મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમશાશ્વતમ્ ।
નાપ્નુવન્તિ મહાત્માનઃ સંસિદ્ધિં પરમાં ગતાઃ ॥ ૧૫॥
મામ્—મને; ઉપેત્ય—પ્રાપ્ત કરીને; પુન:—ફરીથી; જન્મ—જન્મ; દુઃખ-આલયમ્—દુઃખોથી ભરેલું સ્થાન; અશાશ્વતમ્—અલ્પકાલીન; ન—કદાપિ નહીં; આપ્નુવન્તિ—પ્રાપ્ત કરે છે; મહા-આત્માન:—મહાન પુરુષો; સંસિદ્ધિમ્—સિદ્ધિ; પરમામ્—પરમ; ગતા:—પામેલા.
Translation
BG 8.15: મને પ્રાપ્ત કર્યા પશ્ચાત્ મહાત્માઓએ આ દુઃખમય અને અલ્પકાલીન સંસારમાં પુન: જન્મ લેવો પડતો નથી, કારણ કે તેમણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે.
Commentary
ભગવાનને પ્રાપ્ત કરવાનું પરિણામ શું છે? જેઓ ભગવદ્-પ્રાપ્તિ કરી લે છે, તેઓ જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને ભગવાનના દિવ્ય ધામમાં પ્રવેશ કરે છે. આ પ્રમાણે, તેમણે આ માયિક અને દુઃખમય સંસારમાં પુન: જન્મ લેવો પડતો નથી. આપણે જન્મની કષ્ટદાયક પ્રક્રિયા સહન કરવી પડે છે અને અસહાય થઈને રુદન કરીએ છીએ. પશ્ચાત્, નવજાત શિશુ તરીકે આપણી આવશ્યકતાઓની અભિવ્યક્તિ કરી શકતાં નથી, તેથી રડીએ છીએ. તરુણાવસ્થામાં આપણે દૈહિક ઈચ્છાઓ માટે સંઘર્ષ કરવો પડે છે, જેના કારણે આપણે માનસિક પરિતાપ વેઠવો પડે છે. લગ્નજીવનમાં જીવનસાથીના મિજાસને નિભાવવો પડે છે. જયારે વૃદ્ધાવસ્થાએ પહોંચીએ છીએ ત્યારે આપણે શારીરિક દુર્બળતાઓને કારણે પીડાઈએ છીએ. સમગ્ર જીવનકાળ દરમિયાન આપણે આપણા પોતાના શરીર અને મન, અન્યના વર્તન તથા પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે કષ્ટ ભોગવવું પડે છે. અંતે, મૃત્યુની પીડા સહન કરવી પડે છે.
આ સર્વ દુઃખો અર્થહીન હોતાં નથી; ભગવાનની મહાન યોજનામાં આ દુઃખો પણ એક ચોક્કસ આશય ધરાવે છે. તેઓ આપણને અનુભૂતિ કરાવે છે કે માયિક પ્રદેશ એ આપણું નિત્ય નિવાસસ્થાન નથી. આ સંસાર એ આપણાં જેવાં આત્માઓ માટે સુધારણા ગૃહ સમાન છે કે જેઓ ભગવાનથી વિમુખ થઈ ગયા છે. જો આપણે અહીં યાતનાઓ ભોગવવી પડી ના હોત તો આપણામાં ભગવદ્-પ્રાપ્તિની ઈચ્છા કદાપિ વિકસિત થઈ ના હોત. ઉદાહરણ તરીકે, જો આપણે આગમાં હાથ નાખીએ તો તેના બે પરિણામની સંભાવનાઓ છે—ત્વચા બળવા લાગે છે અને ચેતાતંતુઓ મસ્તિષ્કમાં પીડાના સંવેદનો સર્જે છે. ત્વચાની બળવાની પીડા એ દુઃખદાયી વિષય છે પરંતુ એ પીડાની સંવેદના એ આવશ્યક બાબત છે. જો આપણને પીડાનો અનુભવ ના થતો હોત તો આપણે આગમાંથી હાથ બહાર પાછો ખેંચી ના લેત અને પરિણામે આપણને અતિ હાનિ થઈ શકત. કષ્ટ એ સંકેત આપે છે કે કંઈક અનુચિત છે, જેને સુધારવું આવશ્યક છે. એ જ પ્રમાણે, જે યાતનાઓ આપણે માયિક જગતમાં સહન કરીએ છીએ તે ભગવાનનો સંકેત છે કે આપણી ચેતના ક્ષતિયુક્ત છે અને આપણે માયિક ચેતનામાંથી ભગવાન સાથે જોડાવાની દિશામાં પ્રગતિ કરવી આવશ્યક છે.
અંતત: આપણને એ જ પ્રાપ્ત થાય છે, જેના માટે આપણે સ્વ-પ્રયાસો દ્વારા આપણને પાત્ર બનાવ્યા હોય છે. જે લોકો તેમની ભગવાનથી વિમુખ ચેતનામાં જ લિપ્ત રહે છે, તેઓ જન્મ-મૃત્યુના ચક્રમાં નિરંતર પરિભ્રમણ કર્યા કરે છે; અને જેઓ ભગવાનની અનન્ય ભક્તિ કરે છે તેઓ ભગવાનના દિવ્ય ધામને પ્રાપ્ત કરે છે.