Bhagavad Gita: Chapter 17, Verse 16

મનઃ પ્રસાદઃ સૌમ્યત્વં મૌનમાત્મવિનિગ્રહઃ ।
ભાવસંશુદ્ધિરિત્યેતત્તપો માનસમુચ્યતે ॥ ૧૬॥

મન:-પ્રસાદ:—વિચારોની નિર્મળતા; સૌમ્યત્વમ્—સૌમ્યતા; મૌનમ્—મૌન; આત્મ-વિનિગ્રહ—આત્મ-સંયમ; ભાવ-સંશુદ્ધિ:—ઉદ્દેશ્યની શુદ્ધિ; ઈતિ—એ પ્રમાણે; એતત્—આ; તપ:—તપશ્ચર્યા; માનસમ્—મનનું; ઉચ્યતે—કહેવાય છે.

Translation

BG 17.16: વિચારોની નિર્મળતા, સૌમ્યતા, મૌન, આત્મ-સંયમ તથા ઉદ્દેશ્યની પવિત્રતા—આ સર્વને મનની તપશ્ચર્યા કહેવામાં આવે છે.

Commentary

મનનું તપ એ શરીર તથા વાણીના તપની તુલનામાં શ્રેષ્ઠ છે કારણ કે, જો આપણે મનનાં સ્વામી બનવાનું શીખી લઈએ તો શરીર અને વાણી સ્વત: નિયંત્રિત થઈ જાય છે, પરંતુ તેનાથી વિપરીત આવશ્યક નથી કે સત્ય હોય. હકીકતમાં, મનની અવસ્થા વ્યક્તિની ચેતનાની અવસ્થા નિર્ધારિત કરે છે. શ્રીકૃષ્ણે શ્લોક સં. ૬.૫માં વર્ણવ્યું છે કે, “તમારી મનની શક્તિ દ્વારા સ્વયંને ઉન્નત કરો અને સ્વયંનું પતન ન કરો, કારણ કે, મન સ્વનો મિત્ર પણ બની શકે છે અને શત્રુ પણ બની શકે છે.”

મન એ ઉદ્યાન સમાન છે, જેનું કાં તો બુદ્ધિપૂર્વક સંવર્ધન થઈ શકે છે અથવા તો તેને જંગલની સમાન ફેલાવાની અનુમતિ આપી શકાય છે. એક માળી ફળ, ફૂલ, તથા શાકભાજી ઉગાડીને તેનાં ખેતરનું સંવર્ધન કરે છે. સાથે-સાથે, તે એ પણ સુનિશ્ચિત કરતો રહે છે કે તે બિનજરૂરી ખડ અને કાંટાઓથી મુક્ત રહે. એ જ પ્રમાણે, આપણે પણ આપણા મનનું નકારાત્મક અને દુર્બળ વિચારોનો નિકાલ કરીને તથા સમૃદ્ધ અને ઉમદા વિચારો દ્વારા સંવર્ધન કરવું જોઈએ. જો આપણે રોષપૂર્ણ, દ્વેષપૂર્ણ, દોષપૂર્ણ, અસહિષ્ણુ, નિંદાત્મક અને આલોચનાત્મક વિચારોને મનમાં નિવાસ કરવાની અનુમતિ આપતા રહીશું, તો તેનો આપણા વ્યક્તિત્ત્વ પર દુષ્પ્રભાવ પડશે. આપણે આપણા મન પાસેથી સર્જનાત્મક કાર્યો ઉચિત માત્રમાં ત્યાં સુધી પ્રાપ્ત નહીં કરી શકીએ, જ્યાં સુધી આપણે આપણા મનને નિયંત્રિત કરવાનું તથા તેને ક્રોધ, ઘૃણા, અભાવથી ઉદ્દીપ્ત થતાં રોકવાનું શીખીશું નહીં. આ એવો કચરો છે, કે જે આપણા અંત:કરણમાં દિવ્ય કૃપાના પ્રાગટયને અવરોધે છે.

