Bhagavad Gita: Chapter 17, Verse 13

વિધિહીનમસૃષ્ટાન્નં મન્ત્રહીનમદક્ષિણમ્ ।
શ્રદ્ધાવિરહિતં યજ્ઞં તામસં પરિચક્ષતે ॥ ૧૩॥

વિધિહીનમ્—શાસ્ત્રાદેશ રહિત; અસૃષ્ટ-અન્નમ્—પ્રસાદ વિતરણ કર્યા વિના; મન્ત્રહીનમ્—વેદમંત્રો રહિત; અદક્ષિણમ્—પુરોહિતોને દક્ષિણા આપ્યા વિના; શ્રદ્ધા—શ્રદ્ધા; વિરહિતમ્—વિહીન; યજ્ઞમ્—યજ્ઞ; તામસમ્—તમોગુણી; પરિચક્ષતે—ગણાય છે.

Translation

BG 17.13: જે યજ્ઞ શ્રદ્ધા રહિત હોય અને શાસ્ત્રોક્ત આજ્ઞાઓથી વિપરીત હોય, જેમાં પ્રસાદનું વિતરણ ન થયું હોય, વૈદિક મંત્રોનો નાદઘોષ ન થયો હોય તથા દાન-દક્ષિણા અર્પણ ન થયા હોય તેને તમોગુણી યજ્ઞ ગણવામાં આવે છે.

Commentary

જીવનમાં પ્રત્યેક ક્ષણે વ્યક્તિ સમક્ષ વિકલ્પ હોય છે કે તેણે કયું કર્મ કરવું. કેટલાક એવા ઉચિત કર્મો છે કે જે સમાજ તેમજ આપણા માટે લાભદાયક હોય છે. સાથે-સાથે કેટલાક એવા અનુચિત કર્મો પણ છે કે જે અન્ય માટે તથા આપણા માટે પણ હાનિકારક છે. પરંતુ શું લાભદાયક છે અને શું હાનિકારક છે તે અંગે નિર્ણય કોણ કરે? અને જો કોઈ વિવાદ ઉત્પન્ન થાય તો કયા આધારે તેનું નિવારણ કરવું? જો પ્રત્યેક વ્યક્તિ તેમનો પોતાનો નિર્ણય લેવા માંડે તો તો અંધાધૂંધી પ્રવર્તવા લાગશે. તેથી, શાસ્ત્રોક્ત આજ્ઞાઓ માર્ગદર્શક રૂપે કાર્ય કરે છે અને જયારે કોઈ સંશય ઉત્પન્ન થાય છે ત્યારે કોઈપણ કર્મના ઔચિત્યની નિશ્ચિતતા માટે આપણે આ શાસ્ત્રોમાંથી માર્ગદર્શન પ્રાપ્ત કરી શકીએ છીએ. પરંતુ, તમોગુણી વ્યક્તિઓને શાસ્ત્રોમાં શ્રદ્ધા હોતી નથી. તેઓ ધાર્મિક અનુષ્ઠાનો કરે છે પરંતુ શાસ્ત્રોના આદેશોનો અનાદર કરે છે.

ભારતમાં, પ્રત્યેક પર્વ સાથે સંબંધિત વિશિષ્ટ દેવી-દેવતાઓની ધૂમધામ અને ભવ્યતા સાથે આરાધના કરવામાં આવે છે. પ્રાય: આવા બાહ્ય અને ભવ્ય સમારોહ—ભપકાદાર સજાવટ, ચળકતી રોશનીઓ અને ઘોંઘાટીયું સંગીત—ની પાછળનો ઉદ્દેશ્ય આસપાસમાંથી આર્થિક ફાળો ઉઘરાવવાનો જ હોય છે. તદુપરાંત, ધાર્મિક અનુષ્ઠાનો કરતા પુરોહિતોને ઋણભાવ અને આદર સ્વરૂપે દક્ષિણા અર્પણ કરવાના શાસ્ત્રોક્ત આદેશનું પાલન થતું નથી. જે યજ્ઞમાં આળસ, ઉદાસીનતા અને વિદ્રોહના કારણે શાસ્ત્રોની આજ્ઞાઓની ઉપેક્ષા કરવામાં આવે છે અને સ્વ-નિર્ણિત માર્ગનું પાલન થાય છે, તે તમોગુણની શ્રેણીમાં  આવે છે. આવો વિશ્વાસ વાસ્તવમાં ભગવાન અને શાસ્ત્રો પ્રત્યેની અશ્રદ્ધાનું એક રૂપ છે.