Bhagavad Gita: Chapter 8, Verse 27

નૈતે સૃતી પાર્થ જાનન્યોગી મુહ્યતિ કશ્ચન ।
તસ્માત્સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન ॥ ૨૭॥

ન—કદી નહીં; એતે—આ બે; સૃતી—માર્ગો; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; જાનન્—જાણે; યોગી—યોગી; મુહ્યતિ—મોહ પામે છે; કશ્ચન—કોઈ; તસ્માત્—માટે; સર્વેષુ કાલેષુ—સદા; યોગ-યુક્ત:—યોગમાં સ્થિત; ભવ-થા; અર્જુન—અર્જુન.

Translation

BG 8.27: હે પાર્થ, જે યોગીઓ આ બંને માર્ગોનું રહસ્ય જાણે છે, તેઓ કદી મોહગ્રસ્ત થતા નથી. તેથી, સદા-સર્વદા યોગ(ભગવાન સાથેના જોડાણ)માં સ્થિત થા.

Commentary

યોગીઓ એ સાધકો છે, જેઓ ભગવાન સાથે મનનું તાદાત્મ્ય સાધવા પ્રયત્ન કરે છે. પોતાને ભગવાનનો અતિ સૂક્ષ્મ અંશ જાણીને તેમજ કામાસક્ત જીવનની નિરર્થકતા સમજીને, ક્ષણિક ઇન્દ્રિય સુખના બદલે તેઓ ભગવાન માટે તેમના પ્રેમની વૃદ્ધિને અધિક મહત્ત્વ આપે છે. આ પ્રમાણે, તેઓ પ્રકાશ માર્ગના અનુયાયીઓ છે. જે મનુષ્યો માયાને કારણે મોહગ્રસ્ત થઈ ગયા છે, આ અલ્પકાલીન સંસારને નિત્ય માને છે, પોતાના શરીરને ‘સ્વ’ માને છે અને સાંસારિક દુઃખોને સુખનું સ્ત્રોત માને છે, તેઓ અંધકારના માર્ગનું અનુસરણ કરે છે. આ બંને માર્ગનું પરિણામ પૂર્ણતયા એકબીજાથી વિપરીત છે. એક શાશ્વત દિવ્યાનંદની દિશામાં લઈ જાય છે અને બીજો માયિક જીવનનાં નિરંતર દુઃખોની દિશામાં લઈ જાય છે. શ્રીકૃષ્ણ અર્જુનને પ્રેરિત કરે છે કે તે આ બંને માર્ગ વચ્ચેનો ભેદ સમજે અને યોગી બનીને પ્રકાશના માર્ગનું અનુસરણ કરે.

તેઓ અહીં “સર્વેષુ કાલેષુ” શબ્દો ઉમેરે છે, જે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આપણામાંથી ઘણાં લોકો પ્રકાશના માર્ગનું અનુસરણ કરે છે પરંતુ પશ્ચાત્ પુન: અંધકારના માર્ગ તરફ પાછા ફરી જાય છે. જો કોઈ ઉત્તર દિશામાં જવા ઈચ્છતું હોય પરંતુ ઉત્તરમાં એક કિલોમીટર ચાલીને પાછું દક્ષિણમાં ચાર કીલોમીટર ચાલે તો તે વ્યક્તિ અથાક્ શ્રમ કરીને પણ અંતે તે દક્ષિણનાં આરંભબિંદુએ જ પહોંચશે. એ જ પ્રમાણે, થોડા દિવસો માટે પ્રકાશના માર્ગના અનુસરણથી આપણી પ્રગતિ નિશ્ચિત થતી નથી. આપણે નિરંતર સાચી દિશામાં આગળ વધતા રહેવું જોઈએ અને ખોટી દિશામાં જવાનું ટાળવું જોઈએ ત્યારે જ આપણે પ્રગતિ કરી શકીશું. તેથી શ્રીકૃષ્ણ કહે છે, “સદા-સર્વદા માટે યોગી બનો.”