મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી માં નમસ્કુરુ ।
મામેવૈષ્યસિ યુક્ત્વૈવમાત્માનં મત્પરાયણઃ ॥ ૩૪॥
મત્-મના—સદૈવ મારું ચિંતન કરનાર; ભવ—થા; મત્—મારો; ભક્ત:—ભક્ત; મત્—મારો; યાજી—ઉપાસક; મામ્—મને; નમસ્કુરુ—નમસ્કાર કર; મામ્—મને; એવ—નિશ્ચિત; એષ્યસિ—તું આવીશ; યુક્ત્વા—તલ્લીન થઈને; એવમ્—એ રીતે; આત્માનમ્—તારા મન તેમજ શરીર; મત્-પરાયણ:—મારી ભક્તિમાં અનુરક્ત.
Translation
BG 9.34: સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી આરાધના કર તેમજ મને પ્રણામ કર. તારા મન તેમજ શરીરને મને સમર્પિત કરીને, તું મારી પાસે આવીશ.
Commentary
સમગ્ર અધ્યાયમાં ભક્તિ માર્ગ ઉપર ભાર મૂકીને, શ્રીકૃષ્ણ હવે અર્જુનને પોતાનો ભક્ત બનવાની વિનંતી કરીને સમાપન કરે છે. તેઓ અર્જુનને તેમની ભક્તિ કરીને, મનને તેમના દિવ્ય સ્વરૂપમાં ધ્યાનસ્થ કરીને તેમજ પૂર્ણ નમ્રતા સાથે પ્રણામ કરીને તેની ચેતનાને ભગવાન સાથે વાસ્તવિક યોગમાં એક કરવા માટે કહે છે.
નમસ્કુરુ (નમ્ર પ્રણામ) ભક્તિની સાધના દરમિયાન ઉદ્દભવેલા અહંકારના અવશેષો અસરકારક રીતે નિષ્પ્રભાવી કરે છે. આ પ્રમાણે, અહંકારથી મુક્ત, ભક્તિથી પરિપ્લુત હૃદય સાથે મનુષ્યે તેના સર્વ વિચારો અને કર્મોને ભગવાનને સમર્પિત કરી દેવા જોઈએ. શ્રીકૃષ્ણ અર્જુનને એ વિશ્વાસ અપાવે છે કે, ભક્તિ દ્વારા તેમની સાથેના આ પ્રકારના પૂર્ણ સંસર્ગનાં પરિણામ સ્વરૂપ નિશ્ચિતપણે ભગવદ્-અનુભૂતિની પ્રાપ્તિ થાય છે, એમાં કોઈ સંદેહ નથી.