ભગવદ્દ ગીતાનો અંતિમ અધ્યાય સૌથી દીર્ઘતમ છે અને તેમાં અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે. અર્જુન ત્યાગના વિષયનો પ્રારંભ સંન્યાસ (ક્રિયાઓનો ત્યાગ) તથા ત્યાગ (ઈચ્છાઓનો ત્યાગ), સંસ્કૃતના આ સામાન્યત: ઉપયોગમાં લેવાતા બે શબ્દો અંગેના પ્રશ્ન દ્વારા કરે છે. આ બંને શબ્દો “પરિત્યાગ કરવો” એ અર્થ ધરાવતા મૂળ શબ્દો પરથી આવ્યા છે. સંન્યાસી એ છે કે જે પારિવારિક જીવનમાં ભાગ લેતો નથી તથા સાધના (આધ્યાત્મિક અનુશાસન) ના અર્થે સમાજમાંથી વિરક્ત થઇ જાય છે. ત્યાગી એ છે કે જે પ્રવૃત્તિઓમાં વ્યસ્ત તો રહે છે પરંતુ તે કર્મોના ફળનો આનંદ માણવા અંગેની સ્વાર્થી કામનાઓને ત્યાગી દે છે (ગીતાના શબ્દનો આ સૂચિતાર્થ છે). શ્રીકૃષ્ણ બીજા પ્રકારના ત્યાગ અંગે ભલામણ કરે છે. તેઓ શિખામણ આપે છે કે બલિદાન, દાન, તપસ્યા તથા અન્ય ઉત્તરદાયિત્વના કર્મોનો કદાપિ ત્યાગ કરવો જોઈએ નહીં, કારણ કે તેઓ જ્ઞાનીને પણ શુદ્ધ કરે છે. બલ્કે, કેવળ ઉત્તરદાયિત્ત્વની દૃષ્ટિએ તેનું પાલન કરવું જોઈએ, કારણ કે કર્મોના ફળો પ્રત્યેની આસક્તિ રહિત થઈને તે કરવા આવશ્યક છે.
પશ્ચાત્, શ્રીકૃષ્ણ કર્મોને પ્રેરિત કરતા ત્રણ પરિબળો, કર્મોના ત્રણ ઘટકો તથા કર્મોના ફળોમાં યોગદાન આપતા પાંચ પરિબળોનું વિસ્તૃત વિશ્લેષણ કરે છે. તેઓ આ પ્રત્યેકનું ત્રણ ગુણોના સંદર્ભમાં વર્ણન કરે છે. તેઓ પ્રસ્થાપિત કરે છે કે જેઓ અપર્યાપ્ત જ્ઞાન ધરાવે છે, તેઓ પોતાને કેવળ તેમના કર્મોના એકમાત્ર કારણ તરીકે જોવે છે. પરંતુ પ્રબુદ્ધ જીવાત્માઓ, વિશુદ્ધ બુદ્ધિ સાથે, પોતાને ન તો તેમના કર્મોના કર્તા માને છે કે ન તો કર્મોના ભોક્તા માને છે. તેઓ જે કંઈ કરે છે, તેના ફળોથી સદૈવ અનાસક્ત રહીને તેઓ કાર્મિક પ્રતિભાવોથી બંધાતા નથી. પશ્ચાત્ આ અધ્યાય સ્પષ્ટ કરે છે કે શા માટે લોકો તેમના ઉદ્દેશ્ય અને પ્રવૃત્તિઓમાં ભિન્નતા ધરાવે છે. માયિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર, તે જ્ઞાનનાં પ્રકારો, કર્મોનાં પ્રકારો તથા કર્તાઓની શ્રેણીઓનું વર્ણન કરે છે. પશ્ચાત્ તે બુદ્ધિ, સંકલ્પ અને આનંદ માટે સમાન વિશ્લેષણ પ્રસ્તુત કરે છે. તત્પશ્ચાત્ આ અધ્યાય એવા લોકોનું ચિત્રણ કરે છે કે જેમણે આધ્યાત્મિક જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત કરી છે તથા બ્રહ્મ-સાક્ષાત્કારમાં સ્થિત રહે છે. તેઓ ઉમેરે છે કે આવા પૂર્ણ યોગીઓ પણ તેમની અનુભૂતિમાં પૂર્ણતાનો અનુભવ ભક્તિમાં લીન થઈને કરે છે. આ પ્રમાણે, પરમ દિવ્ય પરમાત્માનું રહસ્ય કેવળ પ્રેમા-ભક્તિ દ્વારા જાણી શકાય છે.
