સપ્તમ તથા અષ્ટમ અધ્યાયમાં શ્રીકૃષ્ણ પ્રગટ કરે છે કે ભક્તિ એ ભગવાનને પ્રાપ્ત કરવાનું સરળતમ માધ્યમ છે અને તે યોગનું ઉચ્ચતમ સ્વરૂપ પણ છે. નવમા અધ્યાયમાં તેઓ તેના પરમ મહિમાની વ્યાખ્યા કરે છે જે અહોભાવ, આદરભાવ તથા ભક્તિને પ્રેરિત કરે છે. તેઓ એ તથ્ય પ્રગટ કરે છે કે, તેઓ ભલે અર્જુન સમક્ષ સાકાર રૂપે ઉપસ્થિત છે, પરંતુ તેમને મનુષ્યરૂપ માની લેવાનું વિપરીત અર્થઘટન કરવું જોઈએ નહિ. તેઓ સ્પષ્ટ કરે છે કે, તેઓ માયિક શક્તિથી પરે સર્વોપરી સત્તા છે તથા કેવી રીતે સૃષ્ટિના આરંભમાં અસંખ્ય જીવ સ્વરૂપોનું સર્જન કરે છે, પ્રલય સમયે પુન: તેમને વિલીન કરે છે અને પુન: તેમને સૃષ્ટિનાં આગામી ચક્રમાં પ્રગટ કરે છે. જે પ્રમાણે, સર્વત્ર પ્રવાહિત પ્રચંડ વાયુ સદા આકાશમાં જ સ્થિત થાય છે, તે પ્રમાણે સર્વ જીવો તેમનામાં વાસ કરે છે. અને છતાં, તેમની યોગમાયા શક્તિ દ્વારા તેઓ તટસ્થ નિરીક્ષક અને આ સર્વ પ્રવૃત્તિઓથી સદા અલિપ્ત તથા વિરક્ત રહે છે.
ભક્તિનું એકમાત્ર લક્ષ્ય કેવળ ભગવાન જ છે, એમ સ્પષ્ટ કરીને શ્રીકૃષ્ણ હિંદુના અનેક-દેવી-દેવતા અંગેના મિથ્યા ભ્રમનું સમાધાન કરે છે. ભગવાન જ સર્વ જીવોનું ધ્યેય, આધાર, આશ્રય તથા વાસ્તવિક મિત્ર છે. જેઓ વેદોના કર્મકાંડોનાં અનુષ્ઠાનો પ્રત્યે રુચિ ધરાવે છે તેઓ સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે અને જયારે તેમના પુણ્યકર્મો ક્ષીણ થઇ જાય છે ત્યારે પૃથ્વીલોકમાં પાછા ફરે છે. પરંતુ જેઓ પરમ પુરુષોત્તમ પરમાત્માની અનન્ય ભક્તિ કરે છે, તેઓ તેમના ધામમાં જાય છે. આ પ્રમાણે શ્રીકૃષ્ણ, તેમના પ્રત્યેની વિશુદ્ધ ભક્તિની પરમ-ઉત્કૃષ્ટતાની પ્રશંસા કરે છે. આ પ્રકારની ભક્તિમાં આપણું સર્વસ્વ ભગવાનને સમર્પિત કરીને અને કેવળ તેમના માટે જ સર્વ કર્મ કરીને તેમજ તેમની ઈચ્છા સાથે પૂર્ણ એકત્વ સ્થાપિત કરીને જીવવું જોઈએ. આ પ્રકારની વિશુદ્ધ ભક્તિથી આપણે કર્મોના બંધનથી મુક્ત થઇ જઈશું અને ભગવાન સાથેના ગૂઢ તાદાત્મ્યના લક્ષ્યને પ્રાપ્ત કરી શકીશું.
તદુપરાંત, શ્રીકૃષ્ણ ભારપૂર્વક જણાવે છે કે તેઓ ન તો કોઈની તરફેણ કરે છે કે ન તો કોઈની ઉપેક્ષા કરે છે — તેઓ સર્વ જીવો પ્રત્યે નિષ્પક્ષ છે. જો કોઈ અધમ પાપી પણ તેમના શરણમાં આવે છે તો તેઓ પ્રસન્નતાથી તેમને સ્વીકારે છે અને શીઘ્ર તેમને ગુણવાન અને શુદ્ધ કરી દે છે. તેઓ વચન આપે છે કે તેમના ભક્તનો કદાપિ નાશ થતો નથી. તેઓ તેમની અંદર સ્થિત રહીને તેમના અભાવોની પૂર્તિ કરે છે અને તેમની પાસે જે પહેલાથી પ્રાપ્ય છે, તેની રક્ષા કરે છે. આ પ્રમાણે, આપણે સદૈવ તેમનું ચિંતન કરવું જોઈએ, આરાધના કરવી જોઈએ, મન અને શરીરથી તેમને જ સમર્પિત રહેવું જોઈએ અને તેમને આપણું પરમ લક્ષ્ય બનાવવું જોઈએ.
