ભૂતગ્રામઃ સ એવાયં ભૂત્વા ભૂત્વા પ્રલીયતે ।
રાત્ર્યાગમેઽવશઃ પાર્થ પ્રભવત્યહરાગમે ॥ ૧૯॥
ભૂત-ગ્રામ:—સર્વ જીવોનો સમૂહ; સ:—તે; એવ—નિશ્ચિત; અયમ્—આ; ભૂત્વા ભૂત્વા—વારંવાર જન્મ લઈને; પ્રલીયતે—વિલીન થાય છે; રાત્રિ-આગમે—રાત્રિનાં આગમનથી; અવશ:—અસહાય; પાર્થ—અર્જુન,પૃથાપુત્ર; પ્રભવતિ—પ્રગટ થાય છે; અહ:-આગમે—દિવસના આગમનથી.
Translation
BG 8.19: બ્રહ્માના દિવસના આગમનથી અસંખ્ય જીવો વારંવાર જન્મ લે છે અને બ્રહ્માંડીય રાત્રિના આગમનથી આગામી બ્રહ્માંડીય દિવસના આગમન સાથે સ્વત: પ્રગટ થવા માટે પુન: વિલીન થઈ જાય છે.
Commentary
વેદો ચાર પ્રકારના પ્રલયોનું વર્ણન કરે છે:
૧. નિત્ય પ્રલય: આ આપણી ચેતનાનો દૈનિક પ્રલય છે જે આપણે જયારે ગાઢ નિંદ્રામાં પ્રવેશ કરીએ છીએ, ત્યારે થાય છે.
૨. નૈમિત્તિક પ્રલય: બ્રહ્માના દિવસના અંતે થતો આ મહરલોક સુધીનાં સર્વ લોકોનો પ્રલય છે. તે સમયે, આ લોકમાં નિવાસ કરતા આત્માઓ અવ્યક્ત થઈ જાય છે. તેઓ નિલંબિત જીવંત અવસ્થામાં વિષ્ણુના દેહમાં નિવાસ કરે છે. પુન: જયારે બ્રહ્મા આ સર્વ લોકનું સર્જન કરે છે ત્યારે તેમને તેમના પૂર્વ કર્મો અનુસાર જન્મ આપવામાં આવે છે.
૩. મહા પ્રલય: બ્રહ્માના જીવનના અંતે થતો આ સમગ્ર બ્રહ્માંડનો પ્રલય છે. તે સમયે, બ્રહ્માંડના સર્વ આત્માઓ નિલંબિત જીવંત અવસ્થામાં મહા વિષ્ણુના શરીરમાં જાય છે. તેમનાં સ્થૂળ અને સૂક્ષ્મ શરીરનો વિલય થઈ જાય છે પરંતુ કારણ શરીર રહે છે. જયારે સર્જનના આગામી ચક્રનો પ્રારંભ થાય છે, ત્યારે તેમને તેમનાં કારણ શરીરમાં સંગ્રહિત સંસ્કાર તેમજ કર્મોને અનુસાર જન્મ આપવામાં આવે છે.
૪. આત્યંતિક પ્રલય: અંતત: જયારે આત્મા ભગવાનને પ્રાપ્ત કરે છે ત્યારે સદા માટે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. આત્યંતિક પ્રલય એ માયાના એ બંધનનો વિલય છે, જે આત્માને નિત્ય બાંધી રાખે છે.