પશ્ચાત્ શ્રીકૃષ્ણ અર્જુનને યાદ અપાવે છે કે ભગવાન સર્વ જીવોના હૃદયમાં નિવાસ કરે છે અને તેમના કર્મો અનુસાર તેમના ભ્રમણનું નિર્દેશન કરે છે. જો આપણે તેમનું સ્મરણ કરીને આપણા સર્વ કર્મો તેમને સમર્પિત કરી દઈએ, તેમનું શરણ ગ્રહણ કરીને તેમને આપણા પરમ ધ્યેય બનાવીએ તો તેમની કૃપા દ્વારા આપણે સર્વ વિઘ્નો તથા મુશ્કેલીઓને પાર કરી જઈશું. પરંતુ, જો અહંકારથી પ્રેરાઈને, આપણે આપણા તરંગો પ્રમાણે કર્મ કરીશું, તો આપણને સફળતા પ્રાપ્ત થશે નહીં. અંતત: શ્રીકૃષ્ણ પ્રગટ કરે છે કે સર્વ પ્રકારની ધાર્મિકતાનો ત્યાગ કરવો અને કેવળ ભગવાનને શરણાગત થવું એ અતિ ગોપનીય જ્ઞાન છે. પરંતુ, આ જ્ઞાન જે લોકો સંયમી કે સમર્પિત નથી, તેઓને પ્રદાન કરવું જોઈએ નહીં કારણ કે તેઓ તેનું ખોટું અર્થઘટન કરે છે અને બેજવાબદારીપૂર્વક કર્મોનો ત્યાગ કરવા માટે તેનો ગેરઉપયોગ કરે છે. પરંતુ જો આપણે આ ગોપનીય જ્ઞાનને સુપાત્ર જીવાત્માઓ સમક્ષ પ્રસ્તુત કરીશું, તો તે પ્રેમનું મહાનતમ કર્મ છે અને તે ભગવાનને અતિ પ્રસન્ન-કારક છે.
પશ્ચાત્ અર્જુન શ્રીકૃષ્ણને જણાવે છે કે તેનો ભ્રમ દૂર થયો છે તથા તે આદેશ અનુસાર કર્મ કરવા માટે તૈયાર છે. અંતમાં, સંજય કે જે આ સંવાદનું વર્ણન અંધ રાજા ધૃતરાષ્ટ્ર પાસે કરી રહ્યા છે, તેઓ નોંધપૂર્વક જણાવે છે કે આ દિવ્ય સંવાદનું શ્રવણ કરીને તેઓ કેટલા વિસ્મિત અને આશ્ચર્યચક્તિ છે. જયારે તેઓ આ પવિત્ર સંવાદ અને ભગવાનના પ્રચંડ વૈશ્વિક રૂપને યાદ કરે છે ત્યારે પરમાનંદના ભાવાવેશમાં તેમના રૂંવાડાં ઉભા થઇ જાય છે. તેઓ એક પ્રગાઢ ઘોષણા સાથે ઉપસંહાર કરે છે કે વિજયશ્રી તેમજ શુભતા, સર્વોપરિતા અને ઐશ્વર્ય સદૈવ ભગવાન તથા તેમના વિશુદ્ધ ભક્તના પક્ષે જ રહેશે કારણ કે સદૈવ પૂર્ણ સત્યના પ્રકાશ દ્વારા અસત્યના અંધકારનો નાશ થશે.
Bhagavad Gita 18.1 View commentary »
અર્જુને કહ્યું; હે મહા-ભુજાઓવાળા શ્રીકૃષ્ણ, હું સંન્યાસ (કર્મોનો ત્યાગ) અને ત્યાગ (કર્મોના ફળોની ઈચ્છાનો ત્યાગ) આ બંનેની પ્રકૃતિ અંગે જાણવા ઈચ્છું છું. હે હૃષીકેશ, હે કેશી-નિષૂદન, હું આ બંને વચ્ચેની પૃથકતા અંગે પણ જાણવા ઈચ્છું છું.
Bhagavad Gita 18.2 View commentary »
પરમ દિવ્ય ભગવાન બોલ્યા: કામનાઓથી અભિપ્રેરિત કર્મોનો ત્યાગ કરવો, તેને બુદ્ધિમાન લોકો સંન્યાસ સમજે છે. સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરવો, તેને વિદ્વાનો ત્યાગ તરીકે ઘોષિત કરે છે.
Bhagavad Gita 18.3 View commentary »
કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ કર્મોને દોષપૂર્ણ ગણીને તેમનો ત્યાગ કરવો જોઈએ, જયારે અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ, દાન અને તપ જેવા કર્મોનો કદાપિ ત્યાગ કરવો જોઈએ નહીં.