Bhagavad Gita 9.1 View commentary »
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: હે અર્જુન, કારણ કે તને મારા પ્રત્યે ઈર્ષ્યાભાવ નથી, હું હવે તને પરમ ગુહ્ય જ્ઞાન અને વિજ્ઞાન પ્રદાન કરીશ, જેને જાણીને તું ભૌતિક અસ્તિત્ત્વના દુઃખોમાંથી મુક્ત થઈ જઈશ.
Bhagavad Gita 9.2 View commentary »
આ જ્ઞાન વિદ્યાઓનો રાજા છે અને સર્વ રહસ્યોમાં સર્વાધિક ગહન છે. તેનું શ્રવણ કરનારને તે પવિત્ર કરે છે. તે પ્રત્યક્ષ અનુભૂત, ધર્મ સંમત, અભ્યાસ કરવામાં સરળ અને નિત્ય પ્રભાવી છે.
Bhagavad Gita 9.3 View commentary »
હે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર, જે મનુષ્યો આ ધર્મમાં શ્રદ્ધા ધરાવતા નથી, તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. તેઓ જન્મ અને મૃત્યુના ચક્રના માર્ગે આ સંસારમાં પુન: પુન: પાછા આવે છે.
Bhagavad Gita 9.4 View commentary »
આ સમગ્ર બ્રહ્માંડ મારા દ્વારા મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. સર્વ જીવો મારામાં નિવાસ કરે છે, પરંતુ હું તેમનામાં નિવાસ કરતો નથી.
Bhagavad Gita 9.5 View commentary »
અને છતાં, જીવો મારામાં નિવાસ કરતા નથી. મારી દિવ્ય શક્તિનું રહસ્ય જો! યદ્યપિ હું સર્વ પ્રાણીઓનો સર્જનહાર અને પાલક છું તથાપિ હું તેમનાથી કે માયિક પ્રકૃતિથી પ્રભાવિત થતો નથી.
Bhagavad Gita 9.6 View commentary »
જેવી રીતે સર્વત્ર પ્રવાહિત પ્રચંડ વાયુ સદા આકાશમાં સ્થિત રહે છે, તેવી રીતે સર્વ પ્રાણીઓ સદૈવ મારામાં સ્થિત જાણ.
Bhagavad Gita 9.7 – 9.8 View commentary »
જ્યારે એક કલ્પ પૂર્ણ થાય છે ત્યારે અંતે, સર્વ જીવો મારી આદિ પ્રાકૃત શકિતમાં વિલીન થઇ જાય છે. અન્ય સૃષ્ટિના પ્રારંભકાળે, હે કુંતીપુત્ર, હું તેમને પુન: પ્રગટ કરું છું. પ્રાકૃત શક્તિ પરનાં આધિપત્યથી હું પુન: પુન: આ અસંખ્ય રૂપોને તેમની પ્રકૃતિના બળને અનુરૂપ ઉત્પન્ન કરું છું.
Bhagavad Gita 9.9 View commentary »
હે ધનંજય, આ કર્મોમાંથી કોઈ પણ કર્મ મને બાંધી શકતું નથી. હું તટસ્થ નિરીક્ષક રહીને આ સર્વ કર્મોથી સદૈવ વિરક્ત રહું છું.
Bhagavad Gita 9.10 View commentary »
હે કુંતીપુત્ર, મારા માર્ગદર્શન હેઠળ કાર્ય કરીને માયિક શક્તિ, ચર તેમજ અચર સ્વરૂપોને જીવંત કરે છે. આ કારણથી, માયિક જગત (સર્જન, સ્થિતિ અને સંહાર)માં પરિવર્તન થતાં રહે છે.
Bhagavad Gita 9.11 View commentary »
જયારે હું મારા સાકાર સ્વરૂપમાં અવતરું છું ત્યારે મૂઢ લોકો મને ઓળખવા માટે અસમર્થ હોય છે. તેઓ સર્વ પ્રાણીઓના સર્વોપરી સ્વામી તરીકે મારા સ્વરૂપની દિવ્યતાને જાણતા નથી.
Bhagavad Gita 9.12 View commentary »
માયિક શક્તિ દ્વારા મોહગ્રસ્ત થઈને આવા લોકો આસુરી તથા નાસ્તિક દૃષ્ટિકોણ ગ્રહણ કરે છે. એવી ભ્રમિત અવસ્થામાં, તેમના કલ્યાણની આશાઓ નિરર્થક થઈ જાય છે, તેમના સકામ કર્મો વ્યર્થ થઈ જાય છે અને તેમનાં જ્ઞાનનું સંવર્ધન નિષ્ફળ થઈ જાય છે.
