સતતં કીર્તયન્તો માં યતન્તશ્ચ દૃઢવ્રતાઃ ।
નમસ્યન્તશ્ચ માં ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે ॥ ૧૪॥
સતતમ્—નિરંતર; કિર્તયન્ત:—દિવ્ય મહિમાનું કીર્તન; મામ્—મને; યતન્ત:—પ્રયાસ; ચ—અને; દૃઢ-વ્રતા:—દૃઢ નિશ્ચયપૂર્વક; નમસ્યન્ત:—વિનયપૂર્વક નમસ્કાર કરતા; ચ—અને; મામ્—મને; ભક્ત્યા—પ્રેમભક્તિ; નિત્ય-યુકતા:—સતત જોડાયેલા; ઉપાસતે—ભજે છે.
Translation
BG 9.14: મારા દિવ્ય મહિમાનું સદૈવ કીર્તન કરતાં, દૃઢ નિશ્ચયપૂર્વક પ્રયાસ કરતાં અને મને વિનયપૂર્વક નમીને, તેઓ સતત પ્રેમા ભક્તિથી મને ભજે છે.
Commentary
મહાપુરુષો તેમની ભક્તિમાં લીન રહે છે, એમ કહીને શ્રીકૃષ્ણ હવે એ સ્પષ્ટ કરે છે કે તેઓ કેવી રીતે ભક્તિ કરે છે. તેઓ કહે છે કે, ભક્તો તેમની ભક્તિની સાધના માટે અને તેને તીવ્ર બનાવવાના માધ્યમ તરીકે કીર્તન પ્રત્યે અનુરક્ત રહે છે. ભગવાનના મહિમાનું ગાન કરવાની ક્રિયાને કીર્તન કહે છે, જેને આ પ્રમાણે પરિભાષિત કરવામાં આવે છે:
નામલીલાગુણદીનામુચ્ચૈર્ભાષા તુ કીર્તનમ્ (ભક્તિ રસામૃત સિંધુ ૧.૨.૧૪૫)
“ભગવાનના નામો, રૂપો, ગુણો, લીલાઓ, ધામો અને પરિકરોની મહિમાનું ગાન કરવું એ કીર્તન છે.”
કીર્તન એ ભક્તિના અભ્યાસ માટેના અતિ સશક્ત માધ્યમોમાંથી એક છે. તેમાં ત્રણ પ્રકારની ભક્તિ જેવી કે, શ્રવણ (સાંભળવું), કીર્તન (ગાન કરવું) અને સ્મરણ (યાદ કરવું)નો સંયોગ થાય છે. ભગવાનમાં મનને સ્થિત કરવું એ ધ્યેય છે અને તે શ્રવણ તથા કીર્તન દ્વારા સુગમતાથી સાધી શકાય છે. છઠ્ઠા અધ્યાયમાં વર્ણન કર્યા પ્રમાણે, મન એ વાયુ સમાન ચંચળ છે અને સ્વાભાવિક રીતે એક વિચારમાંથી બીજા વિચારમાં ભટક્યા કરે છે. શ્રવણ અને કીર્તન જ્ઞાનેન્દ્રિયોને દિવ્ય ક્ષેત્રમાં અનુરક્ત કરે છે, જે ભટકતા મનને વારંવાર પાછું લાવવામાં સહાયભૂત થાય છે.
કીર્તનના અન્ય પણ ઘણા લાભ છે. ઘણીવાર જ્યારે લોકો જપ (મંત્ર અથવા ભગવાનના નામના રટણ) દ્વારા અથવા તો સદા ધ્યાન દ્વારા ભક્તિનો અભ્યાસ કરે છે, ત્યારે તેઓ નિદ્રામાં સરી પડતા હોય છે. પરંતુ, કીર્તન એ એક એવી સક્રિય પ્રક્રિયા છે કે જે નિદ્રાને દૂર ભગાડે છે. કીર્તનના સૂર વાતાવરણના ખલેલયુક્ત ઘોંઘાટને અવરોધે છે. કીર્તનનો અભ્યાસ સમૂહમાં પણ થઈ શકે છે, જેને કારણે અધિક સંખ્યામાં લોકો ભાગ લઈ શકે છે. આ ઉપરાંત, મન વૈવિધ્ય ઈચ્છે છે, જે કીર્તનના માધ્યમથી ભગવાનના નામો, રૂપો, ગુણો, લીલાઓ, ધામો વગેરે દ્વારા પ્રાપ્ત થઈ જાય છે. વળી, મધુર અને ઉચ્ચ સ્વરે કીર્તન કરવાથી ભગવાનના નામના દિવ્ય તરંગો સમગ્ર વાતાવરણને માંગલિક અને પવિત્ર બનાવી દે છે. આ સર્વ કારણોથી, ભારતીય ઈતિહાસના સંતોમાં કીર્તન એ ભક્તિનું સૌથી અધિક પ્રિય સ્વરૂપ રહ્યું છે. બધા પ્રચલિત ભક્તિ-સંતો—સૂરદાસ, તુલસીદાસ, મીરાંબાઈ, ગુરુનાનક, કબીર, તુકારામ, એકનાથ, નરસિંહ મહેતા, જયદેવ, ત્યાગરાજ અને અન્ય—મહાન કવિઓ હતા. તેમણે અનેક ભક્તિરસથી પૂર્ણ ગીતોની રચના કરી અને તેમના દ્વારા તેઓ કીર્તન, શ્રવણ અને સ્મરણમાં નિમગ્ન રહ્યા.