Bhagavad Gita 18.4 View commentary »
હવે ત્યાગના વિષયમાં મારો નિષ્કર્ષ સાંભળ. હે મનુષ્યોમાં વ્યાઘ્ર, ત્યાગના ત્રણ પ્રકારો જણાવવામાં આવ્યા છે.
Bhagavad Gita 18.5 View commentary »
યજ્ઞ, દાન અને તપને આધારિત કાર્યોનો કદાપિ પરિત્યાગ કરવો જોઈએ નહીં; તેમનું અવશ્ય પાલન થવું જોઈએ. વાસ્તવમાં, યજ્ઞ, દાન અને તપના કાર્યો મહાત્માઓને પણ શુદ્ધ કરનારા છે.
Bhagavad Gita 18.6 View commentary »
આ કર્તવ્યોનું પાલન આસક્તિ તથા ફળની અપેક્ષા રાખ્યા વિના કરવું જોઈએ. હે અર્જુન, આ મારો નિશ્ચિત તથા ઉત્તમ મત છે.
Bhagavad Gita 18.7 View commentary »
નિયત કર્તવ્યોને કદાપિ ત્યજવા જોઈએ નહીં. આવા ભ્રમિત સંન્યાસને તામસી ગણવામાં આવે છે.
Bhagavad Gita 18.8 View commentary »
નિયત કર્તવ્યોનો ત્યાગ કરી દેવો કારણ કે તે દુઃખદાયક અને શરીર માટે કષ્ટદાયક છે, તેને રાજસિક ત્યાગ કહેવામાં આવે છે. આવો ત્યાગ કદાપિ ઉન્નતિ માટે લાભદાયક નીવડતો નથી.
Bhagavad Gita 18.9 View commentary »
જયારે કર્તવ્યને ઉત્તરદાયિત્ત્વના પ્રતિભાવ સ્વરૂપે કરવામાં આવે છે અને વ્યક્તિ કોઈપણ પ્રકારના ફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરે છે, ત્યારે તે ત્યાગને સાત્ત્વિક માનવામાં આવે છે.
Bhagavad Gita 18.10 View commentary »
જે લોકો ન તો પ્રતિકૂળ કાર્યની ઉપેક્ષા કરે છે કે ન તો અનુકૂળ કાર્ય પ્રત્યે આસક્ત થાય છે, એવા મનુષ્યો વાસ્તવિક ત્યાગી છે. તેઓ સાત્ત્વિકતાના ગુણોથી સંપન્ન છે તથા (કાર્યની પ્રકૃતિ અંગે) સંશયરહિત છે.
Bhagavad Gita 18.11 View commentary »
દેહધારી જીવો માટે પૂર્ણપણે પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરવો અસંભવ છે. પરંતુ જેઓ તેમના કર્મોના ફળોનો પરિત્યાગ કરે છે, તેઓ વાસ્તવિક ત્યાગી કહેવાય છે.
Bhagavad Gita 18.12 View commentary »
જે લોકો વ્યક્તિગત ફળ પ્રત્યે આસક્ત હોય છે, તેમને મૃત્યુ પશ્ચાત્ પણ કર્મોના ત્રણ પ્રકારનાં—ઇષ્ટ, અનિષ્ટ તથા મિશ્ર—ફળો પ્રાપ્ત થાય છે. પરંતુ જે લોકો તેમનાં કર્મોના ફળોનો ત્યાગ કરી દે છે, તેમને અહીં કે મૃત્યુ પશ્ચાત્ પણ આવા કોઈ પણ ફળો ભોગવવાં પડતા નથી.
Bhagavad Gita 18.13 View commentary »
હે અર્જુન, હવે સર્વ કર્મોની સિદ્ધિ માટે સાંખ્ય સિદ્ધાંતમાં ઉલ્લેખિત પાંચ તત્ત્વો અંગેનું મારી પાસે શ્રવણ કર, જે કર્મોના પ્રતિભાવો કેવી રીતે રોકવા તે અંગે સ્પષ્ટતા કરે છે.
Bhagavad Gita 18.14 View commentary »
શરીર, કર્તા, વિવિધ ઇન્દ્રિયો, અનેક પ્રકારનાં પ્રયાસો તથા દિવ્ય પરમાત્મા—કર્મના આ પાંચ તત્ત્વો છે.
Bhagavad Gita 18.15 – 18.16 View commentary »
શરીર, વાણી અથવા મન દ્વારા કરવામાં આવતાં ઉચિત કે અનુચિત કોઇપણ કર્મોમાં આ પાંચ તત્ત્વો ભાગ ભજવે છે. જેઓ આ જ્ઞાન ધરાવતા નથી, તેઓ આત્માને એકમાત્ર કર્તા માને છે. તેમની અશુદ્ધ બુદ્ધિને કારણે તેઓ વિષયને તેના મૂળ સ્વરૂપે જોઈ શકતા નથી.
