દાતવ્યમિતિ યદ્દાનં દીયતેઽનુપકારિણે ।
દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનં સાત્ત્વિકં સ્મૃતમ્ ॥ ૨૦॥
દાતવ્યમ્—દાન કરવા યોગ્ય; ઈતિ—એ પ્રમાણે; યત્—જે; દાનમ્—દાન; દીયતે—દેવાય છે; અનુપકારિણે—પ્રત્યુપકારની ભાવના વિના; દેશે—ઉચિત સ્થાને; કાલે—ઉચિત સમયે; ચ—અને; પાત્રે—સુપાત્ર વ્યક્તિને; ચ—અને; તત્—તે; દાનમ્—દાન; સાત્ત્વિકમ્—સત્ત્વગુણી; સ્મૃતમ્—મનાય છે.
Translation
BG 17.20: જે દાન સુપાત્ર વ્યક્તિને કર્તવ્ય સમજીને, કોઈપણ પ્રતિફળની અપેક્ષા વિના, ઉચિત સમયે, ઉચિત સ્થાને આપવામાં આવે છે, તેને સાત્ત્વિક દાન માનવામાં આવે છે.
Commentary
અહીં દાનના ત્રિવિધ વિભાગોનું વર્ણન કરવામાં આવ્યું છે. વ્યક્તિએ સામર્થ્ય પ્રમાણે દાન કરવું એ સૌનું કર્તવ્ય છે. ભવિષ્ય પુરાણ કહે છે: દાનમેકં કલૌ યુગે “કળિયુગમાં એકમાત્ર દાન શુદ્ધિકરણનું માધ્યમ છે.”
રામાયણ વર્ણન કરે છે:
પ્રગટ ચારિ પદ ધર્મ કે કલિ મહુઁ એક પ્રધાન, જેન કેન બિધિ દીન્હેં દાન કરઇ કલ્યાન
“ધર્મના ચાર મૂળભૂત સિદ્ધાંત છે, તેમાંથી કળિયુગ માટે એક અતિ મહત્ત્વપૂર્ણ છે—તે છે યથાશક્તિ, યથાસંભવ દાન કરો.” દાનનું કાર્ય અનેક લાભ પ્રદાન કરે છે. તે દાતાની ભૌતિક વિષય પ્રત્યેની આસક્તિ ઘટાડે છે; તે સેવાભાવના વિકસિત કરે છે; તે હૃદયને વિશાળ બનાવે છે; તથા અન્ય પ્રત્યે કરુણાની ભાવનાનું પોષણ કરે છે. તેથી, અધિકાંશ ધાર્મિક પરંપરાઓ વ્યક્તિની આવકનો એક દશાંશ ભાગ દાન કરી દેવાનો આદેશ આપે છે. સ્કંદ પુરાણ વર્ણન કરે છે:
ન્યાયોપાર્જિત વિત્તસ્ય દશમાંશેન ધીમતઃ
કર્તવ્યો વિનિયોગશ્ચ ઈશ્વરપ્રિત્યર્થમેવ ચ
“ન્યાયોચિત માધ્યમ દ્વારા તમે જે સંપત્તિ પ્રાપ્ત કરી હોય, તેનો એક દશાંશ ભાગ, કર્તવ્ય સ્વરૂપે દાન કરો. તમારા દાનને ભગવાનની પ્રીતિ અર્થે સમર્પિત કરો.” આ શ્લોકમાં શ્રીકૃષ્ણ દ્વારા ઉલ્લેખિત પરિબળો અનુસાર દાનને ઉચિત કે અનુચિત, ઉત્કૃષ્ટ કે નિકૃષ્ટ, સ્વરૂપે વર્ગીકૃત કરવામાં આવે છે. જયારે મુક્ત હૃદયે, સુપાત્ર વ્યક્તિને, ઉચિત સમયે, ઉચિત સ્થાને દાન આપવામાં આવે છે, તેને સત્ત્વગુણ આધારિત માનવામાં આવે છે.