તસ્માત્સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ ।
મય્યર્પિતમનોબુદ્ધિર્મામેવૈષ્યસ્યસંશયમ્ ॥ ૭॥
તસ્માત્—માટે; સર્વેષુ—સર્વ; કાલેષુ—કાળે; મામ્—મને; અનુસ્મર—સ્મરણ કર; યુધ્ય—યુદ્ધ; ચ—અને; મયિ—મારી; અર્પિત—શરણાગત; મન:—મન; બુદ્ધિ:—બુદ્ધિ; મામ્—મને; એવ—નિશ્ચિતપણે; એષ્યસિ—પ્રાપ્ત કરીશ; અસંશય:—નિ:સંદેહ.
Translation
BG 8.7: તેથી, સદૈવ મારું સ્મરણ કર અને તારા યુદ્ધ કરવાના કર્તવ્યનું પાલન પણ કર. મન અને બુદ્ધિ મને સમર્પિત કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ, તેમાં કોઈ સંદેહ નથી.
Commentary
આ શ્લોકની પ્રથમ પંક્તિ એ ભગવદ્ ગીતાના ઉપદેશોનો સાર છે. તેમાં આપણા જીવનને દિવ્ય બનાવવાની શક્તિ છે. તેમાં કર્મયોગની વ્યાખ્યા પણ સમાહિત છે. શ્રીકૃષ્ણ કહે છે કે, “તમારા મનને મારામાં અનુરક્ત રાખો અને શરીરથી સાંસારિક ઉત્તરદાયિત્ત્વોનું પાલન કરો.” આ ઉપદેશ જીવનના પ્રત્યેક ક્ષેત્ર—ડોક્ટર્સ, એન્જીનીયર્સ, વકીલો, ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ વગેરે સૌને લાગુ પડે છે. વિશેષરૂપે અર્જુનના સંદર્ભમાં તે એક યોદ્ધા છે અને તેનું ઉત્તરદાયિત્ત્વ યુદ્ધ કરવાનું છે. તેથી, તેને મનને ભગવાનમાં રાખીને તેના કર્તવ્યનું પાલન કરવાનો ઉપદેશ અપાયો છે. કેટલાક લોકો પોતે આધ્યાત્મિક જીવન અપનાવ્યું હોવાના તર્ક હેઠળ તેમના સાંસારિક કર્તવ્યોની અવગણના કરે છે. તો અન્ય લોકો આધ્યાત્મિક સાધનામાંથી છૂટવા માટે સાંસારિક કર્તવ્યોનું બહાનું બનાવે છે. લોકો એમ માને છે કે આધ્યાત્મિકતા અને સાંસારિક વ્યવહારો એ પરસ્પર વિરોધી વિષયો છે. પરંતુ ભગવાનનો ઉપદેશ આપણા સમગ્ર જીવનને પવિત્ર કરવા માટે છે.
જયારે આપણે આ પ્રકારના કર્મયોગનો અભ્યાસ કરીએ છીએ ત્યારે સાંસારિક કાર્યોને કોઈ હાનિ થતી નથી કારણ કે શરીર તો તેમાં જ વ્યસ્ત રહે છે. પરંતુ મન ભગવાનમાં અનુરક્ત હોવાનાં કારણે આ કર્મો વ્યક્તિને કર્મના નિયમોમાં બાંધતા નથી. કેવળ એ જ કર્મો કાર્મિક પ્રતિભાવોમાં પરિણમે છે, જે આસક્તિ સાથે કરવામાં આવ્યા હોય. આસક્તિ રહિત કર્મોને સાંસારિક કાયદો પણ સજાપાત્ર ગણતો નથી. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિએ અન્ય કોઈ વ્યક્તિને મારી નાખી અને તે વ્યક્તિને કોર્ટમાં લાવવામાં આવી. ન્યાયાધીશે તેને પૂછયું, “શું તમે પેલા માણસને મારી નાખ્યો છે?” તે માણસે ઉત્તર આપ્યો, “હા, માન્યવર, તે માટે કોઈ સાક્ષીની આવશ્યકતા નથી. હું સ્વીકાર કરું છું કે મેં તેને મારી નાખ્યો છે.” “તો તને દંડ આપવો જોઈએ.” “ના, આદરણીય મહોદય, તમે મને દંડ આપી શકો નહી.” “શા માટે?” “મારી તેને મારી નાખવાની કોઈ મનશા ન હતી. હું માર્ગની ઉચિત બાજુએ નિર્ધારિત ગતિની મર્યાદામાં રહીને, મારી આંખોને આગળની દિશામાં એકાગ્ર કરીને મોટર હંકારી રહ્યો હતો. મારી બ્રેક, સ્ટીયરીંગ આ બધું બરાબર હતું. તે માણસ અચાનક મારી મોટરની આગળ દોડી આવ્યો. તેમાં હું શું કરું?” જો તેનો વકીલ એ સાબિત કરી દે કે આ દુર્ઘટનામાં તેનો ઈરાદો મારી નાખવાનો ન હતો તો ન્યાયાધીશ નાની સરખી પણ સજા કર્યા વિના તેને આરોપમાંથી મુક્ત કરી દેશે.
