છે કે તેમનું દિવ્ય વ્યક્તિત્વ આદિકાલીન છે—તે નિરાકાર બ્રહ્મમાંથી પ્રગટ થયું નથી. ભગવાન તેમના આધ્યાત્મિક ધામમાં નિત્ય દિવ્ય સ્વરૂપમાં વિદ્યમાન રહે છે. નિરાકાર બ્રહ્મ એ એક પ્રકાશ છે, જે ગુણાતીત શરીરમાંથી ઉત્પન્ન થાય છે.
પદ્મ પુરાણ કહે છે:
યન્નખેંદુરુચિર્બ્રહ્મ ધ્યેયયં બ્રહ્માદિભિ: સુરૈઃ
ગુણત્રયમતીતંતં વન્દે વૃંદાવનેશ્વરમ (પાતાળ ખંડ ૭૭.૬૦)
“ભગવાનના પગના અંગુઠામાંથી જે પ્રકાશ ઉત્પન્ન થાય છે, તેની જ્ઞાનીઓ બ્રહ્મ તરીકે આરાધના કરે છે.”
વાસ્તવમાં, ભગવાનના સાકાર અને નિરાકાર સ્વરૂપમાં કોઈ ભેદ નથી. એવું નથી કે એક મોટું છે અને બીજું નાનું છે. નિરાકાર સ્વરૂપમાં ભગવાનની સર્વ શક્તિઓ અને સામર્થ્ય વિદ્યમાન હોય છે પરંતુ અપ્રગટ હોય છે. તેમના સાકાર સ્વરૂપમાં, તેમના નામો, રૂપો, લીલાઓ, ગુણો, ધામો અને પરિકરો આ સર્વ તેમની દિવ્ય શક્તિ દ્વારા પ્રગટ થાય છે.
તો પછી શા માટે લોકો ભગવાનને સાધારણ મનુષ્ય માને છે? આ પ્રશ્નનો ઉત્તર આગામી શ્લોકમાં આપવામાં આવ્યો છે.