લોકો કલ્પના કરે છે કે તેમના વિચારો ગોપનીય છે અને તેની કોઈ બાહ્ય અભિવ્યક્તિ નથી કારણ કે તે અન્યની દૃષ્ટિની સીમાની બહાર મનમાં નિવાસ કરે છે. તેઓ એ અનુભૂતિ કરતા નથી કે વિચારો કેવળ તેમનું આંતરિક ચારિત્ર્યનું જ ઘડતર કરતાં નથી પરંતુ તેમનાં બાહ્ય વ્યક્તિત્ત્વનું પણ ઘડતર કરે છે. તેથી જ આપણે કોઈને જોઇને કહીએ છીએ, “તે ખૂબ સાદા અને વિશ્વાસુ માણસ લાગે છે.” જયારે અન્ય વ્યક્તિ માટે આપણે કહીએ છીએ, “તેણી બહુ લુચ્ચી અને દગાબાજ લાગે છે, તેનાથી દૂર રહો.” બંને પરિસ્થિતિઓમાં તે વ્યક્તિઓના મનમાં સંગ્રહાયેલા વિચારોએ જ તેમના બાહ્ય દેખાવનું નકશીકામ કર્યું. રાલ્ફ વાલ્ડો ઈમર્સને કહ્યું: “આપણી આંખોની ઝાંખીમાં, આપણા સ્મિતમાં, આપણા નમસ્કારમાં, આપણા હાથની પકડમાં પાપનો પૂર્ણ એકરાર છે. આપણા પાપ આપણને તેના રંગોથી રંગે છે, આપણી સારી છાપ બગાડે છે. લોકો એ જાણતા હોતા નથી કે, શા માટે તેઓ આપણા પર વિશ્વાસ રાખતા નથી. બુરાઈ આપણી આંખો પર પડદો પાડે છે, ગાલને નિસ્તેજ કરે છે, નાક નીચું કરે છે અને રાજાના ભાલપ્રદેશ પર લખે છે, “ઓ મૂર્ખ! ઓ મૂર્ખ!” વિચારોનો ચારિત્ર્ય સાથે સંબંધ દર્શાવતા અન્ય સશક્ત કથનો કહે છે:

“તમારા વિચારોનું નિરીક્ષણ કરો, કારણ કે, તેઓ શબ્દો બની જાય છે.

તમારા શબ્દોનું નિરીક્ષણ કરો, કારણ કે, તેઓ કાર્ય બની જાય છે.

તમારા કાર્યોનું નિરીક્ષણ કરો, કારણ કે, તેઓ આદત બની જાય છે.

તમારી આદતોનું નિરીક્ષણ કરો, કારણ કે, તેઓ ચારિત્ર્ય બની જાય છે.

તમારા ચારિત્ર્યનું નિરીક્ષણ કરો, કારણ કે, તેઓ તમારું ભાગ્ય બની જાય છે.”

એ અનુભૂતિ કરવી અતિ મહત્ત્વની છે કે આપણે મનમાં સંગ્રહેલા પ્રત્યેક નકારાત્મક વિચારોથી આપણી જાતને નુકસાન કરીએ છીએ. સાથે સાથે, મનમાં આશ્રિત પ્રત્યેક સકારાત્મક વિચારોથી આપણે પોતાની ઉન્નતિ કરીએ છીએ. હેન્રી વન ડીકે તેની કવિતા “Thought are things” “વિચારો પદાર્થ છે.”માં આ અંગે તાદૃશ અભિવ્યક્તિ કરી છે:

હું એ સત્યને માનું છું કે વિચારો પદાર્થ છે;

તેઓ શરીર, શ્વાસ અને પાંખોથી સંપન્ન છે,

જેને આપણે આપણા ગોપનીય વિચારો કહીએ છીએ,

તીવ્ર ગતિથી આગળ પૃથ્વીના દૂરસ્થતમ સ્થાન સુધી,

તેમના આશિષો અને પીડાઓને,

પગલાંઓની જેમ પાછળ છોડીને,

આગળ વધે છે.

આપણે એક-એક વિચારો દ્વારા આપણા ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ.

સારા માટે કે ખરાબ માટે, હજી સુધી તે જાણતા નથી,

તો તમારી નિયતિનું ચયન કરો અને પ્રતીક્ષા કરો,

કારણ કે, પ્રેમ એ પ્રેમ લઈ આવે છે, ઘૃણા એ ઘૃણા લઈ આવે છે.

પ્રત્યેક વિચાર જેના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, તેના ચોક્કસ પરિણામ ઉદ્દભવે છે અને એક-એક વિચારો દ્વારા આપણે આપણા ભાગ્યનું નિર્માણ કરીએ છીએ. આ કારણથી, નકારાત્મક ભાવનાઓમાંથી મનની દિશાને બદલીને તેને સકારાત્મક ભાવનાઓ પર કેન્દ્રિત કરવાને મનની તપશ્ચર્યા કહેવામાં આવી છે.