યત્કરોષિ યદશ્નાસિ યજ્જુહોષિ દદાસિ યત્ ।
યત્તપસ્યસિ કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ્ ॥ ૨૭॥
યત્—જે કંઈ; કરોષિ—કરે છે; યત્—જે કંઈ; અશ્નાસિ—ખાય છે; યત્—જે કંઈ; જુહોષિ—યજ્ઞમાં અર્પિત કરે છે; દદાસિ—ઉપહાર સ્વરૂપે પ્રદાન કરવું; યત્—જે કંઈ; તપસ્યસિ—તપ કરે છે; કૌન્તેય—અર્જુન,કુંતીપુત્ર; તત્—તેમને; કુરુષ્વ—કર; મદ અર્પણમ્—મને અર્પણ તરીકે.
Translation
BG 9.27: હે કુંતીપુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, યજ્ઞમાં જે કંઈ આહુતિ સ્વરૂપે હોમે છે, જે કંઈ તું ઉપહાર તરીકે અર્પે છે અને જે કંઈ તપશ્ચર્યા કરે છે, તેમને મને અર્પણ કરવા સ્વરૂપે કર.
Commentary
અગાઉના શ્લોકમાં, શ્રીકૃષ્ણે કહ્યું કે સર્વ પદાર્થો મને અર્પિત કરવા જોઈએ. હવે તેઓ કહે છે કે, સર્વ કર્મો પણ મને અર્પિત કરવા જોઈએ. મનુષ્ય જે કોઈ સામાજિક ઉત્તરદાયિત્વનું વહન કરતો હોય, જે કોઈ શાકાહારી આહાર આરોગતો હોય, જે કોઈ અમાદક પીણાંનું સેવન કરતો હોય, જે કોઈ વૈદિક કર્મકાંડનું પાલન કરતો હોય, જે કોઈ તપશ્ચર્યા કે પ્રતિજ્ઞાનું પાલન કરતો હોય, તે સર્વને માનસિક રીતે ભગવાનને સમર્પિત કરવા જોઈએ. પ્રાય: લોકો ભક્તિને તેમના રોજીંદા જીવનથી ભિન્ન ગણે છે અને તેને કેવળ પૂજા-મંદિરમાં કરવાના કાર્ય તરીકે સ્વકારે છે. પરંતુ, ભક્તિ પૂજા- મંદિરનાં ક્ષેત્ર પૂરતી જ સીમિત હોતી નથી; તે આપણા જીવનની પ્રત્યેક ક્ષણમાં વણાયેલી હોવી જોઈએ.
નારદ મુનિ ભક્તિના આ પ્રમાણે પરિભાષિત કરે છે:
નારદસ્તુ તદર્પિતાખિલાચારતા તદ્વિસ્મરણે પરમવ્યાકુલતેતિ (નારદ ભક્તિ દર્શન, સૂત્ર ૧૯)
“ભક્તિ અર્થાત્ તમારા સર્વ કાર્યોને ભગવાનને સમર્પિત કરવા અને તેમના વિસ્મરણથી અત્યંત વ્યાકુળતાનો અનુભવ કરવો.” જયારે કર્મ ભગવાનને સમર્પણ ભાવથી તેમજ માનસિક સ્વરૂપે સોંપી દેવામાં આવે છે, ત્યારે તેને અર્પણમ્ કહે છે. આ પ્રકારની ભાવના માયિક જીવનની ભૌતિક પ્રક્રિયાઓને ભગવાનની દિવ્ય સેવામાં રૂપાંતરિત કરી દે છે. સ્વામી વિવેકાનંદ કાર્ય પ્રત્યેની આ ભાવનાને અતિ સુંદર રીતે પ્રસ્તુત કરે છે: “કોઈપણ કાર્ય લૌકિક નથી. સર્વ ભક્તિ અને સેવા છે.” સંત કબીરે આ વાત તેમના દોહામાં કહી:
જહઁ જહઁ ચલું કરૂઁ પરિક્રમા, જો જો કરૂઁ સો સેવા
જબ સોવૂઁ કરૂઁ દણ્ડવત્, જાનૂઁ દેવ ન દૂજા
“હું જ્યાં પણ ચાલું છું, મને લાગે છે કે હું ભગવાનના મંદિરની પરિક્રમા કરું છે, હું તેને ભગવાનની સેવા તરીકે જોવું છું. જયારે હું નિદ્રાધીન થાઉં છું, હું એ ભાવના પર ધ્યાન કરું છું કે હું ભગવાનને દંડવત્ પ્રણામ કરું છું. આ રીતે હું નિરંતર તેમની (ભગવાનની) સાથે જોડાયેલો રહું છું.”
નિમ્નલિખિત શ્લોકનો મહિમા સમજ્યા વિના પ્રાય: લોકો મંદિરમાં બોલતા હોય છે:
કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા
બુદ્ધ્યાઽઽત્મના વાનુસૃતસ્વભાવાત્
કરોતિ યદ્ યત્ સકલં પરસ્મૈ
નારાયણાયેતિ સમર્પયેત્તત્ (ભાગવતમ્ ૧૧.૨.૩૬)
“કાયા,વાચા, મન, ઇન્દ્રિયો તથા બુદ્ધિ દ્વારા મનુષ્યના સ્વભાવ અનુસાર જે કંઈ પણ કરવામાં આવે છે, તે ભગવાન નારાયણને સમર્પિત કરવું જોઈએ.” પરંતુ સમર્પણની આ ક્રિયા કાર્યના અંતે કેવળ મંત્રનું ઉચ્ચારણ કરીને કરવું ન જોઈએ, જે પ્રમાણે વૈદિક અનુષ્ઠાનોમાં “શ્રી કૃષ્ણાર્પણમ્ અસ્તુ” વગેરે બોલીને કરવામાં આવે છે. જયારે કાર્ય થઈ રહ્યું હોય તે સમયે આપણે જે કાર્ય કરી રહ્યાં છીએ તે ભગવાનની પ્રસન્નતા માટે થઈ રહ્યું છે, એ ચેતનાયુક્ત થઈને કરવું જોઈએ. સર્વ કાર્યો ભગવાનને સમર્પિત કરવા જોઈએ, એમ જણાવીને શ્રીકૃષ્ણ હવે તેના લાભની સૂચિ પ્રસ્તુત કરે છે.