Bhagavad Gita: Chapter 9, Verse 29

સમોઽહં સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોઽસ્તિ ન પ્રિયઃ ।
યે ભજન્તિ તુ માં ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ્ ॥ ૨૯॥

સમ:—સમભાવથી વ્યવસ્થિત કરવું; અહમ્—હું; સર્વ-ભૂતેષુ—સર્વ જીવો પ્રતિ; ન—કોઈ નથી; મે—મારો; દ્વેષ્ય:—દ્વેષભાવ; અસ્તિ—છે; ન—નહીં; પ્રિય:—પ્રિય; યે—જે; ભજન્તિ—પ્રેમયુક્ત ભક્તિ કરે છે; તુ—પરંતુ; મામ્—મને; ભક્ત્યા—ભક્તિભાવે; મયિ—મારામાં; તે—તે મનુષ્યો; તેષુ—તેમનામાં; ચ—અને; અપિ—પણ; અહમ્—હું.

Translation

BG 9.29: હું સર્વ જીવો પ્રત્યે સમભાવ યુક્ત રહું છું. હું ન તો કોઈ પ્રત્યે દ્વેષ કરું છું કે ન તો કોઈનો પક્ષપાત કરું છું. પરંતુ જે ભક્તો મારી પ્રેમપૂર્વક ભક્તિ કરે છે, તેઓ મારામાં નિવાસ કરે છે અને હું તેમનામાં નિવાસ કરું છું.

Commentary

આપણે સૌ અંત:જ્ઞાનપૂર્વક એ માનતા હોઈએ છીએ કે જો ભગવાન છે, તો તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે; ભગવાન અન્યાયી ન હોઈ શકે. જે લોકો સંસારમાં અન્યાયથી પીડિત હોય છે, તેઓ એવા નિવેદનો કરતા હોય છે કે, “કરોડપતિ મહોદય, તમારી પાસે ધનની તાકાત છે. તમને જે ગમે તે કરો. ભગવાન આપણા વિવાદનો ન્યાય કરશે. તેઓ બધું જોઈ રહ્યા છે અને તમને અવશ્ય દંડ કરશે. ત્યાં તમે બચી નહિ શકો.” આ પ્રકારના નિવેદનો એ સૂચિત નથી કરતાં કે આવું કથન કરનાર મનુષ્ય કોઈ સંત છે અને ભગવાન પ્રત્યે પરમ શ્રદ્ધા ધરાવે છે, પરંતુ સામાન્ય મનુષ્ય પણ માને છે કે, ભગવાન સંપૂર્ણ ન્યાયી છે.

પરંતુ શ્રીકૃષ્ણ દ્વારા કથિત અગાઉનો શ્લોક સંશયનું નિર્માણ કરે છે કે ભગવાન તેમના ભક્તો પ્રત્યે પક્ષપાતી હોય છે, કારણ કે જો પ્રત્યેક મનુષ્ય કર્મનાં સિદ્ધાંતને આધીન છે તો તેમ છતાં ભગવાન તેમનાં ભક્તોને તેનાથી મુક્ત કરી દે છે. શું આ પક્ષપાતના દોષની લાક્ષણિકતા નથી? શ્રીકૃષ્ણ આ વિષયની સ્પષ્ટતા કરવાનું આવશ્યક સમજે છે અને આ શ્લોકનો પ્રારંભ કરતાં કહે છે કે, સમો’હમ, અર્થાત્, “ના, ના, હું સર્વ પ્રત્યે સમાન છું. પરંતુ મારો એક અતૂટ સિદ્ધાંત છે, જેના અંતર્ગત હું મારી કૃપા વરસાવું છું.” આ સિદ્ધાંતની વ્યાખ્યા અગાઉ શ્લોક ૪.૧૧માં કરવામાં આવી છે: “જે કોઈપણ પ્રકારે જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે, તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું. હે પૃથાપુત્ર! સર્વ મનુષ્યો સર્વથા મારા જ માર્ગનું અનુસરણ કરે છે.”

વર્ષાનું જળ પૃથ્વી પર એકસમાન રીતે વરસે છે. છતાં, જે બિંદુ ખેતરમાં પડે છે, તે અનાજમાં પરિવર્તિત થઈ જાય છે; જે બિંદુ રણપ્રદેશમાં ઝાડીઓ પર પડે છે, તે કાંટામાં પરિવર્તિત થઈ જાય છે; જે બિંદુ ગંદી નાળીમાં પડે છે, તે ગંદુ જળ બની જાય છે; જે બિંદુ છીપમાં પડે છે તે મોતી બની જાય છે. આમાં વરસાદ તરફથી કોઈ પક્ષપાત કરવામાં આવતો નથી કારણ કે તે ભૂમિ પર એક સમાન રીતે વરસે છે. વર્ષાનાં બિંદુઓને પરિણામોના આ વૈવિધ્ય માટે ઉત્તરદાયી ગણી શકાય નહિ, જે પ્રાપ્ત કરવાવાળાની પ્રકૃતિનાં ફળ-સ્વરૂપ હોય છે. એ જ પ્રમાણે, ભગવાન અહીં કહે છે કે તેઓ સર્વ જીવો પ્રત્યે સમભાવયુક્ત છે અને છતાં, જે લોકો તેમને પ્રેમ કરતા નથી તેઓ તેમની કૃપાના લાભથી વંચિત રહે છે, કારણ કે તેમનું અંત:કરણ તે કૃપા ગ્રહણ કરવા માટેનું અનુચિત પાત્ર હોય છે. તો જેમનું અંત:કરણ અશુદ્ધ છે, તેમણે શું કરવું જોઈએ? શ્રીકૃષ્ણ હવે ભક્તિની શુદ્ધિકરણ શક્તિ પ્રગટ કરે છે.