Bhagavad Gita: Chapter 8, Verse 13

ઓમિત્યેકાક્ષરં બ્રહ્મ વ્યાહરન્મામનુસ્મરન્ ।
યઃ પ્રયાતિ ત્યજન્દેહં સ યાતિ પરમાં ગતિમ્ ॥ ૧૩॥

ઓમ્(ॐ)—નિરાકાર ભગવાનનાં સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરનાર મંત્ર; ઈતિ—એ રીતે; એક-અક્ષરમ્—એક અક્ષર; બ્રહ્મ—પરમ સત્ય; વ્યાહરન્—રટણ કરવું; મામ્—મને (શ્રીકૃષ્ણ); અનુસ્મરન્—સ્મરણ કરતા રહી; ય:—જે; પ્રયાતિ—ત્યાગે છે; ત્યજન્—છોડીને; દેહમ્—શરીર; સ:—તે; યાતિ—પ્રાપ્ત કરે છે; પરમામ્—પરમ; ગતિમ્—લક્ષ્ય.

Translation

BG 8.13: જે મારું, પરમ પુરુષોત્તમનું સ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કરે છે અને ઓમ (ॐ)નું રટણ કરે છે, તે પરમ લક્ષ્યની પ્રાપ્તિ કરશે.

Commentary

પવિત્ર અક્ષર ઓમ (ॐ), જેને પ્રણવ પણ કહેવામાં આવે છે, તે બ્રહ્મ (પરમ પુરુષોત્તમ ભગવાનના નિર્ગુણ, નિર્વિશેષ અને નિરાકાર સ્વરૂપ) ના ધ્વનિ-સ્વરૂપ પ્રાગટ્યનું પ્રતિનિધિત્ત્વ કરે છે. તેથી તેને ભગવાનની સમાન અવિનાશી માનવામાં આવે છે. શ્રીકૃષ્ણ અહીં અષ્ટાંગ યોગ સાધનાના સંદર્ભમાં ધ્યાનની પ્રક્રિયાનું વર્ણન કરી રહ્યા છે, તેથી તેઓ કહે છે કે તપશ્ચર્યા અને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાનું પાલનનો અભ્યાસ કરતા વ્યક્તિએ “ઓમ” અક્ષરનું રટણ કરવું જોઈએ. વૈદિક શાસ્ત્રો પણ “ઓમ”નો (ॐ) અનાહત નાદ તરીકે ઉલ્લેખ કરે છે. આ એ ધ્વનિ છે કે જે સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત રહે છે અને જે યોગીઓ તેની સાથે એકરાગ છે, તેઓ તેને સાંભળી શકે છે.

બાઈબલ કહે છે કે, “પ્રારંભમાં શબ્દ હતો અને તે શબ્દ ભગવાનની સાથે હતો અને તે શબ્દ ભગવાન હતા. (જ્હોન ૧:૧)” વૈદિક ગ્રંથો પણ વર્ણન કરે છે કે ભગવાને પ્રથમ ધ્વનિનું સર્જન કર્યું, ધ્વનિમાંથી આકાશનું સર્જન કર્યું અને પશ્ચાત્ સર્જનની પ્રક્રિયાનો આરંભ કર્યો. તે મૂળ ધ્વનિ “ઓમ” હતો. પરિણામે, વૈદિક શાસ્ત્રોમાં તેને અત્યાધિક મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેને મહાવાક્ય અથવા તો વેદોનું મહાન ધ્વનિ-સ્પંદન કહેવામાં આવે છે. તેને બીજ મંત્ર પણ કહેવામાં આવે છે કારણ કે, હ્રીમ્, કલીમ્ વગેરેની સમાન તે વૈદિક મંત્રોના આરંભ સાથે જોડાયેલ છે. ઓમ(ॐ)નું સ્પંદન ત્રણ અક્ષરોથી નિર્મિત છે: અ....ઉ...મ. ઓમના ઉચિત ઉચ્ચારણ માટે વ્યક્તિ ગળું અને મુખ ખુલ્લા રાખીને નાભિમાંથી અ ધ્વનિ ઉત્પન્ન કરીને આરંભ કરે છે. આ ધ્વનિ મુખના મધ્યમાંથી ઉચ્ચારિત  ઉ ધ્વનિમાં ભળી જાય છે. આ અનુક્રમ બંધ મુખ સાથે ઉચ્ચારિત મ ધ્વનિ સાથે પૂર્ણ કરવામાં આવે છે. અ...ઉ...મ ના અનેક અર્થ તથા અર્થઘટનો છે. ભક્તો માટે, ઓમ(ॐ) એ ભગવાનના નિરાકાર સ્વરૂપનું નામ છે.

પ્રણવ ધ્વનિ એ અષ્ટાંગ યોગમાં ધ્યાનનો ઉદ્દેશ્ય છે. ભક્તિ યોગના માર્ગ પર ભક્તો ભગવાનના સાકાર નામો જેવા કે, રામ, કૃષ્ણ, શિવ વગેરેનું ધ્યાન ધરવાનું પસંદ કરે છે કારણ કે ભગવાનના આનંદની અધિક મધુરતા આ સાકાર નામોમાં સમાવિષ્ટ છે. આ બંને વચ્ચે ગર્ભમાં બાળક હોવું અને ખોળામાં બાળક હોવા જેટલો તફાવત છે. ખોળામાં બાળક હોવાનો સુખદ અનુભવ એ ગર્ભમાં બાળક હોવાની તુલનામાં અધિક હોય છે.

આપણા ધ્યાનની અંતિમ કસોટી મૃત્યુ સમયે થાય છે. જે લોકો મૃત્યુની તીવ્ર વેદના હોવા છતાં તેમની ચેતનાને ભગવાન પર કેન્દ્રિત કરી શકે છે, તે આ કસોટીમાં ઉત્તીર્ણ થાય છે. આવા મનુષ્યો તેમના શરીરનો ત્યાગ કરીને પરમ ધામની પ્રાપ્તિ કરે છે. આ અતિ કઠિન છે અને તે માટે જીવન પર્યંતની સાધના કરવાની આવશ્યકતા રહે છે. આગામી શ્લોકમાં શ્રીકૃષ્ણ આ પ્રકારની પ્રવીણતા પ્રાપ્ત કરવા અંતે સરળ માર્ગની વ્યાખ્યા કરે છે.