Bhagavad Gita: Chapter 10, Verse 26

અશ્વત્થઃ સર્વવૃક્ષાણાં દેવર્ષીણાં ચ નારદઃ ।
ગન્ધર્વાણાં ચિત્રરથઃ સિદ્ધાનાં કપિલો મુનિઃ ॥૨૬॥

અશ્વત્થ:—વડનું વૃક્ષ; સર્વ-વૃક્ષાણામ્—સર્વ વૃક્ષોમાં; દેવ-ઋષિણામ્—દેવર્ષિઓમાં; ચ—અને; નારદ:—નારદ; ગન્ધર્વાણામ્—સર્વ ગન્ધર્વોમાં; ચિત્રરથ:—ચિત્રરથ; સિદ્ધાણામ્—સિદ્ધોમાંથી; કપિલ: મુનિ:—કપિલમુનિ.

Translation

BG 10.26: વૃક્ષોમાં હું વડનું વૃક્ષ છું; દેવર્ષિઓમાં હું નારદ છું. ગંધર્વોમાં હું ચિત્રરથ છું તથા સિદ્ધોમાં હું કપિલ મુનિ છું.

Commentary

વડનું વૃક્ષ તેની નીચે બેઠેલા લોકોને અનેરી શીતળતા પ્રદાન કરે છે. તે તેની વડવાઈઓને ઉપરથી નીચે જમીન તરફ વિકસાવે છે. તેના કારણે તે અતિ ઘટાદાર હોય છે તથા વિશાળ વિસ્તાર સુધી શીતળ છાંયો પ્રદાન કરી શકે છે. બુદ્ધે વડના વૃક્ષ નીચે ધ્યાન કર્યું હતું અને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

દેવર્ષિ નારદ વેદ વ્યાસ,વાલ્મિકી, ધ્રુવ, પ્રહલાદ વગેરે સમાન અનેક મહાન વિભૂતિઓનાં ગુરુ છે. તેઓ ત્રણેય લોકમાં સદૈવ ભગવાનનું મહિમાગાન કરવામાં લીન રહે છે તથા દિવ્ય કાર્યો કરે છે. તેઓ આશયપૂર્વક વિવાદ તથા સમસ્યાઓ સર્જવા માટે પ્રખ્યાત છે તથા કેટલીક વખત લોકો તેમને ઉપદ્રવી સમજવાની ભૂલ કરે છે. વાસ્તવમાં, તેઓ મહાન વિભૂતિઓનાં શુદ્ધિકરણના પ્રયોજનથી તેમની વચ્ચે કલેશ ઉત્પન્ન કરે છે, જે આખરે આત્મ-નિરીક્ષણ તથા શુદ્ધિમાં પરિણમે છે.

ગંધર્વલોકમાં એ લોકો નિવાસ કરે છે, જેઓ સુમધુર ગાય છે. તેમનાંમાં શ્રેષ્ઠ ગાયક ચિત્રરથ છે. સિદ્ધો એ યોગીઓ છે જેમણે આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેમનાંમાંથી કપિલ મુનિએ તત્ત્વદર્શનની સાંખ્ય પ્રણાલી પ્રગટ કરી તથા ભક્તિ યોગનાં મહિમાની શિક્ષા પ્રદાન કરી (જેનું વિસ્તૃત વર્ણન શ્રીમદ્દ ભાગવતમ્ નાં તૃતીય અધ્યાયમાં કરવામાં આવ્યું છે). તેઓ ભગવાનના અવતાર હતા અને તેથી શ્રીકૃષ્ણ સ્વયંનાં મહિમાને પ્રગટ કરવા તેમનો વિશેષ ઉલ્લેખ કરે છે.