Bhagavad Gita: Chapter 8, Verse 22

પુરુષઃ સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા ।
યસ્યાન્તઃસ્થાનિ ભૂતાનિ યેન સર્વમિદં તતમ્ ॥ ૨૨॥

પુરુષ:—પરમ દિવ્ય પુરુષ; સ:—તે; પર:—મહાનતમ; પાર્થ—અર્જુન,પૃથાપુત્ર; ભક્ત્યા—ભક્તિ દ્વારા; લભ્ય:—પ્રાપ્ત કરી શકાય છે; તુ—ખરેખર; અનન્યયા—અન્ય વિના; યસ્ય—જેનું; અન્ત:-સ્થાનિ—અંદર સ્થિત; ભૂતાનિ—જીવો; યેન—જેના દ્વારા; સર્વમ્—સર્વ; ઈદમ્—આ; તતમ્—વ્યાપ્ત છે.

Translation

BG 8.22: પરમ દિવ્ય પરમાત્મા જે કંઈ વિદ્યમાન છે તે સર્વમાં શ્રેષ્ઠ છે. યદ્યપિ તેઓ સર્વ-વ્યાપક છે તેમજ સર્વ જીવો તેમનામાં સ્થિત છે તથાપિ તેમને કેવળ ભક્તિ દ્વારા જાણી શકાય છે.

Commentary

જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આધ્યાત્મિક આકાશમાં તેમના દિવ્ય ધામમાં નિવાસ કરે છે, તે જ ભગવાન આપણા હૃદયમાં પણ સ્થિત છે; તેઓ માયિક જગતના પ્રત્યેક અણુ-પરમાણુમાં સર્વ-વ્યાપક પણ છે. ભગવાન સર્વત્ર એક સમાન વ્યાપ્ત છે. આપણે એમ ન કહી શકીએ કે તે સર્વ-વ્યાપક નિરાકાર ભગવાન પચીસ પ્રતિશત વિદ્યમાન છે, જયારે તેમનાં સાકાર રૂપમાં સો પ્રતિશત વિદ્યમાન છે. તેઓ સર્વત્ર સો પ્રતિશત વિદ્યમાન છે. પરંતુ ભગવાનની તે સર્વ-વ્યાપક વિદ્યમાનતાનો લાભ આપણને પ્રાપ્ત થતો નથી કારણ કે, આપણને તેનો બોધ નથી. શાંડિલ્ય ઋષિ વર્ણન કરે છે:

           ગવાં સર્પિ: શરીરસ્થં ન કરોત્યઙ્ગ પોષણમ (શાંડિલ્ય ભક્તિ દર્શન)

“દૂધ ગાયના શરીરમાં  હોય છે પરંતુ તે દુર્બળ અને નાદુરસ્ત ગાયના સ્વાસ્થ્યને લાભકર્તા થતું નથી.” તે જ દૂધ જે ગાયના શરીરમાંથી કાઢવામાં આવે છે અને તેને દહીંમાં પરિવર્તિત કરવામાં આવે છે. તે દહીંમાં મરી છાંટીને ગાયનો ઉપચાર કરવામાં આવે છે.

એ જ પ્રમાણે, સર્વ-વ્યાપક ભગવાન સાથે આપણી પર્યાપ્ત આત્મીયતા નથી, જે આપણી ભક્તિને સમૃદ્ધ કરી શકે. પ્રથમ આપણે તેમના દિવ્ય સ્વરૂપની ભક્તિ કરવાની અને આપણા અંત:કરણની શુદ્ધતાનો વિકાસ કરવાની આવશ્યકતા છે. પશ્ચાત્ આપણે ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકીશું અને તે કૃપા દ્વારા તેઓ આપણી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને તેમની દિવ્ય યોગમાયા શક્તિથી પરિપ્લુત કરે છે. પશ્ચાત્ આપણી ઇન્દ્રિયો દિવ્ય બની જાય છે અને આપણે ભગવાનની દિવ્યતાને તેમના બંને સ્વરૂપ—સાકાર સ્વરૂપમાં અને નિરાકાર સર્વ-વ્યાપક સ્વરૂપ—માં અનુભૂતિ કરવા માટે સમર્થ બનીએ છીએ. આ પ્રમાણે, શ્રીકૃષ્ણ નિર્દેશ કરે છે કે, તેમને કેવળ ભક્તિ દ્વારા જાણી શકાશે.

ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ દ્વારા વારંવાર ભક્તિ કરવાની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો છે. શ્લોક ૬.૪૭માં તેઓ કહે છે કે તેમની ભક્તિ પ્રત્યે પરાયણ થયેલ મનુષ્યને તેઓ સર્વશ્રેષ્ઠ માને છે. અહીં, તેઓ ભારપૂર્વક અનન્ય શબ્દનો ઉપયોગ કરે છે જેનો અર્થ છે, “અન્ય કોઈપણ માર્ગ દ્વારા નહી” અર્થાત્ અન્ય કોઈ માર્ગ દ્વારા ભગવાનને જાણી શકતા નથી. ચૈતન્ય મહાપ્રભુએ આ અંગે સુંદર વર્ણન કર્યું છે:

           ભક્તિ મુખ નિરીક્ષક કર્મ યોગ જ્ઞાન (ચૈતન્ય ચરિતામૃત, મધ્ય ૨૨.૧૭)

“યદ્યપિ કર્મ, જ્ઞાન અને અષ્ટાંગ યોગ પણ ભગવદ્-પ્રાપ્તિના માર્ગો છે, તથાપિ તેમની પૂર્ણતા માટે ભક્તિની સહાયતાની આવશ્યકતા પડે છે.”

જગદ્દગુરુ શ્રી કૃપાળુજી મહારાજ પણ આ જ કહે છે:

           કર્મ યોગ અરુ જ્ઞાન સબ, સાધન યદપિ બખાન,

          પૈ બિનુ ભક્તિ સબૈ જનુ, મૃતક દેહ બિનુ પ્રાન (ભક્તિ શતક દોહા ૮)

“યદ્યપિ કર્મ, જ્ઞાન અને અષ્ટાંગ યોગ એ ભગવદ્-પ્રાપ્તિના સાધનો છે, કર્મ યોગ અને જ્ઞાન આ સર્વ પ્રશંસનીય સાધનો છે છતાં પણ તેમાં ભક્તિ મિશ્રિત કર્યા વિના તેઓ પ્રાણ રહિત મૃત શરીર સમાન છે.”

વિવિધ શાસ્ત્રો પણ ઘોષિત કરે છે:

           ભક્ત્યાહમેકયા ગ્રાહ્ય: શ્રદ્ધયાઽઽત્મા પ્રિય: સતામ્ (ભાગવતમ્ ૧૧.૧૪.૨૧)

“હું કેવળ મારા ભક્તો દ્વારા પ્રાપ્ત થાઉં છું, જેઓ મારી શ્રદ્ધા અને પ્રેમયુક્ત ભક્તિ કરે છે.”

      મિલહિં ન રઘુપતિ બિનુ અનુરાગા, કીએં જોગ તપ જ્ઞાન બિરાગા  (રામાયણ)

“કોઈ ચાહે અષ્ટાંગ યોગની સાધના કે તપશ્ચર્યાઓમાં લીન રહે, જ્ઞાન એકત્રિત કરે અને વિરક્તિનો વિકાસ કરે. છતાં પણ ભક્તિ વિના કોઈ કદાપિ ભગવાનને પ્રાપ્ત કરી શકતું નથી.”