આયુઃસત્ત્વબલારોગ્યસુખપ્રીતિવિવર્ધનાઃ ।
રસ્યાઃ સ્નિગ્ધાઃ સ્થિરા હૃદ્યા આહારાઃ સાત્ત્વિકપ્રિયાઃ ॥ ૮॥
આયુ: સત્ત્વ—જે આયુની વૃદ્ધિ કરે; બલ—શક્તિ; આરોગ્ય—તંદુરસ્તી; સુખ—સુખ; પ્રીતિ—સંતોષ; વિવર્ધના:—વૃદ્ધિ; રસ્યા:—રસયુક્ત; સ્નિગ્ધા:—ચીકણું; સ્થિરા:—પૌષ્ટિક; હૃદ્યા:—હૃદયને ભાવે તેવું; આહારા:—ભોજન; સાત્ત્વિક-પ્રિયા:—સત્ત્વગુણીને પ્રિય.
Translation
BG 17.8: સત્ત્વગુણી લોકો એવો આહાર પસંદ કરે છે કે જે આયુષ્યની વૃદ્ધિ કરે અને સદ્દગુણ, શક્તિ, આરોગ્ય, આનંદ તથા સંતુષ્ટિમાં પણ વૃદ્ધિ કરે છે. આવો આહાર રસદાયક, સ્નિગ્ધ, પૌષ્ટિક અને પ્રાકૃતિક રીતે સ્વાદિષ્ટ હોય છે.
Commentary
અધ્યાય ચૌદના છટ્ઠા શ્લોકમાં શ્રીકૃષ્ણે જણાવ્યું છે કે સત્ત્વગુણ પવિત્ર, પ્રકાશિત, પ્રશાંત તથા આનંદ અને સંતુષ્ટિના ભાવનું સર્જન કરે છે. સત્ત્વગુણી આહાર પણ સમાન પ્રભાવ ધરાવે છે. ઉપરોક્ત શ્લોકમાં, આ આહારને આયુ: સત્ત્વ અર્થાત્ “જે આયુની વૃદ્ધિ કરે છે” એ શબ્દો દ્વારા વર્ણવ્યો છે. તે સુસ્વાસ્થ્ય, સદ્દગુણ, સુખ, અને સંતોષ પ્રદાન કરે છે. આવો આહાર રસદાર, પ્રાકૃતિક રીતે સ્વાદિષ્ટ, સૌમ્ય અને લાભકારી હોય છે. તેમાં ધાન્ય, દાળ, કઠોળ, ફળ, શાકભાજી, દૂધ અને અન્ય શાકાહારી ખોરાકનો સમાવેશ થાય છે.
તેથી, શાકાહારી આહાર સાત્ત્વિક ગુણોના સંવર્ધન માટે લાભકારી છે, જે આધ્યાત્મિક જીવનમાં સહાયરૂપ થાય છે. અનેક સાત્ત્વિક (સત્ત્વગુણથી પ્રભાવિત) વિચારકો અને તત્ત્વદર્શીઓએ ઇતિહાસમાં આ ભાવનો પ્રતિધ્વનિ પ્રસ્તુત કર્યો છે:
“શાકાહારીકરણ એ મહાનતર પ્રગતિ છે. મસ્તિષ્કની સ્પષ્ટતા અને શીધ્ર આશંકાએ તેને શાકાહારી બનવા પ્રેરિત કર્યા છે. માંસનું ભક્ષણ એ નિર્વિવાદ હત્યા છે.” — બેન્જામીન ફ્રેન્કલીન
“શું એ નિંદનીય નથી કે મનુષ્ય એ માંસાહારી પ્રાણી છે? એ સત્ય છે કે તે અન્ય પ્રાણીઓનો શિકાર કરીને અધિક જીવન જીવી શકે છે કે જીવે છે પરંતુ આ અતિ અધમ માર્ગ છે. મને કોઈ શંકા નથી કે આ માનવજાતિના ઉજળી નિયતિનો ભાગ છે કે, જે પ્રમાણે આદિવાસી જાતિએ સભ્ય લોકોના અધિક સંપર્કમાં આવીને એકબીજાને ખાવાનું છોડી દીધું છે; એ જ પ્રમાણે તેઓ પણ તેમની ક્રમિક સુધારણામાં, માંસાહારનો ત્યાગ કરે છે.” — (ડૅવિડ થરો)
“એ ભૂલ સુધારવી આવશ્યક છે કે શાકાહારીકરણે આપણને મનથી નિર્બળ કે કાર્ય કરવામાં નિષ્ક્રિય અથવા સુસ્ત બનાવી દીધા છે. હું માંસાહારને કોઈપણ અવસ્થાએ આવશ્યક માનતો નથી.” — મહાત્મા ગાંધી
“ઓ મારા અનુયાયીઓ, તમારા શરીરને પાપયુક્ત આહારથી અપવિત્ર કરશો નહીં. આપણી પાસે પોતાના વજનથી શાખાઓને ઝુકાવી દેતી મકાઈઓ અને સફરજનો છે. એવા શાકભાજીઓ છે, જેને અગ્નિ પર રાંધી શકાય છે અને નરમ બનાવી શકાય છે. પૃથ્વી પાસે સમૃદ્ધ આહાર અને નિર્દોષ ભોજનોનો વિપુલ પુરવઠો છે, જે તમને એવી મિજબાની પૂરી પાડે છે કે જેમાં કોઈ રક્તસ્ત્રાવ કે કતલ સમ્મિલિત નથી; માત્ર જનાવરો જ તેમની ક્ષુધાને માંસ દ્વારા તૃપ્ત કરે છે અને વળી એ પણ બધા નહિ, કારણ કે, ઘોડો, ઢોર અને ઘેંટા ઘાસચાર પર જીવન વ્યતીત કરે છે.” — પાયથાગોરસ
“હું મારા ઉદરને મૃત પ્રાણીઓનું કબ્રસ્તાન બનાવવા માંગતો નથી.” — જ્યોર્જ બર્નાર્ડ શો
પ્રાણીઓની હિંસાઓમાં પણ ગાયનો વધ કરવો એ વિશેષત: અધમ કૃત્ય છે. ગાય મનુષ્યને ઉપયોગ માટે દૂધ પ્રદાન કરે છે અને તે દૃષ્ટિએ તે માનવજાતિની માતા છે. જયારે તે દૂધ આપવા માટે સમર્થ ન રહે ત્યારે ગૌમાતાનો વધ કરવો એ અસંવેદનશીલ, અસંસ્કૃત અને કૃતઘ્ન કાર્ય છે.