Bhagavad Gita 18.17 View commentary »
જે લોકો કર્તા હોવાના અહંકારથી મુક્ત છે તથા જેની બુદ્ધિ આસક્ત થતી નથી, તેઓ જીવોને હણવા છતાં પણ ન તો હણે છે કે ન તો તેઓ કર્મોથી બદ્ધ થાય છે.
Bhagavad Gita 18.18 View commentary »
જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા—આ ત્રણ પરિબળો છે, જે કર્મને પ્રેરિત કરે છે. કર્મનું સાધન, સ્વયં કર્મ અને કર્તા—આ કર્મનાં ત્રણ ઘટકો છે.
Bhagavad Gita 18.19 View commentary »
સાંખ્યદર્શનમાં જ્ઞાન, કર્મ અને કર્તાને તેમનાં ત્રણ માયિક ગુણોને અનુસાર ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ધ્યાનથી સંભાળ, હું આ અંગેનો ભેદ સ્પષ્ટ કરીશ.
Bhagavad Gita 18.20 View commentary »
જેના દ્વારા વ્યક્તિ સર્વ વિભિન્ન જીવોમાં એક અવિભાજીત અવિનાશી વાસ્તવિકતાને જોવે છે, તે જ્ઞાનને સાત્ત્વિક જાણવું.
Bhagavad Gita 18.21 View commentary »
જે જ્ઞાનને કારણે વ્યક્તિ અનેક જીવોને વિવિધ શરીરોમાં વૈયક્તિક અને પૃથક્ જોવે છે, એ જ્ઞાનને રાજસિક માનવું.
Bhagavad Gita 18.22 View commentary »
તે જ્ઞાનને તમોગુણી કહેવામાં આવે છે, જેમાં વ્યક્તિ એક અલ્પ અંશની વિભાવનામાં લિપ્ત રહે છે, જાણે કે તેમાં પૂર્ણ સમાવિષ્ટ હોય અને જે ન તો ઉચિત કારણથી યુક્ત હોય છે કે ન તો સત્ય પર આધારિત હોય છે.
Bhagavad Gita 18.23 View commentary »
જે કર્મ શાસ્ત્રોક્ત અનુસાર છે, જે રાગદ્વેષ રહિત છે તથા જે ફળની કામના રાખ્યા વિના કરવામાં આવે છે, તેને સાત્ત્વિક કહેવાય છે.
Bhagavad Gita 18.24 View commentary »
જે કર્મ સ્વાર્થયુકત કામનાથી પ્રેરિત છે, અહંકાર સાથે કરવામાં આવે છે અને તણાવથી પૂર્ણ છે, તેને રજોગુણી કહેવામાં આવે છે.
Bhagavad Gita 18.25 View commentary »
જે કર્મ મોહવશ, પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વિના, પરિણામોનો અને નુકસાનનો અનાદર કરીને તથા અન્યની હિંસા કે ઈજા કરીને આરંભ કરવામાં આવે છે, તેને તામસી કહેવામાં આવે છે.
Bhagavad Gita 18.26 View commentary »
તેને સાત્ત્વિક કર્તા કહેવામાં આવે છે, જયારે તે અથવા તો તેણી અહંકાર અને આસક્તિથી મુક્ત હોય, ઉત્સાહ અને નિર્ધારથી સંપન્ન હોય, તથા સફળતા અને નિષ્ફળતામાં અવિચલિત રહે છે.
Bhagavad Gita 18.27 View commentary »
તેને રજોગુણી કર્તા કહેવામાં આવે છે, જયારે તે કે તેણી કર્મના ફળની તૃષ્ણા સેવે છે, લોભી, હિંસાત્મક, અપવિત્ર હોય છે અને હર્ષ તથા શોકથી વિચલિત થાય છે.
Bhagavad Gita 18.28 View commentary »
જે બિનઅનુશાસિત, અભદ્ર, જીદ્દી, કપટી, આળસુ, ખિન્ન અને કામ કરવામાં શિથિલ હોય છે, તેને તમોગુણી કર્તા કહેવાય છે.
Bhagavad Gita 18.29 View commentary »
હે અર્જુન, હવે તને માયિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ અને સંકલ્પના તફાવત વિષે હું વિસ્તૃત રીતે વર્ણન કરીશ.
