કટ્વમ્લલવણાત્યુષ્ણતીક્ષ્ણરૂક્ષવિદાહિનઃ ।
આહારા રાજસસ્યેષ્ટા દુઃખશોકામયપ્રદાઃ ॥ ૯॥
કટુ—કડવું; અમ્લ—ખાટું; લવણ—ખારું; અતિ-ઉષ્મ—અતિ ગરમ; તીક્ષ્ણ—તીવ્ર; રુક્ષ—લૂખું; વિદાહિન—બળતરા કરનારું; આહાર:—ભોજન; રાજસસ્ય—રજોગુણી મનુષ્યને; ઇષ્ટા:—રુચિકર; દુઃખ—દુઃખ; શોક—શોક; આમય—રોગ; પ્રદા—ઉત્પન્ન કરનારા.
Translation
BG 17.9: જે આહાર અતિ કડવો, અતિ ખાટો, ખારો, અતિ ગરમ, તીવ્ર, શુષ્ક અને તીખો હોય છે, તે રજોગુણી લોકોને અતિ પ્રિય હોય છે. આવો આહાર કષ્ટ, શોક અને રોગ ઉત્પન્ન કરે છે.
Commentary
જયારે શાકાહારી આહાર અત્યાધિક મરચું, શર્કરા, લવણ વગેરે સાથે રાંધવામાં આવે છે ત્યારે તે રાજસિક બની જાય છે. જયારે તેનું વર્ણન કરવામાં આવે ત્યારે “અતિ” શબ્દને દરેક વિશેષણ સાથે ઉમેરી શકાય છે. તે પ્રમાણે, રાજસિક ખોરાક અતિ કડવો, અતિ ખાટો, અતિ ખારો, અતિ ગરમ, અતિ તીવ્ર, અતિ શુષ્ક, અતિ મરચાંથી યુક્ત હોય છે. તેને કારણે, માંદગી, ઉદ્વેગ અને વિષાદ પેદા થાય છે. રજોગુણી લોકોને આવો આહાર આકર્ષક લાગે છે પરંતુ સત્ત્વગુણી લોકોને તે ઘૃણાસ્પદ લાગે છે. આહાર લેવાનું તાત્પર્ય સ્વાદેન્દ્રિય દ્વારા આનંદ પ્રાપ્તિ કરવાનું નથી, પરંતુ શરીરને તંદુરસ્ત અને શક્તિશાળી રાખવાનું છે. જૂની લોકોક્તિ અનુસાર: “જીવવા માટે ખાવ, ખાવા માટે જીવો નહીં.” આ પ્રમાણે, બુદ્ધિમાન મનુષ્ય એવું ભોજન કરે છે, જે સુસ્વાસ્થ્ય માટે સહાયક હોય અને જેનો મન પર શાંતિમય પ્રભાવ હોય. જેમ કે, સાત્ત્વિક આહાર.