અપિ ચેત્સુદુરાચારો ભજતે મામનન્યભાક્ ।
સાધુરેવ સ મન્તવ્યઃ સમ્યગ્વ્યવસિતો હિ સઃ ॥ ૩૦॥
અપિ—પણ; ચેત્—જો; સુ-દુરાચાર:—અત્યંત ઘૃણિત કર્મ કરનાર; ભજતે—ભજે છે; મામ્—મને; અનન્ય-ભાક્—અનન્ય ભક્તિ; સાધુ:—સાધુ પુરુષ; એવ—નિશ્ચિત; સ:—તે મનુષ્ય; મન્તવ્ય:—ધ્યાનમાં લેવામાં આવે છે; સમ્યક્—ઉચિત રીતે; વ્યવસિત:—કૃતનિશ્ચયી; સ:—તે મનુષ્ય.
Translation
BG 9.30: અતિ ઘૃણાસ્પદ કર્મ કરનાર અધમ પણ જો અનન્યભાવે મારી ભક્તિ કરે છે તો તેને સાધુ માનવો જોઈએ, કારણ કે તે ઉચિત નિશ્ચયમાં સ્થિત હોય છે.
Commentary
પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની ભક્તિ એટલી સમર્થ છે કે, તે અધમ પાપીને પણ શુદ્ધ કરી દે છે. શાસ્ત્રોમાં વર્ણિત સંબંધિત શ્રેષ્ઠ ઉદાહરણો અજામિલ અને વાલ્મિકી છે, જેમની કથાનું ગાન ભારતની સર્વ ભાષાઓમાં સમાન રીતે થયું છે. વાલ્મિકીના પૂર્વ સંચિત પાપનું પ્રમાણ એટલું અતિશય હતું કે તે ભગવાન શ્રીરામના નામનાં બે અક્ષર “રા..મ..” નું ઉચ્ચારણ કરવા માટે પણ સમર્થ ન હતો. તેનાં પાપ તેને દિવ્ય નામ લેતા અટકાવતા હતા. તેથી તેના ગુરુએ તેને ભક્તિમાં પરાયણ કરવા ઉલટું ઉચ્ચારણ “મ..રા..” નું રટણ કરવાનો માર્ગ દર્શાવ્યો, જેનો ઉદ્દેશ્ય એ હતો કે નિરંતર “મરા...મરા...મરા..”નું પુનરાવર્તન સ્વત: “રામ...રામ..રામ..”નાં ધ્વનિનું સર્જન કરશે. પરિણામ સ્વરૂપ, વાલ્મિકી જેવા પાપાત્માનું અનન્ય ભક્તિની પ્રક્રિયા દ્વારા શુદ્ધિકરણ થઈ ગયું અને એક મહાન સંત તરીકે પરિવર્તન થઈ ગયું.
ઉલટા નામુ જપત જગુ જાના, બાલ્મીકિ ભએ બ્રહ્મ સમાના. (રામાયણ)
“સમગ્ર વિશ્વ એ સત્યનું સાક્ષી છે કે, ભગવાનનાં નામનાં અક્ષરોને ઉલટા ક્રમમાં જપીને પાપી વાલ્મિકીએ સંતત્ત્વ પ્રાપ્ત કર્યું.” તેથી, પાપીઓની નિત્યપણે અધોગતિ નથી. ભક્તિની પરિવર્તન ક્ષમતાના સામર્થ્યને આધારે શ્રીકૃષ્ણ ઘોષણા કરે છે કે જો અધમમાં અધમ પાપી પણ ભગવાનની અનન્ય ભક્તિ કરવાનું આરંભે છે, તો પશ્ચાત્ તેમને પાપી ગણવામાં આવતા નથી. તેમણે શુદ્ધ દૃઢ સંકલ્પ કર્યો હોય છે અને તેમની ઉન્નત આધ્યાત્મિક અભિલાષાને કારણે તેઓને ધાર્મિક ગણવામાં આવે છે.