Bhagavad Gita: Chapter 7, Verse 20

કામૈસ્તૈસ્તૈર્હૃતજ્ઞાનાઃ પ્રપદ્યન્તેઽન્યદેવતાઃ ।
તં તં નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતાઃ સ્વયા ॥ ૨૦॥

કામૈ:—માયિક કામનાઓ દ્વારા; તૈ: તૈ:—વિવિધ; હ્રત-જ્ઞાના:—જેમનું જ્ઞાન હરાઈ ગયું છે; પ્રપધ્યન્તે—શરણાગત; અન્ય—અન્ય; દેવતા: —દેવતાઓ; તમ્ તમ્—વિવિધ; નિયમમ્—નિયમો અને વિધાનો; આસ્થાય—અનુસરીને; પ્રકૃત્યા—પ્રકૃતિ દ્વારા; નિયત: —નિયંત્રિત; સ્વયા—તેમના પોતાના દ્વારા.

Translation

BG 7.20: જેની બુદ્ધિ માયિક કામનાઓથી હરાઈ ગઈ છે, તેઓ સ્વર્ગીય દેવોને શરણે જાય છે. પોતાની પ્રકૃતિને અનુસરીને તેઓ દેવતાઓની પૂજા કરે છે અને આ દેવતાઓને રીઝવવાના આશયથી કર્મકાંડ કરે છે.

Commentary

જયારે શ્રીકૃષ્ણ (પરમ પુરુષોત્તમ ભગવાન) સર્વ અસ્તિત્ત્વનો આધાર છે તો કોઈપણ સ્વર્ગીય દેવતા તેમનાથી સ્વતંત્ર હોઈ શકે નહીં. જે પ્રમાણે, રાષ્ટ્રના પ્રધાનમંત્રી અનેક અધિકારીઓની સહાયથી સરકારના વહીવટી તંત્રનું સંચાલન કરે છે, તે જ પ્રમાણે, દેવતાઓ પણ ભગવાનની સરકારમાં કનિષ્ઠ અધિકારીઓ છે. તેઓ પણ આપણા સમાન જ આત્માઓ છે કે જેઓ ઉન્નત છે અને તેમના પૂર્વ જન્મોના પુણ્યશાળી કર્મોના પરિણામે તેમણે માયિક ક્ષેત્રની શાસન વ્યવસ્થામાં ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યા છે.

તેઓ કોઈને માયાના બંધનમાંથી મુક્ત કરી શકતા નથી કારણ કે તેઓ પોતે જ મુક્ત નથી. આમ છતાં, તેઓ તેમના અધિકાર ક્ષેત્રમાં રહેલા માયિક પદાર્થો પ્રદાન કરી શકે છે. માયિક કામનાઓથી પ્રેરિત થઈને લોકો દેવતાઓને પૂજે છે અને તેમની પૂજા માટે નિયત વિધાનોનું કડક રીતે પાલન કરે છે. શ્રીકૃષ્ણ કહે છે કે આવા મનુષ્યો કે જેમનું જ્ઞાન માયિક કામનાઓથી આચ્છાદિત છે, તેઓ સ્વર્ગીય દેવતાઓને ભજે છે.