Bhagavad Gita: Chapter 10, Verse 9

મચ્ચિત્તા મદ્ગતપ્રાણા બોધયન્તઃ પરસ્પરમ્ ।
કથયન્તશ્ચ માં નિત્યં તુષ્યન્તિ ચ રમન્તિ ચ ॥૯॥

મત્-ચિત્તા:—જેમનું મન મારામાં સ્થિત છે; મત્-ગત-પ્રાણા:—જેમનું જીવન મને સમર્પિત છે; બોધયન્ત:—પ્રબુદ્ધ(ભગવાનના દિવ્ય જ્ઞાનથી યુક્ત); પરસ્પરમ્—પરસ્પર; કથયન્ત:—બોલતાં; ચ—અને; મામ્—મારા વિષે; નિત્યમ્—નિરંતર; તુષ્યન્તિ—તુષ્ટિ; ચ—અને; રમન્તિ—(તેઓ) આનંદ માણે છે; ચ—પણ.

Translation

BG 10.9: તેમનું મન મારામાં સ્થિર કરીને તથા તેમનું જીવન મને સમર્પિત કરીને, મારા ભક્તો સદૈવ મારામાં તૃપ્ત રહે છે. તેઓ પરસ્પર મારા દિવ્ય જ્ઞાનથી એકબીજાને પ્રબુદ્ધ કરીને તથા મારા મહિમા અંગે વાર્તાલાપ કરીને તેમાંથી પરમ આનંદ તથા તુષ્ટિ પ્રાપ્ત કરે છે.

Commentary

મનની પ્રકૃતિ તેને જે અતિ પસંદ હોય છે, તેમાં લીન રહેવાની છે. ભગવાનના ભક્તો ભગવાનના સ્મરણમાં લીન રહે છે કારણ કે તેમના પ્રત્યે તેમને અગાધ પૂજ્યભાવ હોય છે. ભગવાનની ભક્તિ તેમના જીવનનો આધાર બની જાય છે, જેમાંથી તેઓ જીવનનો અર્થ, ઉદ્દેશ્ય તથા શક્તિ પ્રાપ્ત કરે છે. તેઓ ભગવાનના સ્મરણને એ પ્રમાણે આવશ્યક માને છે, જે પ્રમાણે માછલીને જીવવા માટે જળ આવશ્યક હોય છે.

લોકોના હૃદયને શું અતિ પ્રિય છે તે તેઓ તેમનું તન, મન અને ધન ક્યાં અર્પિત કરે છે, તેનાં આધારે નિશ્ચિત થાય છે. બાઈબલ કહે છે: “જ્યાં તમારો ખજાનો હશે ત્યાં જ તમારું મન પણ હશે.” (મેથ્યુ ૬:૨૧) તમે લોકોનું મન ક્યાં આકર્ષિત થાય છે તે તેમની ચેકબુક અને ક્રેડિટ કાર્ડનો અભ્યાસ કરીને જાણી શકો છો. જો કોઈ આકર્ષક ગાડીઓ ખરીદવામાં તેમની સંપત્તિ ખર્ચ કરે છે, તો તેમનું મન ત્યાં છે. જે લોકો અતિ વિલાસપૂર્ણ રજાઓ ભોગવવામાં તેમની સંપત્તિ ખર્ચ કરે છે, તો તે તેમને અતિ પ્રિય છે. જો તેઓ આફ્રિકાના AIDS થી પીડિત બાળકો માટે દાન કરે છે, તો તેમનું ધ્યાન આવા સામાજિક સહાયમાં કેન્દ્રિત રહે છે. માતા-પિતાનો તેમના સંતાનો માટેનો પ્રેમ વાસ્તવિક રીતે દૃશ્યમાન થાય છે કારણ કે તેઓ તેમનો સમય તથા સંપત્તિ બંનેનો તેમના કલ્યાણ અર્થે ત્યાગ કરે છે. એ જ પ્રમાણે, ભક્તોનો પ્રેમ ભગવાન પ્રત્યેના તેમનાં સમર્પણમાં પ્રગટ થાય છે. શ્રીકૃષ્ણ કહે છે: મત્-ગત-પ્રાણા:, જે સૂચવે છે, “મારા ભક્તો તેમનું જીવન મને સમર્પિત કરે છે.”

આવી શરણાગતિમાંથી સંતુષ્ટિ જન્મે છે. ભક્તો તેમના પ્રત્યેક કાર્યનું ફળ તેમના પ્રેમાસ્પદ ભગવાનને સમર્પિત કરી દેતા હોવાથી, તેઓ દરેક પરિસ્થિતિઓને ભગવાને મોકલી હોય એમ માને છે. તેથી, તેઓ હકારાત્મક અને નકારાત્મક બંને સંજોગોને ભગવાનની ઈચ્છા તરીકે સહર્ષ સ્વીકારે છે અને બંને પરિસ્થિતિઓમાં સંતુલન જાળવી રાખે છે.

જ્યાં ભક્તોનો ભગવદ્-પ્રેમ ઉપરોક્ત લક્ષણોમાં અભિવ્યક્ત થાય છે, ત્યાં તે તેમના હોઠ ઉપર પણ અભિવ્યક્ત થાય છે. તેઓ ભગવાનનાં મહિમાનું ગાન કરવામાં તથા તેમનાં અનેક નામ, રૂપો, ગુણો, લીલાઓ, ધામો અને પરિકરો અંગે વાર્તાલાપ કરીને પરમ રસ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે, કીર્તનમાં પરાયણ થઈને તથા ભગવદ્-મહિમાનું શ્રવણ કરીને તેઓ તેમનાં મધુર રસનું પાન કરે છે અને અન્યને પણ પીરસે છે. તેઓ પરસ્પર ભગવાનના દિવ્ય જ્ઞાનના બોધથી (બોધ્યન્તિ) પ્રબુદ્ધ કરીને, એકબીજાની ઉન્નતિમાં યોગદાન આપે છે. ભગવાનનાં મહિમાનું કથન તથા ગાન ભક્તોને પરમ સંતુષ્ટિ (તુષ્યન્તિ) અને આનંદ (રમન્તિ) પ્રદાન કરે છે. આ પ્રેમમાં, તેઓ સ્મરણ, શ્રવણ અને કીર્તન દ્વારા ભગવાનની આરાધના કરે છે. આ ત્રિવિધ ભક્તિમાં સ્મરણ, શ્રવણ અને કીર્તનનો સમાવેશ થાય છે. આ અંગે અગાઉ શ્લોક સં. ૯.૧૪નાં ભાષ્યમાં વર્ણન કરવામાં આવ્યું છે.

ભક્તો કેવી રીતે આરાધના કરે છે તે અંગેનું વર્ણન કરીને શ્રીકૃષ્ણ હવે તેઓ તેમની ભક્તિયુક્ત પ્રવૃત્તિઓને કેવી રીતે પ્રતિક્રિયા આપે છે, તે અંગે રજૂઆત કરે છે.