અશ્રદ્દધાનાઃ પુરુષા ધર્મસ્યાસ્ય પરન્તપ ।
અપ્રાપ્ય માં નિવર્તન્તે મૃત્યુસંસારવર્ત્મનિ ॥ ૩॥
અશ્રદ્ધાના:—શ્રદ્ધાવિહિન લોકો; પુરૂષા:—(આવા) મનુષ્યો; ધર્મસ્ય—ધર્મની; અસ્ય—આ; પરન્તપ—અર્જુન, શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર; અપ્રાપ્ય—પ્રાપ્ત કાર્ય વિના; મામ્—મને; નિવર્તન્તે—પાછા આવે છે; મૃત્યુ—મૃત્યુ; સંસાર—ભૌતિક અસ્તિત્વ; વર્ત્મનિ—માર્ગ.
Translation
BG 9.3: હે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર, જે મનુષ્યો આ ધર્મમાં શ્રદ્ધા ધરાવતા નથી, તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. તેઓ જન્મ અને મૃત્યુના ચક્રના માર્ગે આ સંસારમાં પુન: પુન: પાછા આવે છે.
Commentary
છેલ્લા બે શ્લોકોમાં શ્રીકૃષ્ણે જ્ઞાનનું વચન આપ્યું અને પશ્ચાત્ તેની પાત્રતા માટે આઠ પ્રમાણોનું વર્ણન કર્યું. અહીં તેનો ઉલ્લેખ “આ ધર્મ”, અથવા તો ભગવાનની પ્રેમ પૂર્ણ ભક્તિના માર્ગ તરીકે કરવામાં આવ્યો છે.
જ્ઞાન ચાહે જેટલું પણ અદ્ભુત હોય અને માર્ગ પણ ચાહે કેટલો પણ પ્રભાવી હોય, પરંતુ તે એ વ્યક્તિ માટે વ્યર્થ છે જે તેના પર ચાલવાનો ઇનકાર કરે છે. આગામી શ્લોકમાં વર્ણવ્યા પ્રમાણે, ભગવાનની પ્રત્યક્ષ અનુભૂતિ પછી થાય છે, પરંતુ આ પ્રક્રિયાના આરંભ માટે તો પૂર્ણ શ્રદ્ધા આવશ્યક છે. ભક્તિ રસામૃત સિંધુ વર્ણવે છે,
આદૌ શ્રદ્ધા તતઃ સાધુસઙ્ગોઽથ ભજનક્રિયા (૧.૪.૧૫)
“ભગવદ્-પ્રાપ્તિના પથ માટે પ્રથમ સોપાન છે, શ્રદ્ધા. પશ્ચાત્ વ્યક્તિ સત્સંગ (આધ્યાત્મિક કાર્યક્રમો)માં ભાગ લેવાનો આરંભ કરે છે, જે ભક્તિની અંગત સાધના તરફ દોરી જાય છે.”
પ્રાય: લોકો એમ કહે છે કે તેઓ કેવળ એમાં જ વિશ્વાસ ધરાવે છે કે જેની તેઓ પ્રત્યક્ષ અનુભૂતિ કરી શકતા હોય અને કારણ કે ભગવાનની તુરંત અનુભૂતિ થતી નથી, તેથી તેઓ ભગવાનમાં માનતા નથી. પરંતુ વાસ્તવમાં આપણે સંસારમાં પણ ઘણી બાબતોમાં તેની પ્રત્યક્ષ અનુભૂતિ વિના વિશ્વાસ કરતા હોઈએ છીએ. એક ન્યાયાધીશ ભૂતકાળમાં ઘણાં વર્ષો પૂર્વે ઘટેલી ઘટના સંબધિત પ્રકરણ અંગે નિર્ણય આપે છે. જો ન્યાયાધીશ, કેવળ પોતે પ્રત્યક્ષ રીતે અનુભવ કર્યો હોય તેવી અનુભવ-આધારિત વિચારધારાને અપનાવે તો સમગ્ર ન્યાય વ્યવસ્થા નિષ્ફળ થઈ જશે. એક પ્રધાનમંત્રી સમગ્ર રાષ્ટ્રમાંથી પ્રાપ્ત થતા અહેવાલોના આધારે રાષ્ટ્રનું સંચાલન કરે છે. તેના કાર્યક્ષેત્રમાં આવતા પ્રત્યેક ગ્રામ અને શહેરોની મુલાકાત લેવી અને તેમનું નિરીક્ષણ કરવું એ તેના માટે અશક્ય હોય છે. હવે જો તે શું થઈ રહ્યું છે, તે અંગેનો પ્રત્યક્ષ બોધ ન હોવાના કારણે આ અહેવાલો પર વિશ્વાસ ન કરે તો તે સમગ્ર રાષ્ટ્રનું સંચાલન કેવી રીતે કરી શકશે? આમ, સાંસારિક પ્રક્રિયાઓ માટે પણ પ્રત્યેક પગલે વિશ્વાસ આવશ્યક છે. બાઈબલમાં આ અંગે સુંદર વર્ણન છે: “આપણે દૃશ્યના આધારે નહીં, પરંતુ શ્રદ્ધાના આધારે ચાલીએ છીએ.” (૨ કોરીન્થીઅંસ ૫:૭)
