પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ ।
તદહં ભક્ત્યુપહૃતમશ્નામિ પ્રયતાત્મનઃ ॥ ૨૬॥
પત્રમ્—પર્ણ; પુષ્પમ્—ફૂલ; ફલમ્—ફળ; તોયમ્—જળ; ય:—જે; મે—મને; ભક્ત્યા—ભક્તિપૂર્વક; પ્રયચ્છતિ—અર્પિત કરે છે; તત્—તે; અહમ્—હું; ભક્તિ-ઉપહ્રુતમ્—ભક્તિપૂર્વક અર્પણ કરેલ; અશ્નામિ—સ્વીકાર કરું છે; પ્રયત-આત્માન:—શુદ્ધ ભાવના ધરાવનાર.
Translation
BG 9.26: જો કોઈ મનુષ્ય ભક્તિપૂર્વક મને પત્ર, પુષ્પ, ફળ કે જળ પણ અર્પણ કરે છે, તો મારા ભક્ત દ્વારા પ્રેમ તથા શુદ્ધ ચેતના સાથે અર્પિત કરેલ એ સર્વનો હું પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરું છું.
Commentary
ભગવાનની ભક્તિ કરવાના લાભ અંગે પ્રમાણ પ્રસ્થાપિત કર્યા પશ્ચાત્ શ્રીકૃષ્ણ હવે તે ભક્તિ કરવી કેટલી સરળ છે, તે જણાવે છે. દેવતાઓ તથા પિતૃઓની ઉપાસનામાં તેમને પ્રસન્ન કરવા માટે અનેક વિધિ-વિધાનો રહેલા છે, જેનું ચુસ્તતાથી પાલન કરવું પડે છે. પરંતુ ભગવાન પ્રેમપૂર્ણ હૃદય સાથે અર્પણ કરેલી કોઈ પણ વસ્તુનો સ્વીકાર કરે છે. જો તમારી પાસે કેવળ ફળ છે તો તેને ભગવાનને અર્પણ કરો, તેઓ પ્રસન્ન થઈ જશે. જો ફળ ઉપલબ્ધ ન હોય તો પુષ્પ અર્પણ કરો. જો પુષ્પની ઋતુ ન હોય તો ભગવાનને કેવળ પત્ર અર્પણ કરો; એ પણ પર્યાપ્ત છે, કેવળ એ પ્રેમસભર ઉપહાર હોવો જોઈએ. જો પાંદડા પણ દુષ્પ્રાપ્ય હોય તો જળ અર્પણ કરો, જે ક્યાંય પણ ઉપલબ્ધ હોય છે. પરંતુ એ સુનિશ્ચિતરૂપે તમે ભક્તિપૂર્વક અર્પણ કરો. શ્લોકની પ્રથમ તેમજ દ્વિતીય બંને પંક્તિઓમાં ભક્ત્યા શબ્દનો ઉપયોગ થયો છે. ભક્તની ભક્તિ જ ભગવાનને પ્રસન્ન કરે છે, સમર્પિત પદાર્થનું મૂલ્ય નહિ.
આ અતિ અદ્ભુત કથન કરીને શ્રીકૃષ્ણ ભગવાનની કરુણાસભર દિવ્ય પ્રકૃતિ પ્રગટ કરે છે. તેમને માટે આપણા ઉપહારનાં માયિક મૂલ્યનું કોઈ મહત્ત્વ નથી. પરંતુ તેનાથી વિપરીત, તેઓ આ સર્વ પદાર્થો કરતાં જે પ્રેમપૂર્વક આપણે ઉપહાર અર્પિત કરીએ છીએ, તે પ્રેમનું મૂલ્ય અધિક આંકે છે.
