યં યં વાપિ સ્મરન્ભાવં ત્યજત્યન્તે કલેવરમ્ ।
તં તમેવૈતિ કૌન્તેય સદા તદ્ભાવભાવિતઃ ॥ ૬॥
યમ્ યમ્—જેને જેને; વા—અથવા; અપિ—પણ; સ્મરન્—સ્મરણ કરતો; ભાવમ્—સ્મરણ; ત્યજતિ—ત્યજે છે; અન્તે—અંતે; કલેવરમ્—શરીર; તમ્—તેને; તમ્—તેને; એવ—નિશ્ચિત; એતિ—પામે છે; કૌન્તેય—અર્જુન,કુંતીપુત્ર; સદા—હંમેશા; તત્—તે; ભાવ—ભાવને; ભાવિત:—ચિંતનમાં તન્મય.
Translation
BG 8.6: હે કુંતીપુત્ર, મૃત્યુ સમયે શરીરનો ત્યાગ કરતી વખતે વ્યક્તિ જે ભાવનું સ્મરણ કરે છે તે તેને પામે છે, કારણ કે, તે સદૈવ એ પ્રકારના ચિંતનમાં જ પરાયણ રહે છે.
Commentary
આપણે પોપટને ‘શુભ પ્રભાત’ બોલવા માટે શિક્ષિત કરવામાં કદાચ ભલે સફળ થઈ જઈએ પરંતુ જો આપણે તેનું ગળું જોરથી દબાવીશું તો તે ભૂલી જશે કે તેણે કૃત્રિમ રીતે શું શીખ્યું હતું અને પોતાના કુદરતી અવાજમાં ‘વિટ્ટુ’ જ બોલશે. એ જ પ્રમાણે, મૃત્યુના સમયે આપણું મન સ્વાભાવિક રીતે આજીવન સર્જેલી વિચારોની શૃંખલાઓ તરફ જ પ્રવાહિત થશે. આપણે પ્રવાસની યોજનાનો નિર્ણય કરવાનો ઉચિત સમય એ નથી કે જયારે આપણો સામાન તૈયાર થાય; પરંતુ, તે માટે કાળજીપૂર્વકનું આયોજન અને અગાઉથી તેનો ઉચિત અમલ કરવો આવશ્યક છે. મૃત્યુ સમયે વ્યક્તિનો જે કોઈ વિચાર પ્રમુખપણે પ્રભાવિત કરે છે, તે વિચાર વ્યક્તિના આગામી જન્મને નિર્ધારિત કરે છે. શ્રીકૃષ્ણ આ શ્લોકમાં આ અંગે જ વ્યાખ્યા કરે છે.
વ્યક્તિના અંતિમ વિચારો સ્વાભાવિક રીતે તેના દ્વારા જ નિર્ધારિત થાય છે કે જે અંગે સમગ્ર જીવનકાળ દરમિયાન સતત ચિંતન કરવામાં આવ્યું હોય અને જે અંગે સતત ધ્યાન ધરવામાં આવ્યું હોય કારણ કે તે વ્યક્તિની દૈનિક આદતો અને સંગતથી પ્રભાવિત હોય છે. પુરાણમાં આ સંબંધિત મહારાજ ભરતની એક ઘણી સૂચક કથા છે. તેઓ એક રાજા હતા પરંતુ તેમના રાજ્યનો પરિત્યાગ કરી દીધો અને તપસ્વી બનીને વનમાં ભગવદ્-પ્રાપ્તિ માટે સાધના કરવા લાગ્યા. એક દિવસ તેમણે એક સગર્ભા હરણીને વાઘની ત્રાડ સાંભળીને પાણીમાં કૂદી પડતા જોઈ. ભયવશાત્ તે સગર્ભા હરણીએ ત્યાં જ તેના બચ્ચાંને જન્મ આપી દીધો. હવે આ બચ્ચું પાણી પર તરવા લાગ્યું. ભરતને આ બચ્ચાંની દયા આવી ગઈ અને