વૈદિક ગ્રંથો, પ્રવર્તમાન કળિયુગમાં વિશેષ કરીને કીર્તનની ભક્તિ માટે અતિ સરળ અને સૌથી સશક્ત પદ્ધતિ તરીકે અતિ પ્રશંસા કરે છે:
કૃતે યદ્ ધ્યાયતો વિષ્ણું ત્રેતાયાં યજતો મખૈઃ
દ્વાપરે પરિચર્યાયાં કલૌ તદ્ધરિકીર્તનાત્ (ભાગવતમ્ ૧૨.૩.૫૨)
“સત્યયુગમાં ભગવાનનું ધ્યાન ધરવું એ ભક્તિનું સૌથી ઉત્તમ સાધન હતું. ત્રેતાયુગમાં ભગવાનની પ્રસન્નતા માટે યજ્ઞો કરવામાં આવતા હતા. દ્વાપરયુગમાં મૂર્તિપૂજાની ભલામણ કરવામાં આવી હતી. વર્તમાન કળિયુગમાં કેવળ કીર્તન જ માધ્યમ છે.”
અવિકારી વા વિકારી વા સર્વ દોષૈક ભાજનઃ
પરમેષ પદં યાતિ રામ નામાનુકીર્તનાત્ (અધ્યાત્મ રામાયણ)
“ચાહે તમે કામનાઓથી યુક્ત હો કે તેનાથી મુક્ત હો, દોષોથી રહિત હો કે તેનાથી પૂર્ણ હો, જો તમે પ્રભુ શ્રીરામના નામ-સંકીર્તનમાં લીન થાઓ છો તો તમે પરમ ધામ પ્રાપ્ત કરો છો.”
સર્વ ધર્મ બહિર્ભૂતઃ સર્વ પાપરતસ્થથા
મુચ્યતે નાત્ર સંદેહો વિષ્ણોર્નામાનુકીર્તનાત્ (વૈશમ્પાયન સંહિતા)
“તેઓ કે જે ઘોર પાપી છે અને ધાર્મિકતાથી વંચિત છે, તેઓ પણ શ્રીવિષ્ણુના નામ-સંકીર્તનથી બચી જાય છે; એમાં કોઈ શંશય નથી.”
કલિજુગ કેવલ હરિ ગુન ગાહા, ગાવત નર પાવહિં ભવ થાહા (રામાયણ)
“આ કળિયુગમાં મુકિત માટે કેવળ એક જ સાધન છે. ભગવાનના મહિમાગાનનાં કીર્તનમાં મગ્ન થઈને મનુષ્ય આ સંસાર સાગરને પાર કરી શકે છે.”
આમ છતાં, વ્યક્તિએ એ વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે કીર્તનની પ્રક્રિયામાં શ્રવણ અને ગાયન સહાયક છે. ભગવાનનું સ્મરણ એ જ સાર છે. જો આપણે તેની જ ઉપેક્ષા કરીશું તો કીર્તન મનને શુદ્ધ કરી શકશે નહીં. તેથી, શ્રીકૃષ્ણ અહીં કહે છે કે, તેમના ભક્તો નિરંતર તેમનામાં મનને મગ્ન કરીને સતત તેમનું જ સ્મરણ કરીને કીર્તન કરે છે. તેઓ દૃઢ નિશ્ચયપૂર્વક મનને શુદ્ધ કરવા આ સાધન કરે છે.