Bhagavad Gita 18.30 View commentary »
હે પાર્થ, જે કયું કર્મ ઉચિત છે અને કયું કર્મ અનુચિત છે, કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું છે, શાનાથી ભયભીત થવાનું છે અને શાનાથી ભયભીત થવાનું નથી, શું બંધનકર્તા છે અને શું મુક્તિકર્તા છે, તે જાણે છે; તેવી બુદ્ધિને સત્ત્વગુણી બુદ્ધિ કહેવામાં આવે છે.
Bhagavad Gita 18.31 View commentary »
જે બુદ્ધિ ધર્મ અને અધર્મ વચ્ચે ગૂંચવાયેલી હોય છે અને ઉચિત તથા અનુચિત વચ્ચે ભેદ કરી શકતી નથી, તેન રાજસી બુદ્ધિ હોય છે.
Bhagavad Gita 18.32 View commentary »
જે બુદ્ધિ અંધકારથી આચ્છાદિત હોય છે, તે અધર્મને ધર્મ માની લે છે અને સત્યને અસત્ય રૂપે જોવે છે, તે તામસી બુદ્ધિ છે.
Bhagavad Gita 18.33 View commentary »
જે દૃઢ સંકલ્પ યોગ દ્વારા વિકસિત થાય છે અને જે મન, પ્રાણવાયુ તથા ઈન્દ્રિયોની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે, તે ધૃતિને સત્ત્વગુણી કહેવામાં આવે છે.
Bhagavad Gita 18.34 View commentary »
જે અડગ નિશ્ચય દ્વારા વ્યક્તિ ધર્મ, અર્થ અને કામને આસક્તિ તથા ફળની કામના સાથે ધારણ કરે છે, એવો સંકલ્પ રજોગુણી છે.
Bhagavad Gita 18.35 View commentary »
હે પાર્થ! તે દુર્બુદ્ધિ પૂર્ણ સંકલ્પ કે જેમાં વ્યક્તિ સ્વપ્ન, ભય, શોક, વિષાદ અને ઘમંડનો ત્યાગ કરતો નથી, તે તમોગુણી ધૃતિ છે.
Bhagavad Gita 18.36 View commentary »
હે અર્જુન, હવે મારી પાસેથી ત્રણ પ્રકારના સુખો અંગે સાંભળ, જેમાં દેહધારી આત્મા ભોગ કરે છે તથા સર્વ દુઃખોના અંત સુધી પણ પહોંચી શકે છે.
Bhagavad Gita 18.37 View commentary »
જે પ્રથમ વિષ સમાન લાગે છે પરંતુ અંતે અમૃત સમાન લાગે છે, તેને સાત્ત્વિક સુખ કહેવામાં આવે છે. તે વિશુદ્ધ બુદ્ધિ દ્વારા ઉત્પન્ન થાય છે, જે આત્મજ્ઞાનમાં સ્થિત હોય છે.
Bhagavad Gita 18.38 View commentary »
એ સુખ રાજસી ગણાય છે, જે ઇન્દ્રિયો દ્વારા તેના વિષયો સાથેના સંસર્ગથી ઉત્પન્ન થાય છે. આવું સુખ આરંભમાં અમૃત સમાન હોય છે પરંતુ અંતે વિષ સમાન હોય છે.
Bhagavad Gita 18.39 View commentary »
જે સુખ આરંભથી અંત સુધી આત્માની પ્રકૃતિને આચ્છાદિત કરે છે અને જે નિદ્રા, આળસ, અને પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે તેને તમોગુણી કહેવામાં આવે છે.
Bhagavad Gita 18.40 View commentary »
સમગ્ર માયિક ક્ષેત્રમાં આ પૃથ્વી પર કે ઉચ્ચતર સ્વર્ગીય લોકમાં કોઈપણ એવો જીવ નથી, જે માયિક પ્રકૃતિના આ ત્રણ ગુણોના પ્રભાવથી મુક્ત હોય.
Bhagavad Gita 18.41 View commentary »
હે પરંતપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, અને શૂદ્રોનાં કર્તવ્યોનું વિભાજન તેમનાં સ્વભાવ તથા ગુણોને આધારે કરવામાં આવ્યું છે (જન્મને આધારે નહીં).
Bhagavad Gita 18.42 View commentary »
શાંતિપ્રિયતા, આત્મસંયમ, તપશ્ચર્યા, પવિત્રતા, ધૈર્ય, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિદ્વત્તા તથા ભવિષ્યમાં વિશ્વાસ—આ બ્રાહ્મણોના કાર્યો માટેના આંતરિક ગુણો છે.
