Bhagavad Gita: Chapter 8, Verse 28

વેદેષુ યજ્ઞેષુ તપઃસુ ચૈવ
દાનેષુ યત્પુણ્યફલં પ્રદિષ્ટમ્ ।
અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા
યોગી પરં સ્થાનમુપૈતિ ચાદ્યમ્ ॥ ૨૮॥

વેદેષુ—વેદોના અધ્યયનમાં; યજ્ઞેષુ—યજ્ઞ કરવામાં; તપ:સુ—વિભિન્ન પ્રકારના તપ કરવામાં; ચ—અને; એવ—નિશ્ચિત; દાનેષુ—દાન કરવામાં; યત્—જે; પુણ્ય-ફલમ્—પુણ્યકર્મનું ફળ; પ્રદિષ્ટમ્—પ્રાપ્ત કરવું; અત્યેતિ—ઓળંગી જાય છે; તત્ સર્વમ્—સર્વ; ઈદમ્—આ; વિદિત્વા—જાણીને; યોગી—યોગી; પરમ—પરમ; સ્થાનમ્—ધામ; ઉપૈતિ—પ્રાપ્ત કરે છે; ચ—અને; આદ્યમ્—મૂળ.

Translation

BG 8.28: જે યોગીઓ આ રહસ્યને જાણે છે તેઓ વૈદિક કર્મકાંડોના, વેદાધ્યયનના, યજ્ઞો કરવાના, તપશ્ચર્યા કરવાના, અને દાન દેવાના પુણ્યફળથી અનેકગણું અધિક ફળ પ્રાપ્ત કરે છે. આવા યોગીઓ પરમ ધામ પામે છે.

Commentary

આપણે ભલે વૈદિક યજ્ઞો કરીએ, જ્ઞાન અર્જિત કરીએ, તપશ્ચર્યાઓ કરીએ, અને દાન આદિ કરીએ, પરંતુ જ્યાં સુધી ભગવાનની ભક્તિ-પરાયણ થતા નથી ત્યાં સુધી આપણે પ્રકાશના માર્ગ પર અગ્રેસર થતા નથી. આ સર્વ લૌકિક સત્કર્મોનું ભૌતિક ફળ પ્રાપ્ત થાય છે, જયારે ભગવદ્-ભક્તિનું ફળ માયિક બંધનમાંથી મુક્તિ છે.

રામાયણ વર્ણન કરે છે:

            નેમ ધર્મ આચાર તપ ગ્યાન જગ્ય જપ દાન

           ભેષજ પુનિ કોટિન્હ નહિં રોગ જાહિં હરિજાન

“તમે ચાહે સદાચારમાં, ધર્મમાં, તપશ્ચર્યામાં, યજ્ઞોમાં, અષ્ટાંગ યોગમાં, મંત્રજાપમાં અને દાનમાં વ્યસ્ત રહો. પરંતુ ભગવાનની ભક્તિ વિના માયિક ચેતનાનો માનસિક રોગ સમાપ્ત થશે નહીં.”

યોગીઓ જેઓ પ્રકાશના માર્ગનું અનુસરણ કરે છે તેઓ તેમના મનને સંસારથી વિરક્ત કરી દે છે અને ભગવાન પ્રત્યે આસક્ત રાખે છે; અને એ રીતે શાશ્વત કલ્યાણને પામે છે. તેથી, શ્રીકૃષ્ણ કહે છે તેઓ એવું ફળ પ્રાપ્ત કરે છે, જે અન્ય સર્વ ક્રિયા-કર્મોથી પ્રાપ્ત થતાં ફળોથી પરે છે.