અન્તવત્તુ ફલં તેષાં તદ્ભવત્યલ્પમેધસામ્ ।
દેવાન્દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપિ ॥ ૨૩॥
અન્ત-વત્—નાશવંત; તુ—પરંતુ; ફલમ્—ફળ; તેષામ્—તેમના દ્વારા; તત્—તે; ભવતિ—થાય છે; અલ્પ-મેધસામ્—અલ્પજ્ઞાની; દેવાન્—દેવોને; દેવ-યજ:—દેવોને પૂજનારા; યાન્તિ—જાય છે; મત્—મારા; ભક્તા:—ભક્તો; યાન્તિ—જાય છે; મામ્—મને; અપિ—પણ.
Translation
BG 7.23: પરંતુ આ અલ્પજ્ઞાનીઓને પ્રાપ્ત થયેલું ફળ નાશવંત હોય છે. જેઓ સ્વર્ગીય દેવતાઓની પૂજા કરે છે તેઓ સ્વર્ગલોકમાં જાય છે, જયારે મારા ભક્તો મારા ધામને પ્રાપ્ત કરે છે.
Commentary
પ્રાથમિક શાળા આવશ્યક તો છે પણ એ પણ અપેક્ષિત છે કે વિદ્યાર્થી એક દિવસ તેમાંથી નીકળી આગળ વધી જશે. જો વિદ્યાર્થી પ્રાથમિક શાળામાં આવશ્યકતાથી અધિક રહેવાની ઈચ્છા રાખે છે તો શિક્ષક તેને હતોત્સાહ કરે છે અને જીવનમાં આગળ વધવાની શિક્ષા આપે છે. એ જ પ્રમાણે, નવ દીક્ષિત સાધકો સ્વર્ગીય દેવતાઓની પૂજા કરવા ઈચ્છે છે, તો શ્લોક નં. ૭.૨૧માં જણાવ્યા પ્રમાણે શ્રીકૃષ્ણ તેમની શ્રદ્ધાને દૃઢ કરે છે. પરંતુ ભગવદ્ ગીતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે નથી. તેથી, તેઓ અર્જુનને આધ્યાત્મિક સિદ્ધાંત સમજવા માટે કહે છે: “વ્યક્તિને તેનું ફળ મળે છે, જેની તે પૂજા કરે છે. તે લોકો કે જે દેવતાઓની પૂજા કરે છે, તેઓ મૃત્યુ પશ્ચાત્ એ દેવતાઓના લોકમાં જાય છે. જેઓ મારી પૂજા કરે છે તેઓ મારી પાસે આવે છે.” દેવતાઓ નશ્વર હોવાથી, તેમની પૂજાનું ફળ પણ નશ્વર હોય છે. પરંતુ ભગવાન અવિનાશી હોવાથી તેમની પૂજાનું ફળ પણ અવિનાશી હોય છે. ભગવાનના ભક્તો તેમની સનાતન સેવા અને તેમનું શાશ્વત ધામ પામે છે.