Bhagavad Gita: Chapter 8, Verse 23-26

યત્ર કાલે ત્વનાવૃત્તિમાવૃત્તિં ચૈવ યોગિનઃ ।
પ્રયાતા યાન્તિ તં કાલં વક્ષ્યામિ ભરતર્ષભ ॥ ૨૩॥
અગ્નિર્જ્યોતિરહઃ શુક્લઃ ષણ્માસા ઉત્તરાયણમ્ ।
તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મવિદો જનાઃ ॥ ૨૪॥
ધૂમો રાત્રિસ્તથા કૃષ્ણઃ ષણ્માસા દક્ષિણાયનમ્ ।
તત્ર ચાન્દ્રમસં જ્યોતિર્યોગી પ્રાપ્ય નિવર્તતે ॥ ૨૫॥
શુક્લકૃષ્ણે ગતી હ્યેતે જગતઃ શાશ્વતે મતે ।
એકયા યાત્યનાવૃત્તિમન્યયાવર્તતે પુનઃ ॥ ૨૬॥

યત્ર—જ્યાં; કાલે—સમય; તુ—નિશ્ચિત; અનાવૃતિમ્—પુનરાગમન થાય નહીં; આવૃત્તિમ્—પુનરાગમન; ચ—અને; એવ—નિશ્ચિત; યોગિન:—યોગી; પ્રયાતા:—પ્રયાણ કરી ચૂકેલા; યાન્તિ—પામે છે; તમ્—તે; કાલમ્—સમય; વક્ષ્યામિ—હું વર્ણન કરીશ; ભરત-ઋષભ—અર્જુન, ભરતશ્રેષ્ઠ, અગ્નિ:—અગ્નિ; જ્યોતિ:—પ્રકાશ; અહ:—દિવસ; શુક્લ:—શુક્લ પક્ષ; ષટ-માસા:—છ મહિના; ઉત્તર-અયનમ્—સૂર્યનું ઉત્તરાગમન; તત્ર—ત્યાં; પ્રયાતા:—મરણ પામેલા; ગચ્છન્તિ—જાય છે; બ્રહ્મ—બ્રહ્મન; બ્રહ્મ-વિદ:—જે બ્રહ્મનને જાણે છે; જના:—માનવીઓ; ધૂમ:—ધુમાડો; રાત્રિ:—રાત્રિ; તથા—અને; કૃષ્ણ:—કૃષ્ણ પક્ષ; ષટ-માસા:—છ મહિના; દક્ષિણ-અયનમ્; સૂર્યનું દક્ષિણાયણ; તત્ર—ત્યાં; ચાન્દ્રમસમ્—ચંદ્રને અધીન; જ્યોતિ:—પ્રકાશ; યોગી—યોગી; પ્રાપ્યો—પામીને; નિવર્તતે—પાચા આવે છે. શુક્લ—પ્રકાશ; કૃષ્ણે—અંધકાર; ગતી—માર્ગ; હિ—નિશ્ચિત; એતે—આ; જગત:—ભૌતિક જગતની; શાશ્વતે—શાશ્વત; મતે—મત; એકયા—એક દ્વારા; યાતિ—જાય છે; અનાવૃત્તિમ્—પુનરાગમન પ્રતિ નહીં; અન્યયા—અન્ય દ્વારા; આવર્તતે—પાછા આવે છે; પુન:—પુન:.

