રાજવિદ્યા રાજગુહ્યં પવિત્રમિદમુત્તમમ્ ।
પ્રત્યક્ષાવગમં ધર્મ્યં સુસુખં કર્તુમવ્યયમ્ ॥ ૨॥
રાજ-વિદ્યા—વિદ્યાઓનો રાજા; રાજ-ગુહ્યમ્—અત્યંત ગુહ્ય જ્ઞાન; પવિત્રમ્—પવિત્ર; ઈદમ્—આ; ઉત્તમમ્—ઉત્તમ; પ્રત્યક્ષ—પ્રત્યક્ષ; અવગમમ્—પ્રત્યક્ષ અનુભૂત; ધર્મ્યમ્—સદાચારી; સુ-સુખમ્—સરળ; કર્તુમ્—અભ્યાસ કરવો; અવ્યયમ્—અવિનાશી.
Translation
BG 9.2: આ જ્ઞાન વિદ્યાઓનો રાજા છે અને સર્વ રહસ્યોમાં સર્વાધિક ગહન છે. તેનું શ્રવણ કરનારને તે પવિત્ર કરે છે. તે પ્રત્યક્ષ અનુભૂત, ધર્મ સંમત, અભ્યાસ કરવામાં સરળ અને નિત્ય પ્રભાવી છે.
Commentary
રાજા અર્થાત્ અધિપતિ. શ્રીકૃષ્ણ આ રૂપકનો ઉપયોગ તેઓ જે જ્ઞાન પ્રગટ કરવા જઈ રહ્યા છે, તેના સર્વોપરી પદ પર ભાર મૂકવા માટે કરે છે.
વિદ્યા અર્થાત્ વિજ્ઞાન. તેઓ તેમના ઉપદેશોને પથ, ધર્મ, અંધવિશ્વાસ, સિદ્ધાંત કે માન્યતાઓના સંદર્ભમાં પ્રસ્તુત કરતા નથી. તેઓ ઘોષિત કરે છે કે તેઓ જેનું વર્ણન અર્જુન સમક્ષ કરવા જઈ રહ્યા છે, તે વિદ્યાઓનો રાજા છે.
ગુહ્ય અર્થાત્ ગોપનીય. આ જ્ઞાન પરમ ગોપનીય પણ છે. જ્યાં કોઈ વિકલ્પ હોય, ત્યાં જ પ્રેમ સંભવ હોય છે અને તેથી ભગવાન હેતુપૂર્વક સ્વયંને પ્રત્યક્ષ બોધથી છુપાવીને રાખે છે અને તે રીતે જીવાત્માને ભગવાનને પ્રેમ કરવો કે નહીં તે વિકલ્પ અંગે સ્વતંત્રતા પ્રદાન કરે છે. એક યંત્ર પ્રેમ કરી શકતું નથી કારણ કે તે વિકલ્પથી વંચિત છે. ભગવાન ઈચ્છે છે કે આપણે તેમને પ્રેમ કરીએ અને તેથી આપણને પોતાની ઈચ્છા પ્રમાણે તેમને પસંદ કરવા કે નહીં તે અંગે વિકલ્પ આપે છે. તેઓ આપણને કેવળ આપણી પસંદગીના પરિણામો પ્રત્યે જાગૃત કરે છે અને પશ્ચાત્ આપણી ઈચ્છા પ્રમાણે આપણે કયા પથનું અનુસરણ કરવું તેનો નિર્ણય આપણા પર છોડી દે છે.