ભગવાનની અનુભૂતિના સંદર્ભમાં એક ખૂબ સુંદર કથા છે: એકવાર એક રાજાએ એક સાધુનો એ કથન સાથે વિરોધ કર્યો કે “હું ભગવાનમાં માનતો નથી, કારણ કે હું તેમને જોઈ શકતો નથી.” સાધુએ રાજાના દરબારમાં એક ગાય લાવવા કહ્યું. રાજાએ તેની આજ્ઞાનું પાલન કર્યું અને તેના સેવકોને ગાય લઈ આવવા કહ્યું. પશ્ચાત્ સાધુએ તે ગાયને દોહવાનું કહ્યું. રાજાએ પુન: તેના સેવકોને સાધુની આજ્ઞા પ્રમાણે કરવાનું કહ્યું. સાધુએ પૂછયું, “હે રાજા! શું તમે માનો છો કે ગાયમાંથી દોહેલા આ તાજા દૂધમાં માખણ છે?” રાજાએ કહ્યું કે તેને પૂર્ણ વિશ્વાસ છે કે દૂધમાં માખણ છે. સાધુએ કહ્યું, “તમે દૂધમાં માખણ જોઈ શકતા નથી. તો શા માટે માનો છો કે તે છે? રાજાએ ઉત્તર આપ્યો કે “વર્તમાન સમયમાં આપણે તે જોઈ શકતા નથી કારણ કે માખણ દૂધમાં વ્યાપ્ત છે, પરંતુ તેને જોવા માટે એક ચોક્કસ પ્રક્રિયા છે. જો આપણે આ દૂધને દહીંમાં રૂપાંતરિત કરીએ અને પશ્ચાત્ એ દહીંને મથીએ તો તેમાંથી માખણ પ્રાપ્ત થશે.” સાધુએ કહ્યું, “જેમ દૂધમાં માખણ છે, તેમ ભગવાન પણ સર્વત્ર છે. જો આપણે શીઘ્ર તેમની અનુભૂતિ કરી શકીએ નહીં તો આપણે ભગવાન નથી, એ નિષ્કર્ષ તારવી લેવાની ઉતાવળ કરવી જોઈએ નહીં. તેમની અનુભૂતિ કરવાની એક ચોક્કસ પ્રક્રિયા છે; જો આપણે શ્રદ્ધા રાખીને તે પદ્ધતિનું અનુસરણ કરીશું તો આપણે ભગવાનની પ્રત્યક્ષ અનુભૂતિ કરી શકીશું અને ભગવદ્-પ્રાપ્ત થઈ જઈશું.”
ભગવાનમાં વિશ્વાસ એ કોઈ પ્રાકૃતિક પ્રક્રિયા નથી, જેનું મનુષ્ય તરીકે આપણે શીઘ્ર પાલન કરીએ. આપણે આપણી સ્વતંત્ર ઈચ્છા અંગે કવાયત કરવી પડશે અને ભગવાનમાં શ્રદ્ધા અંગે સક્રિય રીતે નિશ્ચય કરવો પડશે. કૌરવોની સભામાં જયારે દુ:શાસન દ્રૌપદીનું વસ્ત્રહરણ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે શ્રીકૃષ્ણે દ્રૌપદીની સાડીને નિરંતર લાંબી કરીને તેને લજ્જિત અને અપમાનિત થતા બચાવી હતી. ત્યાં ઉપસ્થિત સર્વ કૌરવોએ આ ચમત્કાર જોયો પરંતુ તેમણે શ્રીકૃષ્ણની સર્વ-સામર્થ્યતામાં શ્રદ્ધા કરવાનો ઇનકાર કર્યો. પરમ પુરુષોત્તમ ભગવાન આ શ્લોકમાં કહે છે કે, જે લોકો આધ્યાત્મિક માર્ગમાં શ્રદ્ધા ધરાવવાનું પસંદ કરતા નથી, તેઓ દિવ્ય જ્ઞાનથી વંચિત રહે છે અને જીવન-મરણના ચક્રમાં નિરંતર ફરતા રહે છે.