Translation

BG 8.23-26: હે ભરતશ્રેષ્ઠ, હવે હું તને આ જગતમાંથી વિદાય થવાના વિભિન્ન માર્ગોનું વર્ણન કરીશ. જેમાંનો એક મુક્તિ તરફ લઇ જાય છે અને અન્ય પુનર્જન્મ તરફ લઇ જાય છે. જેઓ પરમ બ્રહ્મને જાણે છે અને જે સૂર્યના ઉત્તરાયણના છ માસ દરમિયાન, શુક્લ પક્ષમાં અને દિવસના અજવાળામાં આ જગતમાંથી વિદાય લે છે તેઓ પરમ ધામ પામે છે. વૈદિક કર્મકાંડોનું પાલન કરનારા જે સાધકો સૂર્યના દક્ષિણાયનનાં છ માસ દરમિયાન કૃષ્ણ પક્ષમાં, ધુમ્મસમાં રાત્રિ સમયે વિદાય લે છે, તેઓ સ્વર્ગ લોક પામે છે. સ્વર્ગીય સુખો ભોગવીને તેઓ પુન: પૃથ્વી પર પાછા ફરે છે. આ બંને—પ્રકાશ અને અંધકાર—નાં માર્ગો આ વિશ્વમાં સદા વિદ્યમાન છે. પ્રકાશનો માર્ગ મુક્તિ તરફ અગ્રેસર કરે છે તથા અંધકારનો માર્ગ પુનર્જન્મ તરફ અગ્રેસર કરે છે.

Commentary

આ શ્લોકમાં શ્રીકૃષ્ણનું કથન અર્જુને શ્લોક ૮.૨માં પૂછેલા પ્રશ્ન સાથે સંબંધિત છે. “મૃત્યુના સમયે અમે તમારી સાથે કેવી રીતે એક થઇ શકીએ?” શ્રીકૃષ્ણ કહે છે કે આ માટે બે માર્ગો છે—પ્રકાશનો માર્ગ અને અંધકારનો માર્ગ. અહીં, આ કંઈક અંશે આ ગૂઢ કથનને પ્રકાશ અને અંધકારના વિષયના સંદર્ભમાં આપણે આધ્યાત્મિક દૃષ્ટિકોણની અભિવ્યક્તિ માટે અદ્ભુત દૃષ્ટાંત દ્વારા બુદ્ધિ ગ્રાહ્ય કરી શકીએ.

ઉત્તરાયણના છ મહિના, શુક્લ પક્ષ, દિવસનો પ્રકાશમય ભાગ આ સર્વ પ્રકાશનાં લક્ષણો સૂચિત કરે છે. પ્રકાશ એ જ્ઞાનનું પ્રતિક છે જયારે અંધકાર એ અજ્ઞાનનું પ્રતિક છે. દક્ષિણાયનનાં છ મહિના, કૃષ્ણ પક્ષ, રાત્રિમાં અંધકાર એ સર્વ સામાન્ય છે. જેમની ચેતના ભગવાનમાં સ્થિત છે અને વિષયાસક્ત તૃષ્ણાઓથી વિરક્ત છે, તેઓ પ્રકાશ (વિવેક અને જ્ઞાન)ના માર્ગે પ્રયાણ કરે છે. ભગવદ્-ચેતનામાં સ્થિત હોવાના કારણે તેઓ ભગવાનનું પરમ ધામ પ્રાપ્ત કરે છે અને સંસારના ચક્રમાંથી મુક્ત થઇ જાય છે. પરંતુ, જેમની ચેતના સંસાર પ્રત્યે આસક્ત છે, તેઓ અંધકાર (અજ્ઞાન)ના માર્ગે પ્રયાણ કરે છે. જીવનના દૈહિક વિષયોમાં ફસાયેલા હોવાના કારણે અને ભગવાનથી વિમુખ હોવાના કારણે તેઓ નિરંતર જન્મ અને મૃત્યુના ચક્રમાં પરિભ્રમણ કરતા રહે છે. જો તેમણે વૈદિક કર્મકાંડોનું પાલન કર્યું હોય છે તો અલ્પકાલ માટે તેમને સ્વર્ગીય લોકમાં પદોન્નતિ આપવામાં આવે છે પરંતુ પશ્ચાત્ તેમને પૃથ્વીલોકમાં પાછા આવવું પડે છે. આ પ્રમાણે, સર્વ મનુષ્યોએ મૃત્યુ પશ્ચાત્ આ બેમાંથી કોઈ એક માર્ગ સ્વીકારવો પડે છે. હવે એ તેમના પર નિર્ભર કરે છે કે તેમના કર્મો અનુસાર તેઓ પ્રકાશના માર્ગે પ્રયાણ કરશે કે અંધકારના માર્ગે પ્રયાણ કરશે.