પવિત્રમ્ અર્થાત્ પવિત્ર. ભક્તિનું જ્ઞાન પરમ પવિત્ર છે કારણ કે તે તુચ્છ સ્વાર્થથી દૂષિત હોતું નથી. તે ભગવાન માટેના દિવ્ય પ્રેમની વેદી પર સ્વયંનું બલિદાન આપવા પ્રેરિત કરે છે. ભક્તિ પાપ, બીજ અને અવિદ્યાનો નાશ કરીને ભક્તને શુદ્ધ પણ કરે છે. પાપ એ પ્રત્યેક જીવાત્માના અનંત પૂર્વજન્મોના દુષ્ટ કૃત્યોનો સંચય છે. ભક્તિ તેને જેમ અગ્નિ તણખલાને બાળી નાખે છે, તેમ ભસ્મ કરી દે છે. બીજનું તાત્પર્ય અંત:કરણની અપવિત્રતા છે, કે જે પાપયુક્ત કર્મોનું બીજ છે. જો બીજ અસ્તિત્વ ધરાવતું હશે તો પૂર્વ જન્મોના પાપના પરિણામોનો નાશ કરવાનો પ્રયાસ પર્યાપ્ત નહિ થાય, કારણ કે અંત:કરણમાં પાપ કરવાની વૃત્તિ તો વિદ્યમાન જ રહેશે અને વ્યક્તિ પુન: પાપ કરશે. ભક્તિ અંત:કરણને શુદ્ધ કરે છે તથા કામ, ક્રોધ, અને લોભ જેવા પાપના બીજોને નષ્ટ કરે છે. પરંતુ બીજનો નાશ પણ પર્યાપ્ત નથી. અંત:કરણ અશુદ્ધ થવાનું કારણ અવિદ્યા છે, જેના કારણે આપણે શરીર સાથે તાદાત્મ્ય સાધીએ છીએ. આ મિથ્યા તાદાત્મ્યના કારણે આપણે શરીરને ‘સ્વ’ માની લઈએ છીએ અને તેથી શારીરિક કામનાઓનો ઉદય થાય છે અને આપણે માની લઈએ છીએ કે તે ‘સ્વ’ને સુખ આપશે. આ માયિક કામનાઓની પૂર્તિ આપણને અધિક કામ, ક્રોધ, લોભ અને અંત:કરણની અન્ય સર્વ અશુદ્ધિ તરફ ધકેલી દે છે. જો હૃદય શુદ્ધ થઈ પણ જશે તો પણ જો અજ્ઞાન હશે તો તે પુન: અશુદ્ધ થઈ જશે. અંતત: ભક્તિ આત્મા અને પરમાત્માના અનુભૂત જ્ઞાનમાં જ પરિણમે છે, જે માયિક અસ્તિત્વનાં અજ્ઞાનનો નાશ કરે છે. ભક્તિ રસામૃત સિંધુમાં આ પ્રમાણે ભક્તિથી થતા લાભનું વર્ણન કર્યું છે:
ક્લેશસ્ તુ પાપં તદ્બીજમવિદ્યા ચેતિ તે ત્રિધા (૧.૧.૧૮)
“ભક્તિ આ ત્રણ વિષનો નાશ કરે છે—પાપ, બીજ (પાપનું બીજ) અવિદ્યા (હૃદયમાં રહેલું અજ્ઞાન).” જયારે આ ત્રણ પૂર્ણપણે નષ્ટ થઈ જાય છે ત્યારે અંત:કરણ વાસ્તવમાં સ્થાયી રીતે શુદ્ધ થઈ જાય છે.
પ્રત્યક્ષ અર્થાત્ “પ્રત્યક્ષ રીતે ઇન્દ્રિયગમ્ય”. ભક્તિ-વિજ્ઞાનની સાધનાનો પ્રારંભ શ્રદ્ધા સાથે થાય છે અને ફળસ્વરૂપે ભગવાનની પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે. તે અન્ય વિજ્ઞાનની કાર્ય પદ્ધતિ સમાન નથી કે જેમાં આપણે પ્રયોગનો આરંભ પૂર્વધારણા સાથે કરીએ છીએ અને પ્રમાણિત પરિણામો સાથે નિષ્કર્ષ તારવીએ છીએ.
ધર્મ્યમ્ અર્થાત્ “સદાચાર”. સાંસારિક ફળોની કામના રહિત ભક્તિનું પાલન એ ઉત્કૃષ્ટ સદાચાર છે. તે નિરંતર ગુરુ સેવા સમાન સત્કર્મ દ્વારા પુષ્ટ થાય છે.
કર્તુમ્ સુ-સુખમ્ અર્થાત્ “સાધના માટે અતિ સરળ”. ભગવાનને આપણી પાસેથી કંઈપણ વસ્તુની અપેક્ષા કે આવશ્યકતા નથી; જો આપણે તેમને પ્રેમ કરવાનું શીખી લઈએ તો તેઓ અતિ સહજતાથી પ્રાપ્ત થઈ જાય છે.
જો આ સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન છે અને અભ્યાસ કરવા માટે પણ અતિ સરળ છે, તો શા માટે લોકો તેને શીખીને તેનું પાલન કરતા નથી? શ્રીકૃષ્ણ આ અંગે આગામી શ્લોકમાં સ્પષ્ટતા કરે છે.