અક્ષરાણામકારોઽસ્મિ દ્વન્દ્વઃ સામાસિકસ્ય ચ ।
અહમેવાક્ષયઃ કાલો ધાતાહં વિશ્વતોમુખઃ ॥૩૩॥
અક્ષરાણામ્—અક્ષરોમાં; અ-કાર:—પ્રથમ અક્ષર ‘અ’; અસ્મિ—હું છું; દ્વન્દ્વ:—દ્વન્દ્વ; સામાસિકસ્ય—વ્યાકરણીય સંયોજનોમાં; ચ—અને; અહમ્—હું; એવ—કેવળ; અક્ષય:—અનંત; કાલ:—કાળ; ધાતા—સ્રષ્ટાઓમાં; અહમ્—હું; વિશ્વત:-મુખ:—બ્રહ્મા.
Translation
BG 10.33: હું સર્વ અક્ષરોમાં પ્રથમ અક્ષર ‘અ’ છું; હું સમાસોમાં દ્વન્દ્વ શબ્દ છું. હું અક્ષયકાળ છું તથા સ્રષ્ટાઓમાં બ્રહ્મા છું.
Commentary
સંસ્કૃતમાં, સર્વ અક્ષરો અર્ધ-અક્ષર ‘અ’ના સંયોજનથી બને છે. ઉદાહરણ તરીકે, क् + अ = क (ક્+અ=ક). તેથી, સંસ્કૃતમાં ‘અ’ અક્ષર સર્વાંધિક મહત્ત્વ ધરાવે છે. ‘અ’ અક્ષર એ વર્ણમાળાનો પણ પ્રથમ અક્ષર સ્વર છે અને સ્વરોને વ્યંજનોથી પહેલાં લખવામાં આવતા હોવાથી ‘અ’ સૌથી પ્રારંભમાં આવે છે.
સંસ્કૃત એ અતિ પ્રાચીન ભાષા હોવા છતાં પણ તે અતિ શિષ્ટ તથા વ્યવહારદક્ષ છે. સંસ્કૃત ભાષામાં સમાસની રચના કરવા શબ્દોનું સંયોજન કરવું એ સામાન્ય પ્રક્રિયા છે. જયારે સંયુક્ત શબ્દની રચના કરવાની પ્રક્રિયામાં બે કે તેથી અધિક શબ્દો તેમનાં અંત છોડી દે છે, જેને સમાસ કહેવામાં આવે છે અને જે શબ્દ પ્રાપ્ત થાય છે તેને સમાસ પદ અથવા સામાસિક શબ્દ કહેવામાં આવે છે. પ્રાથમિક રીતે છ પ્રકારનાં સમાસ છે: ૧.દ્વન્દ્વ, ૨.બહુબૃહિ, ૩.કર્મ ધારય, ૪.તત્પુરુષ, ૫.દ્વિગુ, ૬.અવ્યયી ભાવ. આ બધામાં દ્વન્દ્વ એ સર્વ શ્રેષ્ઠ છે કારણ કે તેમાં બંને શબ્દોની પ્રમુખતા હોય છે. જયારે અન્ય શબ્દોમાં, કાં તો એક શબ્દની પ્રમુખતા અન્ય શબ્દ કરતાં અધિક હોય છે અથવા બંને શબ્દ કોઈ ત્રીજા શબ્દને અર્થ આપવા સંયુક્ત થાય છે. રાધા–કૃષ્ણ એ દ્વિ શબ્દ દ્વન્દ્વનું ઉદાહરણ છે. શ્રીકૃષ્ણ તેને સ્વયંની વિભૂતિ તરીકે પ્રદર્શિત કરે છે.
સૃષ્ટિની રચના એ અદ્ભુત કાર્ય છે અને તેનું અવલોકન અતિ વિસ્મયકારી છે. માનવજાતિના સર્વાધિક અદ્યતન તકનીકી આવિષ્કારો તેની તુલનામાં ફિક્કા પડી જાય છે. આથી, શ્રીકૃષ્ણ પ્રથમ જન્મેલા બ્રહ્માનું નામ લે છે, જેમણે સમગ્ર બ્રહ્માંડની રચના કરી છે. તેઓ કહે છે કે સૄષ્ટાઓમાં બ્રહ્માની સર્જનાત્મક ક્ષમતા ભગવાનનાં મહિમાને પ્રગટ કરે છે.