Bhagavad Gita: Chapter 8, Verse 11

યદક્ષરં વેદવિદો વદન્તિ
વિશન્તિ યદ્યતયો વીતરાગાઃ ।
યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરન્તિ
તત્તે પદં સઙ્ગ્રહેણ પ્રવક્ષ્યે ॥ ૧૧॥

યત્—જે; અક્ષરમ્—અવિનાશી; વેદ-વિદ:—વેદોના વિદ્વાનો; વદન્તિ—વર્ણન કરે છે; વિશન્તિ—પ્રવેશ; યત્—જે; યતય:—મહાન ઋષિમુનિઓ; વીત-રાગા:—આસક્તિથી મુક્ત; યત્—જે; ઈચ્છન્ત:—ઈચ્છા કરનારા; બ્રહ્મચર્યમ્—બ્રહ્મચર્ય; ચરન્તિ—અભ્યાસ કરે છે; તત્—તે; તે—તને; પદમ્—પદ; સંગ્રહેણ—સંક્ષેપમાં; પ્રવક્ષ્યે—હું સમજાવીશ.

Translation

BG 8.11: વેદોના જ્ઞાતાઓ તેમનું વર્ણન અવિનાશી રૂપે કરે છે; મહાન ઋષિમુનિઓ તેમનામાં પ્રવેશ કરવા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે અને સાંસારિક સુખોનો પરિત્યાગ કરી દે છે. હું હવે તને તે સિદ્ધિ માટેના માર્ગનું સંક્ષેપમાં વર્ણન કરીશ.

Commentary

વેદોમાં ભગવાનને અનેક નામોથી સંબોધિત કરવામાં આવ્યા છે. તેમાંનાં કેટલાક આ પ્રમાણે છે: સત્, અવ્યકૃત, પ્રાણ, ઇન્દ્ર, દેવ, બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, પુરુષ. જયારે વિવિધ સ્થાનો પર ભગવાનના નિરાકાર સ્વરૂપના વર્ણન માટે તેમને અક્ષર તરીકે સંબોધવામાં આવે છે. અક્ષરનો અર્થ છે, ‘અવિનાશી’. બૃહદારણ્યક ઉપનિષદ્દ વર્ણન કરે છે:

એતસ્ય વા અક્ષરસ્ય પ્રશાસને ગાર્ગિ સૂર્યાચન્દ્રમાસૌ વિધૃતૌ તિષ્ઠત: (૩.૮.૯)

“અવિનાશી શક્તિનાં નિયંત્રણ હેઠળ સૂર્ય અને ચંદ્ર તેમની કક્ષામાં પરિક્રમા કરતા રહે છે.” આ શ્લોકમાં શ્રીકૃષ્ણ, ભગવાનના નિરાકાર સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે યોગ-મિશ્રિત ભક્તિનું વર્ણન કરે છે. સંગ્રહેણ શબ્દનો અર્થ છે, ‘સંક્ષેપમાં’. તેઓ આ માર્ગ પર ભાર મૂકવાનું ટાળવા તેનું વર્ણન કેવળ સંક્ષેપમાં જ કરશે કારણ કે આ માર્ગ બધા માટે ઉપયુક્ત નથી.

આ માર્ગ પર, વ્યક્તિએ સાંસારિક કામનાઓનો ત્યાગ  કરીને, આત્મસંયમની સાધના દ્વારા આકરું બ્રહ્મચર્ય-જીવન જીવીને ઉગ્ર તપશ્ચર્યાનું પાલન કરવું પડે છે. બ્રહ્મચર્ય એ કેવળ કુંવારા રહેવાની પ્રતિજ્ઞા નથી. તેના દ્વારા વ્યક્તિની શારીરિક ઊર્જા સંરક્ષિત રહે છે અને પશ્ચાત્ સાધના દ્વારા આધ્યાત્મિક શક્તિમાં પરિવર્તિત થાય છે. જે સાધક બ્રહ્મચર્યની સાધના કરે છે, તેની સ્મરણ શક્તિ તેજ બને છે અને  આધ્યાત્મિક વિષયોને સમજવાની મેધાની તેજસ્વીતામાં વૃદ્ધિ થાય છે. આ અંગે અગાઉ શ્લોક ૬.૧૪માં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.