તપામ્યહમહં વર્ષં નિગૃહ્ણામ્યુત્સૃજામિ ચ ।
અમૃતં ચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમર્જુન ॥ ૧૯॥
તપામિ—ગરમી આપું છે; અહમ્—હું; અહમ્—હું; વર્ષમ્—વર્ષા; નિગૃહણામિ—રોકી રાખું છું; ઉત્સૃજામિ—મોકલું છું; ચ—અને; અમૃતમ્—અમરત્વ; ચ—અને; એવ—પણ; મૃત્યુ:—મૃત્યુ; ચ—અને; સત્—શાશ્વત; અસત્—નશ્વર પદાર્થ; ચ—અને; અહમ્—હું; અર્જુન—અર્જુન.
Translation
BG 9.19: હું જ સૂર્ય તરીકે ઉષ્ણતા પ્રદાન કરું છે અને હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું પણ છું. હું જ અમરત્વ છું અને હું સાક્ષાત મૃત્યુ પણ છું. હે અર્જુન, હું ચેતન આત્મા છું અને જડ પદાર્થ પણ છું.
Commentary
પુરાણોમાં વર્ણન છે કે જયારે ભગવાને પ્રથમ બ્રહ્માંડનું સર્જન કર્યું ત્યારે તેમણે સૌ પ્રથમ બ્રહ્માને પ્રગટ કર્યા અને તેમને આગળ સૃષ્ટિની રચના કરવાનું ઉત્તરદાયિત્વ સોંપ્યું. બ્રહ્મા સૂક્ષ્મ પ્રાકૃત શક્તિથી બ્રહ્માંડમાં પદાર્થો અને વિભિન્ન યોનિઓની રચના કરવાના કાર્યથી કિન્કર્તવ્યવિમૂઢ થઈ ગયા. પશ્ચાત્ ભગવાને તેમની સમક્ષ જ્ઞાન પ્રગટ કર્યું, જેને ચતુશ્લોકી ભાગવત (ચાર શ્લોકી ભાગવતમ્) તરીકે ઓળખવામાં આવે છે, જેના આધારે બ્રહ્માએ સમગ્ર બ્રહ્માંડની રચના કરવાનું કાર્ય આરંભ કર્યું. તેના પ્રથમ શ્લોકમાં અતિ પ્રભાવશાળી પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે:
અહમેવાસમેવાગ્રે નાન્યદ્ યત્ સદસત્ પરમ્
પશ્ચાદહં યદેતચ્ચ યોઽવશિષ્યેત સોઽસ્મ્યહમ્ (ભાગવતમ્ ૨.૯.૩૨)
શ્રીકૃષ્ણ બ્રહ્માને કહે છે: “હું સર્વ કંઈ છું. સર્જનની પૂર્વે એકમાત્ર હું અસ્તિત્વમાં હતો. હવે સર્જન થઈ ચૂકયું છે ત્યારે તે પ્રગટ સંસારના સ્વરૂપમાં જે કંઈ છે તે મારું જ સ્વરૂપ છે. પ્રલય પશ્ચાત્ એકમાત્ર હું જ રહીશ. મારા અતિરિક્ત અન્ય કંઈ નથી.”
ઉપરોક્ત સત્ય સૂચવે છે કે જે પદાર્થ દ્વારા આપણે આરાધના કરીએ છીએ, તે પણ ભગવાન જ છે. જ્યારે લોકો પવિત્ર ગંગાનું પૂજન કરે છે ત્યારે તેઓ શરીરનો નિમ્ન ભાગ ગંગામાં જ ઉતારીને બોળે છે. પશ્ચાત્ત તેઓ બંને હથેળીઓથી જળ લઈને ગંગામાં અર્ઘ્ય અર્પે છે. આ પ્રમાણે તેઓ ગંગાની પૂજા કરવા ગંગાનું જ જળ ઉપયોગમાં લે છે. એ જ પ્રમાણે, અસ્તિત્વમાં રહેલું સર્વ ભગવાન જ છે, તેથી જે પદાર્થો આપણે તેમની આરાધના માટે ઉપયોગમાં લઈએ છીએ, તે પણ તેમનાથી અભિન્ન જ છે. આમ, અગાઉના શ્લોક ૧૬ અને ૧૭માં વર્ણવાયા પ્રમાણે, શ્રીકૃષ્ણ વ્યક્ત કરે છે કે તેઓ વેદો, યજ્ઞની અગ્નિ, પવિત્ર “ઓમ”કાર, ઘી અને આહુતિ છે. આપણી ભક્તિનું જે પણ સ્વરૂપ હોય અને જે ભાવ હોય, એવું કંઈ જ નથી કે જે ભગવાનથી ભિન્ન હોય અને આપણે તેમને સમર્પિત કરી શકીએ. તેમ છતાં, પ્રેમનો ભાવ ભગવાનને પ્રસન્ન કરે છે, સમર્પિત પદાર્થ નહીં.