યાન્તિ દેવવ્રતા દેવાન્પિતૄન્યાન્તિ પિતૃવ્રતાઃ ।
ભૂતાનિ યાન્તિ ભૂતેજ્યા યાન્તિ મદ્યાજિનોઽપિ મામ્ ॥ ૨૫॥
યાન્તિ—જાય છે; દેવ-વ્રતા:—સ્વર્ગીય દેવોના ઉપાસકો; દેવાન્—સ્વર્ગીય દેવોમાંથી; પિતૃન્—પિતૃઓ; યાન્તિ—જાય છે; પિતૃ-વ્રતા:—પિતૃઓના ઉપાસકો; ભૂતાનિ—ભૂત-પ્રેત; યાન્તિ—જાય છે; ભૂતા-ઈજ્યા:—ભૂત-પ્રેતના ઉપાસકો; યાન્તિ—જાય છે; મત્—મારા; યાજિન:—ભક્તો; અપિ—અને; મામ્—મારી પાસે.
Translation
BG 9.25: સ્વર્ગીય દેવતાઓના ઉપાસકો દેવતાઓમાં જન્મ પામે છે, પિતૃઓના ઉપાસકો પિતૃઓ પાસે જાય છે, ભૂત-પ્રેતના ઉપાસકો તેવી પ્રેતયોનિમાં જન્મે છે અને મારા ભક્તો કેવળ મારી પાસે આવે છે.
Commentary
જે રીતે જળાશય સાથે જોડાયેલ પાઈપમાં પાણીનું સ્તર, જે જળાશય સાથે તે જોડી હોય છે, તે જળાશયના સ્તર જેટલું જ ચડી શકે છે. એ જ રીતે, ઉપાસકો જે તત્ત્વની ઉપાસના કરે છે, તે સ્તર સુધી તેમની ઉન્નતિ થઈ શકે છે. આ શ્લોકમાં, શ્રીકૃષ્ણ વિભિન્ન તત્ત્વોની આરાધનાથી પ્રાપ્ત થતાં ધામ અંગે વર્ણન કરે છે. તેઓ આપણને આ જ્ઞાન એ બોધ પ્રાપ્ત કરવાના સહાયતાર્થ આપી રહ્યા છે કે આધ્યાત્મિક ઉન્નતિના ઉચ્ચતમ સ્થાને પહોંચવા માટે આપણે સ્વયં ભગવાનની ભક્તિ કરવી જોઈએ.
ઇન્દ્ર (વર્ષાના દેવ), સૂર્ય (સૂર્યદેવ), કુબેર (સંપત્તિના દેવ), અગ્નિ (અગ્નિદેવ) વગેરેનાં ઉપાસકો સ્વર્ગલોકમાં જાય છે. પશ્ચાત્, તેમના પુણ્યકર્મોના હિસાબમાં ઘટાડો થાય છે ત્યારે તેમને સ્વર્ગમાંથી પાછા મોકલી દેવામાં આવે છે. પિતૃઓ આપણા પૂર્વજો છે. તેમના પ્રત્યે કૃતજ્ઞતા રાખવી એ ઘણું સારું છે, પરંતુ અનાવશ્યક રૂપે તેમના કલ્યાણની ચિંતા કરવી હાનિકારક છે. જેઓ પિતૃઓની ઉપાસના કરે છે, તેઓ મૃત્યુ પશ્ચાત્ તેમના પિતૃઓના લોકમાં જાય છે.
જે લોકો તમોગુણી છે, તેઓ ભૂત-પ્રેત-આત્માઓની ઉપાસના કરે છે. પાશ્ચાત્ય વિશ્વમાં, વિચક્રાફ્ટ છે; આફ્રિકામાં કાળો જાદુ છે; ભારતમાં વામ-માર્ગ તાંત્રિકો છે, જેઓ ભૂત-પ્રેતને જાગૃત કરે છે. શ્રીકૃષ્ણ કહે છે, જે મનુષ્યો આ પ્રકારના વિષયોમાં લિપ્ત રહે છે, તેઓ તેમના બીજા જન્મમાં ભૂત-પ્રેતોની યોનિમાં જન્મ લે છે.
ઉત્કૃષ્ટ ભક્તો એ છે કે, જેઓ તેમનું મન પરમ દિવ્ય સ્વરૂપમાં અનુરક્ત કરે છે. વ્રત શબ્દનો અર્થ છે, નિશ્ચય અને વચનબદ્ધતા. આવા સૌભાગ્યશાળી જીવાત્માઓ કે જે દૃઢપણે ભગવાનની ભક્તિનો સંકલ્પ કરે છે અને દૃઢતાથી તેમની ભક્તિમાં લિપ્ત રહે છે, તેઓ મૃત્યુ પશ્ચાત્ ભગવાનના દિવ્ય ધામમાં જાય છે.