ઉપરોક્ત ઉદારહરણ પરથી સમજી શકાય છે કે સંસારમાં પણ જે કાર્ય આપણે આસક્તિ વિના સંપન્ન કર્યું હોય છે, તે માટે આપણે દંડને પાત્ર હોતા નથી. આ જ સિદ્ધાંત કર્મના નિયમને પણ લાગુ પડે છે. તેથી જ, મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રીકૃષ્ણના ઉપદેશનું અનુસરણ કરીને અર્જુને યુદ્ધભૂમિ પર પોતાના કર્તવ્યનું પાલન કર્યું. યુદ્ધના અંતે, શ્રીકૃષ્ણે નોંધ્યું કે અર્જુને કોઈ દુષ્કૃત્ય સંચિત કર્યું નથી. જો તેણે સાંસારિક સુખો અથવા પ્રસિદ્ધિ માટે આસક્તિ સહિત યુદ્ધ કર્યું હોત તો તે કર્મોના બંધનમાં ફસાઈ જાત. પરંતુ, તેનું મન શ્રીકૃષ્ણ પ્રત્યે અનુરક્ત હતું, તેણે સંસારમાં રહીને તેના કર્તવ્યનું પાલન કોઈપણ સ્વાર્થયુકત આસક્તિ રહિત કર્યું. પરિણામે, તેણે જે કંઈ કર્યું તે શૂન્ય સાથેનો ગુણાકાર જ હતો. જો તમે દસ લાખનો ગુણાકાર શૂન્ય સાથે કરો તો ઉત્તર તો શૂન્ય જ રહેશે.
આ શ્લોકમાં કર્મયોગ માટેની શરતની અતિ સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે: મન નિરંતર ભગવાનના ચિંતનમાં પરાયણ હોવું આવશ્યક છે. જે ક્ષણે મન ભગવાનનું વિસ્મરણ કરી દે છે, તે જ ક્ષણે તે માયાના બળવાન સેનાપતિઓ—કામ,ક્રોધ,લોભ,ઈર્ષ્યા, ઘૃણા, વગેરે—ના આક્રમણથી ઘેરાઈ જાય છે. તેથી, સદૈવ તેને ભગવાન પ્રત્યે અનુરક્ત રાખવું અતિ અગત્યનું છે. ઘણીવાર લોકો પોતે કર્મયોગી હોવાનો દાવો કરે છે કારણ કે, તેઓ કહે છે કે તેઓ બંનેનું—કર્મ અને યોગ—નું પાલન કરે છે. દિવસનો અધિકાંશ સમય તેઓ કર્મ કરે છે અને થોડી ક્ષણો માટે યોગ (ભગવાનનું ધ્યાન) કરે છે. પરંતુ આ શ્રીકૃષ્ણએ આપેલી કર્મયોગની વ્યાખ્યા નથી. તેઓ કહે છે કે, ૧. કર્મ કરતા સમયે પણ મન ભગવદ્-ચિંતનમાં તલ્લીન હોવું જોઈએ અને ૨. ભગવાનનું સ્મરણ સમયાંતરે (થોડા થોડા સમયના વિરામ સાથે) નહિ પરંતુ સમગ્ર દિવસ દરમિયાન નિરંતર થવું જોઈએ.
સંત કબીર આ વિષયને એક પ્રખ્યાત દોહામાં અભિવ્યક્ત કરે છે:
સુમિરન કી સુધિ યોં કરો, જ્યૌં ગાગર પનિહાર
બોલત ડોલત સુરતી મેં, કહે કબીર બિચાર
“જે પ્રકારે પનિહારીઓ તેમનાં માથા પર રાખેલા પાણીના ઘડાનું સ્મરણ કરે છે, તે પ્રકારે ભગવાનનું સ્મરણ કરો. તેઓ અન્ય સહેલીઓ સાથે વાતો કરતી જાય છે, માર્ગ પર ચાલતી જાય છે પરંતુ તેનું મન ઘડામાં જ હોય છે.” શ્રીકૃષ્ણ આગામી શ્લોકમાં કર્મયોગના પરિણામ અંગે સ્પષ્ટતા કરે છે.