યાતયામં ગતરસં પૂતિ પર્યુષિતં ચ યત્ ।
ઉચ્છિષ્ટમપિ ચામેધ્યં ભોજનં તામસપ્રિયમ્ ॥ ૧૦॥
યાત-યામમ્—વાસી ભોજન; ગત-રસમ્—સ્વાદવિહીન; પૂતિ—સડેલું; પર્યુષિતમ્—પ્રદૂષિત; ચ—અને; યત્—જે; ઉચ્છિષ્ટમ્—બીજાનું એંઠું; અપિ—પણ; ચ—અને; અમેધ્યમ્—અસ્પૃશ્ય; ભોજનમ્—ભોજન; તામસ—તમોગુણીને; પ્રિયમ્—પ્રિય.
Translation
BG 17.10: અતિ રાંધેલું, ફીકું, વાસી, સડેલું, પ્રદૂષિત અને અશુદ્ધ આહાર તમોગુણી લોકોને પ્રિય હોય છે.
Commentary
એવો ભોજ્ય આહાર જેને રાંધીને એક યામ (ત્રણ કલાક)થી અધિક અવધિ થઈ ગઈ હોય, તેને તમોગુણની શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જે આહાર અશુદ્ધ, સ્વાદહીન અથવા દુર્ગંધ ધરાવતો હોય તે પણ સમાન શ્રેણીમાં વર્ગીકૃત થાય છે. અશુદ્ધ આહારમાં બધા જ પ્રકારના માંસનું ઉત્પાદન સમાવિષ્ટ થાય છે. પ્રકૃતિએ માનવ શરીરની રચના શાકાહારી બનવા માટે કરી છે. મનુષ્યને માંસભક્ષી જનાવરો જેવા લાંબા દાંત હોતા નથી કે માંસને ચીરવા માટે જરુરી પહોળું જડબું પણ હોતું નથી. માંસભક્ષી જાનવરોના આંતરડાં નાના હોય છે, જેથી વિચલિત અને મૃત પ્રાણીરૂપી આહારને આગળ વધવામાં ઓછો સમય લાગે છે. આવો આહાર ઝડપથી સડી જાય છે અને કોહવાઈ જાય છે. તેનાથી વિપરીત, મનુષ્યોનું પાચનતંત્ર વિશાળ હોય છે, જે વનસ્પતિથી પ્રાપ્ત આહારનું મંદ ગતિથી અને ઉત્તમ રીતે પાચન કરે છે. માંસભક્ષી પ્રાણીઓનું ઉદર મનુષ્યના ઉદર કરતાં અધિક તેજાબી કે અમ્લીય હોય છે, જે તેમને કાચું માંસ પચાવવામાં સહાય કરે છે. રસપ્રદ વાત એ પણ છે કે માંસભક્ષી પ્રાણીઓ તેમનાં છિદ્રોથી સ્વેદનું નિષ્કાસન કરતા નથી. પરંતુ, તેઓ તેમના શરીરનું તાપમાન તેમની જીભ દ્વારા નિયંત્રિત કરે છે. જયારે બીજી બાજુ, શાકાહારી પ્રાણીઓ અને મનુષ્યો તેમના શરીરનું તાપમાનનું નિયંત્રણ તેમની ત્વચાથી સ્વેદનું નિષ્કાસન કરીને કરે છે. પાણી પીવાના સમયે, માંસભક્ષી પ્રાણીઓ પાણીને ચૂસવાને બદલે જીહ્વા દ્વારા ચાટીને પીવે છે. તેનાથી વિપરીત, શાકાહારી પ્રાણીઓ પાણીને ચાટતા નથી પરંતુ અંદર ખેંચીને પીવે છે. મનુષ્યો પણ પાણી પીતી વખતે તેને અંદર ખેંચીને પીવે છે, તેઓ તેને ચાટતા નથી. માનવશરીરના આ સર્વ શારીરિક લક્ષણોથી જ્ઞાત થાય છે કે ભગવાને આપણી રચના માંસભક્ષી પ્રાણીઓ તરીકે કરી નથી અને પરિણામે, માંસને મનુષ્ય માટે અશુદ્ધ આહાર માનવામાં આવે છે.
માંસાહાર પાપકર્મનું સર્જન પણ કરે છે. મનુસ્મૃતિમાં વર્ણન છે:
માં સ ભક્ષયિતાઽમુત્ર યસ્ય માંસમિહાદ્મ્યહમ્
એતન્માંસસ્ય માંસત્વં પ્રવદન્તિ મનીષિણઃ (૫.૫૫)
“માંસ શબ્દનો અર્થ છે, જેને હું આરોગું છું તે મને આવતા જન્મમાં ખાશે.” આ કારણથી વિદ્વાન પુરુષો માંસને મંસા (પુનરાવર્તિત કર્મ; હું તેને ખાઉં, તે મને ખાય.) કહે છે.