ગતિર્ભર્તા પ્રભુઃ સાક્ષી નિવાસઃ શરણં સુહૃત્ ।
પ્રભવઃ પ્રલયઃ સ્થાનં નિધાનં બીજમવ્યયમ્ ॥ ૧૮॥
ગતિ:—પરમ લક્ષ્ય; ભર્તા—પાલક; પ્રભુ:—ભગવાન; સાક્ષી—સાક્ષી; નિવાસ:—ધામ; શરણમ્—શરણ; સુ-હૃત—મિત્ર; પ્રભવ:—ઉદ્દગમ; પ્રલય:—વિનાશ; સ્થાનમ્—સ્થાન; નિધાનમ્—વિશ્રામ સ્થાન; બીજમ્—બીજ; અવ્યયમ્—અવિનાશી.
Translation
BG 9.18: હું સર્વ પ્રાણીઓનું પરમ લક્ષ્ય છું અને હું તેમનો નિર્વાહક, સ્વામી, સાક્ષી, ધામ, આશ્રય અને મિત્ર પણ છું. હું આદિ, અંત અને સૃષ્ટિનું વિશ્રામ સ્થાન છું; હું અવિનાશી બીજ અને ભંડાર છું.
Commentary
આત્મા ભગવાનનો અતિસૂક્ષ્મ અંશ હોવાના કારણે તેના પ્રત્યેક સંબંધ ભગવાન સાથે છે. પરંતુ, શારીરિક ચેતનાને કારણે આપણે આપણા શરીરના સંબંધીઓને આપણા પિતા, માતા, પ્રિયજન, સંતાન અને મિત્ર માની લઈએ છીએ. આપણે તેમના પ્રત્યે આસક્ત થઈ જઈએ છીએ અને વારંવાર તેમનું માનસિક ચિંતન કરતા રહીએ છીએ, પરિણામે માયિક ભ્રમમાં અધિક અને અધિક બંધાતા જઈએ છીએ. પરંતુ આ સંસારી સગાં-સંબંધીઓમાંથી કોઈપણ આપણને પૂર્ણ પ્રેમ પ્રદાન કરી શકતા નથી, જેના માટે આપણો આત્મા તરસતો હોય છે. આમ થવાના બે કારણ છે. પ્રથમ, આ સંબંધો અલ્પકાલીન છે અને વિયોગ અનિવાર્ય છે કારણ કે કાં તો તેમણે અથવા આપણે આ સંસારમાંથી વિદાય તો લેવી જ પડે છે. બીજું, જ્યાં સુધી તેઓ જીવિત છે, આસક્તિ સ્વાર્થ પર આધારિત રહે છે, પરિણામે, સ્વાર્થ-સિદ્ધિની સંતુષ્ટિના પ્રત્યક્ષ પ્રમાણને આધારે તેમાં વધ-ઘટ થતી રહે છે. આમ, સંસારી પ્રેમની સીમા અને તીવ્રતા દિવસ દરમિયાન પ્રતિક્ષણ પરિવર્તિત થતી રહે છે. “મારી પત્ની અતિ સારી છે...તે એટલી સારી નથી...તે ઠીક છે...તે ભયંકર છે.” આ હદે સંસારી નાટકના પ્રેમમાં પરિવર્તન થતું રહે છે. બીજી બાજુ, ભગવાન એવા સંબંધી છે, જેઓ જીવનપર્યંત અને મૃત્યુ પશ્ચાત્ પણ આપણને સાથ આપે છે. પ્રત્યેક જન્મમાં આપણે જે યોનિઓમાં ગયાં, ભગવાને આપણને સાથ આપ્યો અને આપણા હૃદયમાં સ્થિત રહ્યા. તેઓ આ રીતે આપણા શાશ્વત સંબંધી છે. આ ઉપરાંત, તેમને આપણામાં કોઈ સ્વાર્થ હોતો નથી; તેઓ સ્વયં સિદ્ધ અને પૂર્ણ છે. તેઓ આપણને નિષ્કામ-નિ:સ્વાર્થ પ્રેમ કરે છે કારણ કે તેઓ કેવળ આપણું શાશ્વત કલ્યાણ ઈચ્છે છે. આ પ્રમાણે, એકમાત્ર ભગવાન આપણા વાસ્તવિક સંબંધી છે, જેઓ શાશ્વત અને સ્વાર્થરહિત બંને છે.
