ન ચ મત્સ્થાનિ ભૂતાનિ પશ્ય મે યોગમૈશ્વરમ્ ।
ભૂતભૃન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂતભાવનઃ ॥ ૫॥
ન—કદી નહીં; ચ—અને; મત્-સ્થાનિ—મારામાં સ્થિત; ભૂતાનિ—સર્વ જીવો; પશ્ય—જો; મે—મારું; યોગમ્ ઐશ્વર્યમ્—દિવ્ય શક્તિ; ભૂત-ભૃત્—સર્વ જીવોના પાલક; ન—કદી નહીં; ચ—વળી; ભૂત-સ્થ:—માં રહે છે; મમ—મારાં; આત્મા—સ્વ; ભૂત-ભાવન:—સર્વ સર્જનના સ્ત્રોત.
Translation
BG 9.5: અને છતાં, જીવો મારામાં નિવાસ કરતા નથી. મારી દિવ્ય શક્તિનું રહસ્ય જો! યદ્યપિ હું સર્વ પ્રાણીઓનો સર્જનહાર અને પાલક છું તથાપિ હું તેમનાથી કે માયિક પ્રકૃતિથી પ્રભાવિત થતો નથી.
Commentary
અગાઉના શ્લોકના ભાષ્યમાં ઉલ્લેખિત બે શક્તિઓ—માયા શક્તિ અને જીવ શક્તિ—થી પરે ભગવાનની ત્રીજી શક્તિ છે. તેને યોગમાયા શક્તિ કહે છે, જેને તેઓ આ શ્લોકમાં દિવ્ય શક્તિ તરીકે સંબોધે છે. યોગમાયા એ ભગવાનની સર્વાધિક પ્રબળ શક્તિ છે. તેને કર્તુમ્-અકર્તુમ્-સમર્થ: અર્થાત્ “તે જે અશક્યને શક્ય કરી શકે” કહેવામાં આવે છે તથા જે ભગવાનના સ્વરૂપોના અનેક અદ્ભુત કાર્યો કરવા માટે ઉત્તરદાયી છે. ઉદાહરણ તરીકે, ભગવાન આપણા હૃદયમાં બિરાજમાન છે અને છતાં આપણને તેનો બોધ નથી. આમ થવાનું કારણ તેમની યોગમાયા શક્તિ છે, જે આપણને ભગવાનથી અળગા રાખે છે.
એ જ પ્રમાણે, ભગવાન પણ સ્વયંને માયાના પ્રભાવથી વેગળા રાખે છે. ભાગવતમ્ માં વેદો ભગવાનની પ્રશંસા કરે છે:
વિલજ્જમાનયા યસ્ય સ્થાતુમીક્ષાપથેઽમુયા (૨.૫.૧૩)
“માયા ભગવાન સમક્ષ ઊભી રહેતા પણ લજ્જિત થઈ જાય છે.” એ આશ્ચર્યજનક નથી કે ભગવાન માયા, પ્રાકૃત શક્તિમાં વ્યાપ્ત હોવા છતાં તેનાથી અલગ છે? પુન: આ પણ તેમની યોગમાયાની રહસ્યમય શક્તિઓ દ્વારા થાય છે.
જો સંસાર ભગવાનને પ્રભાવિત કરી શકતો હોત તો જયારે તેનું વિઘટન કે વિલય થાય, ત્યારે ભગવાનની પ્રકૃતિ અને સ્વરૂપનું પણ પતન થાત. પરંતુ સંસારના સર્વ પરિવર્તનો છતાં ભગવાન તેમના સ્વરૂપમાં સ્થિત રહે છે. તદ્નુસાર વેદો ભગવાનને ‘દશાંગુલિ’ અર્થાત્ ‘દસ આંગળીઓ’નાં નામથી પણ ઓળખે છે. તેઓ આ સંસારમાં છે અને છતાં તેનાથી દસ આંગળીઓ ઉપર ઊંચા અસ્પર્શ્ય રહે છે.