Bhagavad Gita: Chapter 17, Verse 24

તસ્માદોમિત્યુદાહૃત્ય યજ્ઞદાનતપઃક્રિયાઃ ।
પ્રવર્તન્તે વિધાનોક્તાઃ સતતં બ્રહ્મવાદિનામ્ ॥ ૨૪॥

તસ્માત્—તેથી; ઓમ—ઓમ, પવિત્ર અક્ષર; ઈતિ—આ પ્રમાણે; ઉદાહ્રત્ય—ઉચ્ચારણ કરીને; યજ્ઞ—યજ્ઞ; દાન—દાન; તપ:—તપ; ક્રિયા:—ક્રિયા; પ્રવર્તન્તે—આરંભ; વિધાન-ઉકતા:—વૈદિક આજ્ઞાઓ અનુસાર; સતતમ્—નિરંતર; બ્રહ્મ-વાદિનામ્—વેદોના પ્રવક્તા.

Translation

BG 17.24: તેથી, વૈદિક આજ્ઞાઓ અનુસાર વેદોના પ્રવક્તાઓ યજ્ઞક્રિયાઓ, દાન પ્રદાન અથવા તો તપશ્ચર્યાનો શુભારંભ “ઓમ” શબ્દના ઉચ્ચારણ સાથે કરે છે.

Commentary

“ઓમ” એ ભગવાનના નિરાકાર પાસાનું પ્રતિકાત્મક નિરૂપણ છે. તેને નિરાકાર બ્રહ્મના નામ સ્વરૂપ પણ માનવામાં આવે છે. તે આદિકાળનો ધ્વનિ છે, જે સૃષ્ટિમાં વ્યાપ્ત છે. તેનું ઉચિત ઉચ્ચારણ ખુલ્લા મુખે “આ”, હોઠને સાંકડા કરીને “ઊ” અને હોઠને સંકોચીને “મ” બોલીને થાય છે. તેને અનેક વૈદિક મંત્રોના આરંભમાં માંગલિકતાનું આહ્વાન કરવા માટે બીજ મંત્રના સ્વરૂપમાં સ્થાન આપવામાં આવે છે.