Bhagavad Gita: Chapter 17, Verse 18

સત્કારમાનપૂજાર્થં તપો દમ્ભેન ચૈવ યત્ ।
ક્રિયતે તદિહ પ્રોક્તં રાજસં ચલમધ્રુવમ્ ॥ ૧૮॥

સત-કાર—આદર; માન—સન્માન; પૂજા—પ્રશંસા; અર્થમ્—માટે; તપ:—તપ; દમ્ભેન્—આડંબર સાથે; ચ—પણ; એવ—નિશ્ચિત; યત્—જે; ક્રિયતે—કરાય છે; તત્—તે; ઈહા—આ જગતમાં; પ્રોક્તમ્—કહેવાય છે; રાજસમ્—રાજસિક; ચલમ્—ચંચળ; અધ્રુવમ્—અશાશ્વત.

Translation

BG 17.18: જે તપ દંભપૂર્વક સત્કાર, સન્માન અને પ્રશંસા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યું હોય તે રાજસી કહેવાય છે. તેનાં લાભ અસ્થિર ને અશાશ્વત હોય છે.

Commentary

તપશ્ચર્યા આત્મ-શુદ્ધિ માટે એક સશક્ત માધ્યમ હોવા છતાં પણ દરેક વ્યક્તિ તેનો શુદ્ધ ભાવના સાથે ઉપયોગ કરતો નથી. એક રાજનૈતિક વ્યક્તિ દિવસભર અનેક પ્રવચનો આપવાનો આકરો પરિશ્રમ કરે છે, તે પણ એક તપનું જ સ્વરૂપ છે પરંતુ તેનો ઉદ્દેશ્ય સત્તા અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનો હોય છે. એ જ પ્રમાણે, જો કોઈ વ્યક્તિ સન્માન અને પ્રશંસા પ્રાપ્ત કરવા માટે આધ્યાત્મિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહે તો તેનો ઉદ્દેશ્ય તો માયિક જ રહે છે, ભલે પછી માધ્યમ ભિન્ન હોય. એવા તપને રજોગુણી શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે, જે આદર, સત્તા અથવા અન્ય કોઈ ભૌતિક ફળોની પ્રાપ્તિ માટે કરવામાં આવ્યું હોય.