તેણે તેને બચાવી લીધું. તેઓ તેને પોતાની ઝૂંપડીમાં લઈ આવ્યા અને તેનું પાલન-પોષણ કરવા લાગ્યા. તેઓ અતિ અનુરાગ સહ તેની ચંચળ ક્રીડાઓનું નિરીક્ષણ કરતા. તેઓ તેના ખોરાક માટે ઘાસ એકત્રિત કરતા અને તેને હૂંફ મળે તે માટે તેને વારંવાર ભેટતા. ધીરે ધીરે, તેમનું મન ભગવાનથી વિમુખ થવા લાગ્યું અને હરણમાં આસક્ત થવા લાગ્યું. આ આસક્તિ એટલી ગાઢ બનતી ગઈ કે સમગ્ર દિવસ દરમિયાન તેઓ હરણનું જ ચિંતન કરવા લાગ્યા. અંતે મૃત્યુના સમયે તેમને હરણનું જ સ્મરણ રહ્યું અને ચિંતા કરતા રહ્યા કે તેમના મૃત્યુ પશ્ચાત્ તેનું શું થશે. પરિણામ સ્વરૂપે, તેમના બીજા જન્મમાં મહારાજ ભરત હરણ બન્યા. જો કે, તેમણે પૂર્વ જન્મમાં આધ્યાત્મિક સાધના કરી હોવાથી તેમને પૂર્વ જન્મની ભૂલનું જ્ઞાન હતું. પરિણામે હરણ હોવા છતાં પણ તેઓ વનમાં સંતોના આશ્રમોની સમીપ રહ્યા. અંતત:, જયારે તેમણે હરણના શરીરનો ત્યાગ કર્યો, ત્યારે તેમને પુન: મનુષ્ય તરીકે જન્મ પ્રાપ્ત થયો. આ સમયે તેઓ મહાન સંત જડભરત બન્યા અને તેમની સાધના પૂર્ણ કરીને ભગવદ્-પ્રાપ્તિ કરી.
આ શ્લોકનું અધ્યયન કરીને કોઈએ એવો નિષ્કર્ષ ન તારવવો જોઈએ કે પરમ ધ્યેય, પરમાત્માની પ્રાપ્તિ માટે કેવળ મૃત્યુની ક્ષણે જ તેમનું ધ્યાન ધરવું જોઈએ. આજીવન સાધના વિના આમ થવું લગભગ અસંભવ છે. સ્કંધપુરાણમાં કહ્યું છે, મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ કરવું એ અત્યંત કઠિન છે. મૃત્યુ એ એટલો પીડાદાયક અનુભવ છે કે મન સ્વાભાવિક રીતે એ જ વિચારો તરફ ખેંચાય છે કે જે વ્યક્તિની આંતરિક પ્રકૃતિથી નિર્મિત હોય. મનથી ભગવાનનું ચિંતન કરવા માટે આંતરિક પ્રકૃતિથી તેમની સાથે તાદાત્મ્ય સાધેલું હોવું આવશ્યક છે. આંતરિક પ્રકૃતિ એ એવી ચેતના છે કે જે વ્યક્તિના મન અને બુદ્ધિ સાથે સંકળાયેલી રહે છે. કેવળ જો આપણે કોઈ વસ્તુનું નિરંતર ચિંતન કરતાં રહીએ તો જ તે આપણી આંતરિક પ્રકૃતિના અંશરૂપે પ્રગટ થાય છે. તેથી, ભગવદ્-ચેતના યુક્ત આંતરિક પ્રકૃતિના વિકાસ માટે જીવનની પ્રત્યેક ક્ષણે ભગવાનનું સ્મરણ કરવું, ચિંતન કરવું અને મનન કરવું જોઈએ. આ અંગે શ્રીકૃષ્ણ આગામી શ્લોકમાં વર્ણન કરે છે.