અર્જુન ઉવાચ ।
પરં બ્રહ્મ પરં ધામ પવિત્રં પરમં ભવાન્ ।
પુરુષં શાશ્વતં દિવ્યમાદિદેવમજં વિભુમ્ ॥૧૨॥
આહુસ્ત્વામૃષયઃ સર્વે દેવર્ષિર્નારદસ્તથા ।
અસિતો દેવલો વ્યાસઃ સ્વયં ચૈવ બ્રવીષિ મે ॥૧૩॥
અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; પરમ્—પરમ; બ્રહ્મ—બ્રહ્મન; પરમ્—પરમ; ધામ—લોક; પવિત્રમ્—શુદ્ધ કરનાર; પરમમ્—પરમ; ભવાન્—આપ; પુરુષમ્—વિભૂતિ; શાશ્વતમ્—શાશ્વત; દિવ્યમ્—દિવ્ય; આદિ-દેવમ્—આદ્ય ભગવાન; અજમ્—અજન્મા; વિભુમ્—મહાન; આહુ:—(તેઓ) ઘોષિત કરે છે; ત્વામ્—આપ; ઋષય:—ઋષિઓ; સર્વે—સર્વ; દેવ-ઋષિ:-નારદ:—દેવર્ષિ નારદ; તથા—પણ; અસિત:—અસિત; દેવલ:—દેવલ; વ્યાસ:—વ્યાસ; સ્વયમ્—સ્વયં; ચ—અને; એવ—નિશ્ચય; બ્રવિષિ—તમે ઘોષણા કરો છો; મે—મને.
Translation
BG 10.12-13: અર્જુને કહ્યું: આપ પરમ દિવ્ય વિભૂતિ, પરમ ધામ, પરમ પવિત્ર, શાશ્વત ભગવાન, આદિ પુરુષ, અજન્મા તથા મહાનતમ છો. નારદ, અસિત, દેવલ અને વ્યાસ જેવા મહાન ઋષિઓએ આનું સમર્થન કર્યું છે અને હવે આપ સ્વયં મને આ ઘોષિત કરી રહ્યા છો.
Commentary
વૈદિક શાસ્ત્રોનાં ભાષ્યકારો કેટલીક વાર એવું કહેવાના શોખીન હોય છે કે શ્રીકૃષ્ણ, શ્રી રામ પરમ તત્ત્વ નથી. તેઓ એવો દાવો કરે છે કે પરમ તત્ત્વ નિરાકાર અને નિર્ગુણ છે તથા આકાર લઈને અવતાર તરીકે પ્રગટ થાય છે અને તેથી આ અવતારો એ ભગવાનથી એક કદમ નિમ્ન છે. પરંતુ, અર્જુન આવા દૃષ્ટિકોણનું ખંડન કરતાં ઘોષણા કરે છે કે શ્રીકૃષ્ણ તેમનાં સાકાર સ્વરૂપમાં સર્વ કારણોનું પરમ કારણ છે.
પૂર્વેનાં ચાર શ્લોકોનું શ્રવણ કરીને અર્જુન, શ્રીકૃષ્ણનાં સર્વોપરી સ્થાનનો સંપૂર્ણપણે સ્વીકાર કરે છે તથા હવે જે તે સ્વયં અનુભૂતિ કરે છે તે પ્રગાઢ નિશ્ચિતતાને ભારપૂર્વક પ્રસ્તુત કરે છે. જયારે મહાન અધિકારીઓ જ્ઞાનને પ્રમાણિત કરે, ત્યારે તેની વિશ્વસનીયતા સ્થાપિત થઇ જાય છે. મહાન ઋષિઓ આધ્યાત્મિક જ્ઞાનનાં સત્તાધિકારીઓ છે. તેથી, અર્જુન નારદ, અસિત, દેવલ તથા વ્યાસ જેવા સંતોનો ઉલ્લેખ કરે છે, જેમણે શ્રીકૃષ્ણને સર્વોપરી દિવ્ય વિભૂતિ તથા સર્વ કારણોનાં કારણ તરીકે ઘોષિત કર્યા છે. મહાભારતના ભીષ્મ પર્વમાં એક કાવ્ય છે જેમાં અનેક ઋષિ-મુનિઓએ શ્રીકૃષ્ણની સ્તુતિ કરી છે. નારદ મુનિ વર્ણન કરે છે: “શ્રીકૃષ્ણ સર્વ લોકનાં સર્જક છે તથા સર્વ ભાવનાઓને જાણનાર છે. તેઓ સ્વર્ગીય દેવતાઓનાં સ્વામી છે, જેઓ બ્રહ્માંડનું સંચાલન કરે છે.” (શ્લોક ૬૮.૨) માર્કંડેય ઋષિ કહે છે: “શ્રીકૃષ્ણ સર્વ ધાર્મિક યજ્ઞોનું ધ્યેય છે તથા તપશ્ચર્યાનો સાર છે. તેઓ સર્વનાં ભૂત, ભવિષ્ય તથા વર્તમાન છે.” (શ્લોક ૬૮.૩) ભૃગુ ઋષિ કહે છે: “તેઓ સર્વ દેવોના ભગવાન છે તથા શ્રી વિષ્ણુના પ્રથમ મૂળ સ્વરૂપ છે.” (શ્લોક ૬૮.૪) વેદ વ્યાસજી વર્ણન કરે છે: “હે શ્રીકૃષ્ણ! તમે વસુઓનાં સ્વામી છો. તમે જ ઇન્દ્ર તથા અન્ય સ્વર્ગીય દેવતાઓને શક્તિ પ્રદાન કરો છો.” (શ્લોક ૬૮.૫) અંગિર ઋષિ વર્ણન કરે છે: “શ્રીકૃષ્ણ સર્વ પ્રાણીઓના સર્જક છે. ત્રણેય લોક તેમના ઉદરમાં વાસ કરે છે. તેઓ પરમ ઈશ્વરીય તત્ત્વ છે.”(શ્લોક ૬૮.૬) મહાભારતના અન્ય સ્થાને અસિત તથા દેવલ ઋષિ ઘોષિત કરે છે: “શ્રીકૃષ્ણ બ્રહ્માના સર્જક છે, કે જેઓ ત્રણેય લોકના સર્જનકર્તા છે.” (મહાભારત વન પર્વ ૧૨.૫૦) આ મહાન વિભૂતિઓનાં અવતરણ ટાંકીને અર્જુન કહે છે કે હવે શ્રીકૃષ્ણ સ્વયં તેમનાં આ વિધાનોની પુષ્ટિ કરે છે, જે ઘોષિત કરે છે કે તેઓ સર્વ સર્જનના પરમ કારણ છે.