Bhagavad Gita 9.13 View commentary »
હે પાર્થ, પરંતુ તે મહાત્માઓ કે જે મારી દિવ્ય શક્તિનો આશ્રય ગ્રહણ કરે છે તેઓ મને શ્રીકૃષ્ણને, સર્વ સૃષ્ટિના મૂળ સ્વરૂપે જાણે છે. તેઓ તેમના મનને અનન્ય રીતે મારામાં સ્થિત કરીને મારી ભક્તિમાં લીન રહે છે.
Bhagavad Gita 9.14 View commentary »
મારા દિવ્ય મહિમાનું સદૈવ કીર્તન કરતાં, દૃઢ નિશ્ચયપૂર્વક પ્રયાસ કરતાં અને મને વિનયપૂર્વક નમીને, તેઓ સતત પ્રેમા ભક્તિથી મને ભજે છે.
Bhagavad Gita 9.15 View commentary »
અન્ય મનુષ્યો, જ્ઞાન સંવર્ધનના યજ્ઞમાં વ્યસ્ત રહીને અનેક પદ્ધતિથી મને ભજે છે. કેટલાક લોકો મને પોતાનાંથી અભિન્ન ઐક્ય ભાવથી જોવે છે જે તેમનાથી ભિન્ન નથી, જયારે અન્ય મને તેમનાથી પૃથક્ ગણે છે. વળી, કેટલાક લોકો મારા બ્રહ્માંડીય સ્વરૂપની અનંત અભિવ્યક્તિઓની આરાધના કરે છે.
Bhagavad Gita 9.16 – 9.17 View commentary »
એ હું જ છું, જે વૈદિક કર્મકાંડ છે, હું યજ્ઞ છું અને હું પિતૃઓને અપાતી આહુતિ છું. હું ઔષધિઓ છું અને હું વૈદિક મંત્ર છું. હું ઘી છું, હું અગ્નિ છું અને હું આહુતિનું કર્મ છું. આ વિશ્વનો હું પિતા છું; હું જ માતા, આશ્રયદાતા અને પિતામહ પણ છું. હું પવિત્ર કરનારો, જ્ઞાનનું ધ્યેય, પવિત્ર ઓમકાર છું. હું ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ છું.
Bhagavad Gita 9.18 View commentary »
હું સર્વ પ્રાણીઓનું પરમ લક્ષ્ય છું અને હું તેમનો નિર્વાહક, સ્વામી, સાક્ષી, ધામ, આશ્રય અને મિત્ર પણ છું. હું આદિ, અંત અને સૃષ્ટિનું વિશ્રામ સ્થાન છું; હું અવિનાશી બીજ અને ભંડાર છું.
Bhagavad Gita 9.19 View commentary »
હું જ સૂર્ય તરીકે ઉષ્ણતા પ્રદાન કરું છે અને હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું પણ છું. હું જ અમરત્વ છું અને હું સાક્ષાત મૃત્યુ પણ છું. હે અર્જુન, હું ચેતન આત્મા છું અને જડ પદાર્થ પણ છું.
Bhagavad Gita 9.20 View commentary »
જેમની રુચિ વેદોમાં વર્ણિત સકામ કર્મો કરવાની હોય છે, તેઓ કર્મકાંડી યજ્ઞો દ્વારા મારી આરાધના કરે છે. યજ્ઞના અવશેષરૂપી સોમરસનું પાન કરીને, પાપમાંથી શુદ્ધિ મેળવી, તેઓ સ્વર્ગલોક જવાની ઈચ્છા રાખે છે. તેમના પુણ્યકર્મો દ્વારા તેઓ સ્વર્ગના રાજા, ઇન્દ્રના લોકમાં જાય છે અને સ્વર્ગીય દેવતાઓ જેવાં સુખો ભોગવે છે.
Bhagavad Gita 9.21 View commentary »
જયારે તેઓ વિશાળ સ્વર્ગીય સુખો ભોગવી લે છે અને તેમનાં પુણ્યકર્મોના ફળ સમાપ્ત થઈ જાય છે, ત્યારે તેઓ પૃથ્વીલોકમાં પાછા ફરે છે. આ પ્રમાણે, જેઓ ઇન્દ્રિયસુખોના વિષયોની કામના હેતુ વૈદિક કર્મકાંડનું પાલન કરે છે, તેઓ આ સંસારમાં પુન: પુન: આવાગમન કરે છે.