Bhagavad Gita 18.43 View commentary »
શૌર્ય, શક્તિ, મનોબળ, શાસ્ત્રોમાં પારંગતતા, યુદ્ધક્ષેત્રમાંથી કદાપિ પીછેહઠ ન કરવાનો સંકલ્પ, દાનમાં હૃદયની વિશાળતા, નેતૃત્ત્વનું સામર્થ્ય આ ક્ષત્રિયોના કર્મ માટેના સ્વાભાવિક ગુણો છે.
Bhagavad Gita 18.44 View commentary »
કૃષિ, ગૌ-રક્ષા અને વાણિજ્ય વૈશ્ય ગુણો ધરાવતા લોકોના સ્વાભાવિક કાર્યો છે. કાર્યો દ્વારા સેવા કરવી એ શૂદ્ર ગુણો ધરાવતા લોકો માટે સ્વાભાવિક કર્તવ્ય છે.
Bhagavad Gita 18.45 View commentary »
તેમના જન્મજાત ગુણોથી મનુષ્ય પોતાના કર્તવ્યોની પરિપૂર્તિ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. હવે મારી પાસેથી સાંભળ કે વ્યક્તિ કેવી રીતે પોતાના નિયત કર્તવ્યોનું પાલન કરીને સિદ્ધ બની શકે છે.
Bhagavad Gita 18.46 View commentary »
વ્યક્તિના પોતાની પ્રાકૃતિક વૃત્તિનું પાલન કરીને મનુષ્ય એ સ્રષ્ટાની આરાધના કરે છે, જે સર્વ જીવોનું ઉદ્ભવ સ્થાન છે અને જેના દ્વારા સમગ્ર બ્રહ્માંડ વ્યાપ્ત છે. આવા કર્તવ્યનું પાલન કરીને મનુષ્ય સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
Bhagavad Gita 18.47 View commentary »
અન્ય કોઈના ધર્મને શ્રેષ્ઠ રીતે કરવા કરતાં ક્ષતિયુક્ત રીતે પણ પોતાના સ્વ ધર્મનું પાલન કરવું અધિક શ્રેષ્ઠ છે. પોતાના સ્વાભાવિક કર્તવ્યોનું પાલન કરવાથી મનુષ્ય પાપથી પ્રભાવિત થતો નથી.
Bhagavad Gita 18.48 View commentary »
હે કુંતીપુત્ર, વ્યક્તિએ તેના પ્રકૃતિજન્ય કર્તવ્યોનો ત્યાગ કરવો જોઈએ નહીં, ભલે પછી તેમાં દોષ જોવા મળે. ખરેખર, જેમ અગ્નિ ધુમાડાથી આચ્છાદિત હોય છે તેમ સર્વ પ્રયાસો કોઈ અનિષ્ટ દ્વારા આચ્છાદિત હોય છે.
Bhagavad Gita 18.49 View commentary »
જેમની બુદ્ધિ સર્વત્ર આસક્તિ રહિત છે, જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે તથા જે ત્યાગની સાધના દ્વારા કામનાઓથી મુક્ત છે, તે કર્મથી મુક્તિની પરમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
Bhagavad Gita 18.50 View commentary »
હે અર્જુન, મારી પાસેથી સંક્ષેપમાં સાંભળ. હું તને સમજાવીશ કે જેણે સિદ્ધિ (કર્મની સમાપ્તિમાં) પ્રાપ્ત કરી છે, તે દિવ્ય જ્ઞાનમાં દૃઢપણે સ્થિર રહીને કેવી રીતે બ્રહ્મને પણ પ્રાપ્ત કરી શકે છે.
Bhagavad Gita 18.51 – 18.53 View commentary »
તે વ્યક્તિ બ્રહ્મની પ્રાપ્તિ માટે પાત્ર છે, જે વ્યક્તિ ધ્વનિ તથા અન્ય ઈન્દ્રિયવિષયોનો ત્યાગ કરીને, રાગ તથા દ્વેષથી મુક્ત થઈને શુદ્ધ બુદ્ધિ ધરાવે છે તથા ઈન્દ્રિયોને દૃઢતાપૂર્વક સંયમમાં રાખે છે. આવી વ્યક્તિ એકાંતમાં પ્રસન્ન રહે છે, અલ્પ આહાર કરે છે, શરીર, મન તથા વાણીને નિયંત્રિત કરે છે, સદૈવ ધ્યાનમાં લીન રહે છે અને વૈરાગ્યની સાધના કરે છે. અહંકાર, હિંસા, ઘમંડ, કામના, સંપત્તિનું સ્વામીત્ત્વ તથા સ્વાર્થથી મુક્ત હોય છે. આવી શાંતિમાં સ્થિત વ્યક્તિ બ્રહ્મ (પૂર્ણ સત્યની બ્રહ્મ સ્વરૂપે અનુભૂતિ) સાથેના જોડાણ માટે પાત્ર હોય છે.
