Bhagavad Gita: Chapter 17, Verse 4

યજન્તે સાત્ત્વિકા દેવાન્યક્ષરક્ષાંસિ રાજસાઃ ।
પ્રેતાન્ભૂતગણાંશ્ચાન્યે યજન્તે તામસા જનાઃ ॥ ૪॥

યજન્તે—પૂજે છે; સાત્ત્વિકા:—સત્ત્વગુણી લોકો; દેવાન્—સ્વર્ગીય દેવો; યક્ષ—આંશિક સ્વર્ગીય દેવો જે શક્તિ અને સંપત્તિથી સંપન્ન છે; રક્ષાંસિ—શક્તિશાળી જીવો જે ઇન્દ્રિયજન્ય સુખ, પ્રતિશોધ અને ક્રોધનું મૂર્ત સ્વરૂપ છે; રાજસા:—રજોગુણી; પ્રેતાન્-ભૂત-ગણાન્—ભૂત અને પ્રેતો; ચ—અને; અન્યે—અન્ય; યજન્તે—પૂજે છે; તામસા:—તમોગુણી; જના:—લોકો.

Translation

BG 17.4: સત્ત્વગુણી લોકો સ્વર્ગીય દેવોને પૂજે છે; રજોગુણી લોકો યક્ષો અને રાક્ષસોને પૂજે છે; તમોગુણી લોકો ભૂત અને પ્રેતોને પૂજે છે.

Commentary

એવું કહેવાય છે કે સજ્જન લોકો સારી તરફ અને દુર્જન લોકો દુષ્ટતા તરફ આકૃષ્ટ થાય છે. તમોગુણી લોકો ભૂત અને પ્રેતોની પ્રકૃતિ દુષ્ટ અને ક્રૂર હોવા છતાં પણ તેવા તત્ત્વો પ્રત્યે આકૃષ્ટ થાય છે. રજોગુણી લોકો યક્ષો (શક્તિ તથા સંપત્તિ પ્રદાન કરનાર દેવોની સમકક્ષ) અને રાક્ષસો (ઇન્દ્રિય સુખ, પ્રતિશોધ અને પ્રચંડ ક્રોધના મૂર્ત સ્વરૂપ) પ્રત્યે આકર્ષિત થાય છે. તેઓ આવી નિકૃષ્ટ આરાધનાના ઔચિત્ય મુજબ આવા નિમ્નતર લોકોને શ્રદ્ધાપૂર્વક પ્રાણીઓનું રક્ત પણ અર્પણ કરે છે. જે લોકો સત્ત્વગુણથી પરિપ્લુત છે, તેઓ સ્વર્ગીય દેવતાઓની પૂજા કરે છે, જેમનામાં તેઓ સત્ત્વગુણની અનુભૂતિ કરે છે. પરંતુ, પૂજા ત્યારે જ પૂર્ણતયા નિર્દેશિત થાય છે, જયારે તે ભગવાનને અર્પિત કરવામાં આવે.