Bhagavad Gita 9.22 View commentary »
જેઓ સદૈવ મારું ચિંતન કરે છે અને મારી અનન્ય ભક્તિમાં લીન રહે છે, જેમનું મન સદા મારામાં સ્થિર રહે છે, હું તેમની આવશ્યકતાઓની પૂર્તિ કરું છે તેમજ તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું.
Bhagavad Gita 9.23 View commentary »
હે કુંતીપુત્ર, તે ભક્તો પણ કે જેઓ શ્રદ્ધાપૂર્વક અન્ય દેવતાઓને પૂજે છે, તેઓ પણ પરોક્ષ રીતે મને જ પૂજે છે. પરંતુ તેઓ આ અનુચિત રીતે કરે છે.
Bhagavad Gita 9.24 View commentary »
હું સર્વ યજ્ઞોનો ભોકતા તથા એકમાત્ર સ્વામી છું. પરંતુ જેઓ મારી દિવ્ય પ્રકૃતિને ઓળખી શકતા નથી, તેમનો નિશ્ચિતપણે પુનર્જન્મ થાય છે.
Bhagavad Gita 9.25 View commentary »
સ્વર્ગીય દેવતાઓના ઉપાસકો દેવતાઓમાં જન્મ પામે છે, પિતૃઓના ઉપાસકો પિતૃઓ પાસે જાય છે, ભૂત-પ્રેતના ઉપાસકો તેવી પ્રેતયોનિમાં જન્મે છે અને મારા ભક્તો કેવળ મારી પાસે આવે છે.
Bhagavad Gita 9.26 View commentary »
જો કોઈ મનુષ્ય ભક્તિપૂર્વક મને પત્ર, પુષ્પ, ફળ કે જળ પણ અર્પણ કરે છે, તો મારા ભક્ત દ્વારા પ્રેમ તથા શુદ્ધ ચેતના સાથે અર્પિત કરેલ એ સર્વનો હું પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરું છું.
Bhagavad Gita 9.27 View commentary »
હે કુંતીપુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, યજ્ઞમાં જે કંઈ આહુતિ સ્વરૂપે હોમે છે, જે કંઈ તું ઉપહાર તરીકે અર્પે છે અને જે કંઈ તપશ્ચર્યા કરે છે, તેમને મને અર્પણ કરવા સ્વરૂપે કર.
Bhagavad Gita 9.28 View commentary »
તારા સર્વ કાર્યોને મને સમર્પિત કરીને તું શુભ અને અશુભ ફળોનાં બંધનમાંથી મુક્ત થઈ જઈશ. સંન્યાસ-યોગ દ્વારા તારા મનને મારામાં અનુરક્ત કરીને તું મોક્ષ પ્રાપ્ત કરીશ અને મારી પાસે આવીશ.
Bhagavad Gita 9.29 View commentary »
હું સર્વ જીવો પ્રત્યે સમભાવ યુક્ત રહું છું. હું ન તો કોઈ પ્રત્યે દ્વેષ કરું છું કે ન તો કોઈનો પક્ષપાત કરું છું. પરંતુ જે ભક્તો મારી પ્રેમપૂર્વક ભક્તિ કરે છે, તેઓ મારામાં નિવાસ કરે છે અને હું તેમનામાં નિવાસ કરું છું.
Bhagavad Gita 9.30 View commentary »
અતિ ઘૃણાસ્પદ કર્મ કરનાર અધમ પણ જો અનન્યભાવે મારી ભક્તિ કરે છે તો તેને સાધુ માનવો જોઈએ, કારણ કે તે ઉચિત નિશ્ચયમાં સ્થિત હોય છે.
Bhagavad Gita 9.31 View commentary »
તે શીધ્ર ધર્મપરાયણ બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. હે કુંતીપુત્ર, નિર્ભય થઈને એ ઘોષણા કર કે મારા કોઈપણ ભક્તનો કદાપિ વિનાશ થતો નથી.
Bhagavad Gita 9.32 View commentary »
હે પાર્થ, જે લોકો મારું શરણ ગ્રહણ કરે છે, તેમનું કુળ, જાતિ, લિંગ કે જ્ઞાતિ જે પણ હોય, ભલે સમાજે તેને બહિષ્કૃત કર્યો હોય છતાં પણ તે પરમ લક્ષ્યને પ્રાપ્ત કરે છે.
Bhagavad Gita 9.33 View commentary »
તો પછી પુણ્યાત્મા સાધુઓ અને રાજર્ષિઓ વિષે શું કહેવું? તેથી, આ ક્ષણિક તથા દુઃખમય વિશ્વમાં આવીને મારી ભક્તિ પ્રત્યે પરાયણ થાવ.
Bhagavad Gita 9.34 View commentary »
સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી આરાધના કર તેમજ મને પ્રણામ કર. તારા મન તેમજ શરીરને મને સમર્પિત કરીને, તું મારી પાસે આવીશ.