Bhagavad Gita 18.54 View commentary »
જે દિવ્ય બ્રહ્મમાં સ્થિત હોય છે તે માનસિક રીતે શાંત બને છે; તે શોક કરતો નથી કે કામના રાખતો નથી. સર્વ જીવો પ્રત્યે સમાન ભાવ ધરાવતો હોય એવો યોગી મારી પરમ ભક્તિ પ્રાપ્ત કરે છે.
Bhagavad Gita 18.55 View commentary »
કેવળ મારી પ્રેમા ભક્તિ દ્વારા જ વ્યક્તિ મને સત્યરૂપે જાણી શકે છે. પશ્ચાત્, મને જાણીને મારો ભક્ત મારી પૂર્ણ ચેતનામાં પ્રવેશ કરે છે.
Bhagavad Gita 18.56 View commentary »
મારા ભક્તો સર્વ પ્રકારના કર્તવ્યોનું પાલન કરતાં હોવા છતાં મારાં સંપૂર્ણ આશ્રયમાં રહે છે. મારી કૃપા દ્વારા તેઓ શાશ્વત અને અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે.
Bhagavad Gita 18.57 View commentary »
મને પરમ લક્ષ્ય બનાવીને, તારી સર્વ પ્રવૃત્તિઓ મને સમર્પિત કર. બુદ્ધિયોગનો આશ્રય લઈને તારી ચેતનાને સદૈવ મારામાં લીન રાખ.
Bhagavad Gita 18.58 View commentary »
જો તું સદૈવ મારું સ્મરણ કરીશ, તો તું સર્વ વિઘ્નો અને વિપત્તિઓને પાર કરી જઈશ. પરંતુ જો તું અહંકારને કારણે મારો ઉપદેશ સાંભળીશ નહીં, તો તું નષ્ટ થઈ જઈશ.
Bhagavad Gita 18.59 View commentary »
જો અહંકારથી પ્રેરિત થઈને તું એમ માનતો હોય કે “હું લડીશ નહીં”, તો તારો નિશ્ચય વ્યર્થ જશે. તારી પોતાની સ્વાભાવિક (ક્ષત્રિય) પ્રકૃતિ તને યુદ્ધ કરવા માટે વિવશ કરશે.
Bhagavad Gita 18.60 View commentary »
હે અર્જુન, મોહવશ જે કર્મ તું કરવા ઈચ્છતો નથી, તારા પોતાની માયિક પ્રકૃતિમાંથી જન્મેલી, તારી પોતાની રુચિથી તે કરવા તું વિવશ બનીશ.
Bhagavad Gita 18.61 View commentary »
હે અર્જુન, પરમેશ્વર સર્વ જીવોના હૃદયમાં નિવાસ કરે છે. તેમનાં કર્મ અનુસાર તે આત્માઓના ભ્રમણને નિર્દેશિત કરે છે કે જે માયિક શક્તિથી બનેલાં યંત્ર પર આરૂઢ હોય છે.
Bhagavad Gita 18.62 View commentary »
હે ભારત, સર્વથા સંપૂર્ણ ભાવ સાથે તું અનન્ય રીતે તેમના શરણમાં જા. તેમની કૃપાથી, તું પરમ શાંતિ અને શાશ્વત ધામ પ્રાપ્ત કરીશ.
Bhagavad Gita 18.63 View commentary »
આ પ્રમાણે, મેં તને આ જ્ઞાન સમજાવ્યું છે. જે અન્ય સર્વ રહસ્યોની તુલનામાં ગુહ્યતમ છે. તેના અંગે ગહન રીતે મનન કર અને પશ્ચાત્ તારી જે ઈચ્છા હોય તે કર.
Bhagavad Gita 18.64 View commentary »
પુન: મારા પરમ ઉપદેશનું શ્રવણ કર, જે સર્વ જ્ઞાનોમાં ગુહ્યતમ છે. હું તારા હિતાર્થે તેનું પ્રાગટ્ય કરું છું, કારણ કે તું મને અતિ પ્રિય છે.
Bhagavad Gita 18.65 View commentary »
સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી આરાધના કર અને મને નમસ્કાર કર. આ પ્રમાણે કરીને, તું નિશ્ચિતપણે મારી પાસે આવીશ. આ મારી તારા પ્રત્યે પ્રતિજ્ઞા છે, કારણ કે તું મને અતિ પ્રિય છે.