અન્ય પરિપ્રેક્ષ્યથી આ વિભાવનાને સમજવા સમુદ્ર અને તેમાં ઉદ્ભવતા તરંગોની ઉપમા લઈ શકાય. સમુદ્રની બે નિકટવર્તી લહેરો થોડા સમય માટે સાથે-સાથે વહે છે અને એકબીજા સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાનો આભાસ ઉત્પન્ન કરતી એકબીજા સાથે મસ્તી કરતી હોય છે. પરંતુ થોડા અંતરની યાત્રા પશ્ચાત્ એક લહેર સમુદ્રમાં વિલીન થઈ જાય છે અને ખૂબ અલ્પ સમયમાં બીજી લહેર પણ વિલીન થઈ જાય છે. શું તેમની વચ્ચે કોઈ સંબંધ હતો? ના, તે બંને સમુદ્રમાંથી જન્મી હતી અને તેમનો સંબંધ સમુદ્ર સાથે જ હતો. એ જ પ્રમાણે, ભગવાન સમુદ્ર સમાન છે અને આપણે લહેરો સમાન છીએ, જે ભગવાનમાંથી પ્રગટ થઈએ છીએ. આપણે શારીરિક સંબંધોમાં આસકિત પેદા કરીએ છીએ, કેવળ મૃત્યુ પશ્ચાત્ તેમનો ત્યાગ કરવા અને પશ્ચાત્ અન્ય જન્મની એકાકી યાત્રા માટે. સત્ય એ છે કે આત્માને પરસ્પર કોઈ સંબંધ નથી પરંતુ ભગવાન સાથે છે, જેમાંનામાંથી આ આત્માઓ પ્રગટ થાય છે.
આ શ્લોકમાં, શ્રીકૃષ્ણ આપણને શારીરિક ચેતના અને તેની સાથે જોડાયેલા સંબંધીઓ પ્રત્યેની આસક્તિથી ઉપર ઉઠાવે છે. આત્માના મંચ ઉપર એકમાત્ર ભગવાન જ આપણા સંબંધી છે; તેઓ આપણા પિતા, માતા, ભગિની, ભર્તા, પ્રિયજન અને મિત્ર છે. આ વિષય અંગે સર્વ વૈદિક ગ્રંથોમાં પુનરુક્તિ કરવામાં આવી છે:
દિવ્યો દેવ એકો નારાયણો માતા પિતા ભ્રાતા સુહૃત્ ગતિઃ
નિવાસઃ શરણં સુહૃત્ ગતિર્નારાયણ ઇતિ (સુબાલ શ્રુતિ, મંત્ર ૬)
“ભગવાન નારાયણ એકમાત્ર માતા, પિતા, પ્રિયજન અને આત્માનું લક્ષ્ય છે.”
મોરે સબઈ એક તુમ્હ સ્વામી, દીનબંધુ ઉર અન્તરજામી. (રામાયણ)
“હે શ્રીરામ! એકમાત્ર તમે જ મારા સ્વામી, દીનબંધુ અને અંતર્યામી છો.”
ભગવાન સાથેના સંબંધની મહત્તા જાણીને આપણે એકમાત્ર તેમની સાથે મનથી અનુરાગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. પશ્ચાત્, જયારે મન શુદ્ધ થઈ જશે ત્યારે આપણે મામેકમ્ શરણમ્ વ્રજ અથવા તો પૂર્ણ શરણાગતિની શરતપૂર્તિ કરવા સક્ષમ બની શકીશું, જે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આવશ્યક છે. આ અનન્યતા સાધવા માટે આપણે મનની પ્રવર્તમાન સર્વ આસક્તિનો ત્યાગ કરીને તેને ભગવાન પ્રત્યે અનુરક્ત કરવું જોઈએ. તેથી રામાયણ વર્ણવે છે:
સબ કૈ મમતા તાગ બટોરી, મમ પદ મનહિ બાઁધ બરિ ડોરી.
“તમારા મનની સંસારી આસક્તિઓની સર્વ દોરીઓ કાપીને, આ દોરીઓનું દોરડું બનાવીને, તેને ભગવાનના ચરણ-કમળ સાથે બાંધી દો.” ભગવાન સાથે આપણા મનને બાંધવાની સહાયતાર્થ શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે કે આત્માનો પ્રત્યેક સંબંધ એકમાત્ર ભગવાન સાથે જ છે.