તેથી, હરિ ભક્તિ વિલાસ વર્ણન કરે છે:
તુલસી-દલ-માત્રેણ જલસ્ય ચુલુકેન ચ
વિક્રીણીતે સ્વમ્ આત્માનં ભક્તેભ્યો ભક્ત-વત્સલઃ (૧૧.૨૬૧)
“જો તમે ભગવાનને કેવળ તુલસી-પત્ર અને તમારી હથેળીઓમાં સમાય તેટલું જળ પણ નિશ્ચળ પ્રેમ પૂર્વક અર્પણ કરશો, તો તેના બદલામાં તેઓ સ્વયંને તમને અર્પિત કરી દે છે, કારણ કે તેઓ પ્રેમના બંધનમાં બંધાઈ જાય છે.” કેટલું અદ્ભુત છે કે અનંત બ્રહ્માંડોના પરમ સ્વામી, જેમનાં અદ્ભુત ગુણો અને વિશેષતાઓનો મહિમા વર્ણનથી પરે છે અને જેમના સંકલ્પ માત્રથી અસંખ્ય બ્રહ્માંડો અસ્તિત્વમાં આવે છે તથા પુન: અદૃશ્ય થઈ જાય છે, તે પોતાના ભક્ત દ્વારા શુદ્ધ પ્રેમપૂર્વક અર્પિત અતિ સામાન્ય ઉપહારનો સહર્ષ સ્વીકાર કરે છે.
અહીં, પ્રયતાત્માન: શબ્દનો ઉપયોગ થયો છે, જે સૂચવે છે, “હું તેના સમર્પણનો સ્વીકાર કરું છું, જેનું હૃદય શુદ્ધ છે.”
શ્રીમદ્દ ભાગવતમ્ માં ભગવદ્ ગીતાના આ તદ્દન સમાન શ્લોકનું વર્ણન છે. શ્રીકૃષ્ણ, તેમના મિત્ર સુદામાનાં તાંદુલ આરોગતાં કહે છે:
પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ
તદહં ભક્ત્યુપહૃતમશ્નામિ પ્રયતાત્મનઃ (૧૦.૮૧.૪)
“જો કોઈ મનુષ્ય ભક્તિપૂર્વક મને પત્ર, પુષ્પ, ફળ કે જળ પણ અર્પણ કરે છે, તો મારા ભક્ત દ્વારા પ્રેમ તથા શુદ્ધ ચેતના સાથે અર્પિત કરેલ એ સર્વનો હું પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરું છું.”
જયારે પણ ભગવાન પૃથ્વી પર અવતરે છે ત્યારે તેઓ તેમની દિવ્ય લીલાઓમાં તેમના ગુણોને પ્રદર્શિત કરે છે. મહાભારતના યુદ્ધ પૂર્વે, જ્યારે શ્રીકૃષ્ણ કૌરવો અને પાંડવો વચ્ચે સમાધાન થવાની સંભાવના અંગે તપાસ કરવા હસ્તિનાપુર ગયા, ત્યારે દુષ્ટ દુર્યોધને તેમના માટે ઘમંડથી યુક્ત થઈને છપ્પન ભોગ પકવાન તૈયાર કરાવ્યા હતા. આમ છતાં, શ્રીકૃષ્ણ તેના આતિથ્યનો અસ્વીકાર કરીને, વિનમ્ર વિદુરાણીની સામાન્ય ઝુંપડીમાં પહોંચી ગયા, જે વિદુરાણી તેના પ્રિય ભગવાનની સેવાના અવસરની અતિ ઉત્કંઠાથી પ્રતીક્ષા કરતા હતા. ભગવાન શ્રીકૃષ્ણને પોતાના ઘરે આવેલા જોઈને વિદુરાણી આનંદવિભોર થઈ ગયાં. તેમની પાસે ભગવાનને પીરસવા કેવળ કેળા હતાં, પરંતુ પ્રેમાળ ઊર્મિઓથી તેમની બુદ્ધિ એટલી શૂન્ય મનસ્ક થઈ ગઈ હતી કે તેમને એ પણ ભાન રહ્યું નહિ કે તેઓ ફળ નીચે ફેંકીને શ્રીકૃષ્ણના મુખમાં તેની છાલ મૂકી રહ્યા હતા. પરંતુ, તેમની ભક્તિ જોઇને શ્રીકૃષ્ણે એ છાલ પણ એટલી પ્રસન્નતાપૂર્વક આરોગી કે જાણે સમગ્ર વિશ્વમાં તે સર્વાધિક સ્વાદિષ્ટ આહાર હોય!