Bhagavad Gita 18.66 View commentary »
સર્વ પ્રકારનાં ધર્મોનો ત્યાગ કર અને કેવળ મારા શરણમાં આવી જા. હું તને સર્વ પાપયુક્ત કર્મફળોમાંથી મુક્ત કરીશ; ભયભીત થઈશ નહીં.
Bhagavad Gita 18.67 View commentary »
આ ઉપદેશ જે તપસ્વી નથી અથવા જે ભક્ત નથી તેને કદાપિ કહેવો જોઈએ નહીં. જે લોકો (આધ્યાત્મિક વિષયોના) શ્રવણથી વિમુખ હોય અને વિશેષ કરીને જે લોકો મારી ઈર્ષ્યા કરે છે, તેમને કદાપિ કહેવો જોઈએ નહીં.
Bhagavad Gita 18.68 View commentary »
જે લોકો મારા ભક્તોને આ પરમ ગુહ્ય જ્ઞાનનું શિક્ષણ આપે છે, તેઓ પ્રેમનું મહાન કાર્ય કરે છે. તેઓ મારી પાસે આવશે, તેમાં કોઈ સંશય નથી.
Bhagavad Gita 18.69 View commentary »
તેમનાથી અધિક પ્રેમપૂર્વક સેવા અન્ય કોઈ મનુષ્ય કરતા નથી અને મને આ પૃથ્વી પર તેમનાથી અધિક પ્રિય કોઈ નથી.
Bhagavad Gita 18.70 View commentary »
અને હું ઘોષણા કરું છું કે જે લોકો આપણા આ પવિત્ર સંવાદનું અધ્યયન કરશે, તે (તેમની બુદ્ધિ દ્વારા) જ્ઞાનરૂપી યજ્ઞ દ્વારા મારી આરાધના કરશે; એવો મારો અભિપ્રાય છે.
Bhagavad Gita 18.71 View commentary »
જેઓ શ્રદ્ધાપૂર્વક તથા ઈર્ષ્યારહિત થઈને કેવળ આ જ્ઞાનનું શ્રવણ માત્ર કરે છે, તેઓ સર્વ પાપોથી મુક્ત થઈ જશે અને શુભ લોક પ્રાપ્ત કરશે, જ્યાં પુણ્યાત્માઓ નિવાસ કરે છે.
Bhagavad Gita 18.72 View commentary »
હે અર્જુન, તે મને એકાગ્ર ચિત્તે સાંભળ્યો છે? શું તારાં અજ્ઞાન અને મોહ નષ્ટ થઈ ગયાં છે?
Bhagavad Gita 18.73 View commentary »
અર્જુને કહ્યું: હે અચ્યુત, આપની કૃપા દ્વારા મારો મોહ દૂર થયો છે અને હું જ્ઞાનમાં સ્થિત થયો છું. હું હવે સંશયથી મુક્ત છું અને હું આપની આજ્ઞા અનુસાર કર્મ કરીશ.
Bhagavad Gita 18.74 View commentary »
સંજયે કહ્યું: આ પ્રમાણે, મેં વાસુદેવ પુત્ર શ્રીકૃષ્ણ અને ઉમદા હૃદય ધરાવતા પૃથાપુત્ર અર્જુન વચ્ચેનો આ અદ્ભુત સંવાદ સાંભળ્યો. આ સંદેશ એટલો રોમાંચક છે કે મારાં રુંવાડા ઉભા થઇ ગયા છે.
Bhagavad Gita 18.75 View commentary »
વેદ વ્યાસની કૃપા દ્વારા, સ્વયં યોગેશ્વર શ્રીકૃષ્ણ પાસેથી મેં આ પરમ અને ગુહ્યતમ યોગ સાંભળ્યો છે.
Bhagavad Gita 18.76 View commentary »
હે રાજા, શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેના આ અદ્ભુત તથા વિસ્મયકારી સંવાદનું હું જેમ જેમ વારંવાર સ્મરણ કરું છું, તેમ તેમ હું પુન: પુન: હર્ષવિભોર થઈ જાઉં છું.
Bhagavad Gita 18.77 View commentary »
અને શ્રીકૃષ્ણના તે અત્યંત વિસ્મયકારક અને અદ્ભુત વિશ્વરૂપનું સ્મરણ કરીને હું અધિક અને અધિક આશ્ચર્યચક્તિ થાઉં છું અને હું પુન: પુન: આનંદથી રોમાંચિત થાઉં છું.
Bhagavad Gita 18.78 View commentary »
જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે અને જ્યાં મહાન ધનુર્ધર અર્જુન છે, ત્યાં નિશ્ચિતપણે અનંત ઐશ્વર્ય, વિજય, સમૃદ્ધિ અને ધર્મ રહેશે. આ મારો નિશ્ચિત મત છે.