Bhagavad Gita: Chapter 10, Verse 3

યો મામજમનાદિં ચ વેત્તિ લોકમહેશ્વરમ્ ।
અસમ્મૂઢઃ સ મર્ત્યેષુ સર્વપાપૈઃ પ્રમુચ્યતે ॥૩॥

ય:—જે; મામ્—મને; અજમ્—અજન્મા; અનાદિમ્—અનાદિ, જેનું કોઈ આદિ ન હોય; ચ—અને; વેત્તિ—જાણ; લોક—બ્રહ્માંડનાં; મહા-ઈશ્વરમ્—પરમ સ્વામી; અસમ્મૂઢ:—મોહ રહિત; સ:—તેઓ; મર્ત્યેષુ—મરણશીલ મનુષ્યોમાં; સર્વ-પાપૈ:—સર્વ પાપમાંથી; પ્રમુચ્યતે—માંથી મુક્ત થાય છે.

Translation

BG 10.3: જે લોકો મને અજન્મા તેમજ અનાદિ તરીકે તથા બ્રહ્માંડનાં પરમ સ્વામી તરીકે જાણે છે, મરણશીલ મનુષ્યોમાં તેઓ ભ્રમથી રહિત છે તથા સર્વ પાપમાંથી મુક્ત થઈ જાય છે.

Commentary

તેમને કોઈપણ જાણી શકતું નથી, એમ કહીને શ્રીકૃષ્ણ હવે કહે છે કે કેટલાંક મનુષ્યો તેમને જાણે છે. શું તેઓ સ્વયંના કથનોનો જ વિરોધ કરે છે? ના, તેમનું તાત્પર્ય છે કે સ્વ-પ્રયાસોથી કોઈપણ ભગવાનને જાણી શકતું નથી, પરંતુ જો ભગવાન સ્વયં કોઈના ઉપર તેમની કૃપા કરે તો તે સૌભાગ્યશાળી જીવ તેમને જાણી શકે છે. તેથી, તે સર્વ જેઓ ભગવાનને જાણી શકે છે તે તેમની દિવ્ય કૃપાના ગુણને કારણે જાણી શકે છે. જેમકે, આ અધ્યાયમાં દસમા શ્લોકમાં તેઓ ઉલ્લેખ કરે છે: “જેમનું મન સદૈવ ભક્તિથી મારી સાથે જોડાયેલું છે તેમને હું દિવ્ય જ્ઞાન પ્રદાન કરું છું, જેના દ્વારા તેઓ સરળતાથી મને પ્રાપ્ત કરી શકે છે.” અહીં, શ્રીકૃષ્ણ કહે છે કે જેઓ મને સર્વ સ્વામીઓના પરમ સ્વામી તરીકે જાણે છે, તેઓ ભ્રમિત થતાં નથી. આવા જીવાત્માઓ તેમના ભૂતકાળ તેમજ વર્તમાનના સર્વ કર્મોનાં ફળમાંથી મુક્ત થઈ જાય છે તેમજ ભગવાન પ્રત્યેની પ્રેમા-ભક્તિમાં વૃદ્ધિ પામે છે.

આત્મા તેમજ સ્વયં વચ્ચેનો ભેદ સમજાવવા શ્રીકૃષ્ણ ઘોષણા કરે છે કે તેઓ લોક મહેશ્વરમ્ (અસ્તિત્ત્વના સર્વ લોકના પરમ સ્વામી) છે. શ્વેતાશ્વતર ઉપનિષદ્દમાં આ સમાન જ ઘોષણા કરવામાં આવી છે:

             તમીશ્વરાણાં પરમં મહેશ્વરં

            તં દેવતાનાં પરમં ચ દૈવતં

           પતિં પતીનાં પરમં પરસ્તાદ્

           વિદામ દેવં ભુવનેશ્મીડ્યમ્ (૬.૭)

“પરમ પુરુષોત્તમ ભગવાન સર્વ નિયંત્રકોના નિયંત્રક છે; તેઓ સર્વ દેવોનાં ભગવાન છે. તેઓ સર્વ પ્રિયજનોના પ્રિયતમ છે; તેઓ સમગ્ર વિશ્વના શાસક છે તેમજ માયિક શક્તિથી પરે છે.”