અનન્યાશ્ચિન્તયન્તો માં યે જનાઃ પર્યુપાસતે ।
તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્ ॥ ૨૨॥
અનન્યા:—અનન્ય ભાવ; ચિન્તયન્ત:—ચિંતન કરતા; મામ્—મારું; યે—જે; જના:—મનુષ્યો; પર્યુપાસતે—અનન્ય રીતે ભજે છે; તેષામ્—તેમનું; નિત્ય અભિયુક્તાનામ્—જેઓ સદૈવ લીન રહે છે; યોગ—આધ્યાત્મિક સંપદાનું પ્રદાન; ક્ષેમમ્—આધ્યાત્મિક સંપદાનું રક્ષણ; વહામિ—વહન કરું છે; અહમ્—હું.
Translation
BG 9.22: જેઓ સદૈવ મારું ચિંતન કરે છે અને મારી અનન્ય ભક્તિમાં લીન રહે છે, જેમનું મન સદા મારામાં સ્થિર રહે છે, હું તેમની આવશ્યકતાઓની પૂર્તિ કરું છે તેમજ તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું.
Commentary
એક માતા તેના પર પૂર્ણ આશ્રિત નવજાત શિશુને કદાપિ એકલું છોડી દેવાની કલ્પના પણ કરતી નથી. આત્માની પરમ અને સનાતન માતા ભગવાન છે. આ શ્લોકમાં, ભગવાન જે જીવાત્માઓ તેમની અનન્ય ભક્તિ કરે છે, તેમને માતૃતુલ્ય હૈયાધારણ આપે છે. અહીં વહામિ અહમ્ શબ્દનો ઉપયોગ થયો છે, અર્થાત્ “હું સ્વયં મારા ભક્તોના નિર્વાહના ઉત્તરદાયિત્વનું વહન કરું છું”, જે પ્રમાણે, માયિક પુરુષ તેની પત્ની અને સંતાનોનું ભરણ-પોષણ કરે છે. ભગવાન બે વચન આપે છે. પ્રથમ યોગ છે—તેઓ તેમના ભક્તોને એ આધ્યાત્મિક સંપદા પ્રદાન કરે છે, જે તેઓ ધરાવતા નથી. બીજું ક્ષેમ છે—તેઓ તેમના ભક્તોની તે આધ્યાત્મિક સંપદા, જે તેઓ પાસે પહેલાંથી છે, તેનું રક્ષણ કરે છે.
જો કે, આ માટે તેમણે અનન્ય શરણાગતિની શરત રાખી છે. આ વિષય પણ માતા અને સંતાનનાં ઉદાહરણ દ્વારા સમજી શકાશે. નવજાત શિશુ પૂર્ણપણે તેની માતા પર આશ્રિત હોય છે, જે તે શિશુના પાલનની સંપૂર્ણ કાળજી રાખે છે. શિશુ તો જયારે તેને કોઈપણ આવશ્યકતા પડે એટલે રડવાનું શરુ કરી દે છે; માતા તેને સાફ કરે છે, સ્તનપાન કરાવે છે, સ્નાન કરાવે છે ઈત્યાદિ. પરંતુ જયારે શિશુ પાંચ વર્ષનું થાય છે ત્યારે તે કેટલાક કાર્યો આપમેળે કરવા લાગે છે. હવે કેટલીક સીમા સુધી માતાનું દાયિત્વ ઘટતું જાય છે. જયારે આ જ સંતાન યુવાન બની જાય છે અને સમગ્ર જવાબદારીનું વહન કરવા લાગે છે, ત્યારે માતા તેનાં દાયિત્વનો લગભગ ત્યાગ કરી દે છે. હવે જયારે પિતા ઘરે આવીને પૂછે કે, “આપણો પુત્ર ક્યાં છે?” તો માતા ઉત્તર આપે છે કે, “તે શાળાએથી પાછો આવ્યો નથી. તે ચોક્કસ તેના મિત્રો સાથે ચલચિત્ર જોવા ગયો હશે.” હવે માતાનો અભિગમ પુત્ર માટે અધિક તટસ્થ થવા લાગે છે. પરંતુ આ જ પુત્ર પાંચ વર્ષનો હતો અને શાળાએથી પાછા ફરતાં દસ મિનીટનો પણ વિલંભ થતો ત્યારે માતા-પિતા બંને ચિંતા કરવા લાગતા, “શું થયું હશે? તે તો સાવ નાનું બાળક છે. આશા રાખીએ કે તેને કોઈ અકસ્માત ન થયો હોય. ચાલો આપણે શાળામાં ફોન કરીને તપાસ કરીએ.”
આ પ્રમાણે, જેમ-જેમ બાળક તેના ઉત્તરદાયિત્વને અધિક સમજવા લાગે છે તેમ-તેમ માતા તેનું દાયિત્વ ઘટાડતી જાય છે. ભગવાનનો નિયમ પણ બિલકુલ સમાન છે. જયારે આપણે આપણી સ્વતંત્ર ઈચ્છાથી કાર્ય કરીએ છીએ, પોતાના કર્મો માટે સ્વયંને કર્તા માનીએ છીએ તથા પોતાના કૌશલ્ય અને પાત્રતા પર આધાર રાખીએ છીએ, ત્યારે ભગવાન તેમની કૃપા વરસાવતા નથી. તેઓ કેવળ આપણા કર્મોની નોંધ કરે છે અને તેનું ફળ પ્રદાન કરે છે. જયારે આપણે આંશિક રીતે તેમને શરણાગત થઈએ છીએ અને આંશિક રીતે માયિક આધાર રાખીએ છીએ, ત્યારે ભગવાન પણ આપણા પર આંશિક રીતે કૃપા વરસાવે છે. જયારે આપણે અનન્યભાવે પોતાની જાતને તેમને સમર્પિત કરી દઈએ છીએ, મામેકમ્ શરણમ્ વ્રજ, ત્યારે ભગવાન તેમની પૂર્ણ કૃપા વરસાવે છે અને આપણી પાસે જે છે, તેની રક્ષા કરીને તેમજ જેનો અભાવ છે, તે પ્રદાન કરીને સર્વ ઉત્તરદાયિત્વનું વહન કરે છે.