Bhagavad Gita: Chapter 10, Verse 19

શ્રીભગવાનુવાચ ।
હન્ત તે કથયિષ્યામિ દિવ્યા હ્યાત્મવિભૂતયઃ ।
પ્રાધાન્યતઃ કુરુશ્રેષ્ઠ નાસ્ત્યન્તો વિસ્તરસ્ય મે ॥૧૯॥

શ્રી-ભગવાન્ ઉવાચ—આનંદસ્વરૂપ ભગવાન બોલ્યા; હન્ત—હા; તે—તને; કથયિષ્યામિ—વર્ણન કરીશ; દિવ્ય:—દિવ્ય; હિ—નિશ્ચિત; આત્મ-વિભૂતય:—મારાં દિવ્ય ઐશ્વર્યો; પ્રાધાન્યત:—મુખ્યત્વે; કુરુ-શ્રેષ્ઠ—કુરુઓમાં શ્રેષ્ઠ; ન—નથી, અસ્તિ—છે; અંત:—સીમા; વિસ્તરસ્ય—વ્યાપક ઐશ્વર્યો; મે—મારા.

Translation

BG 10.19: આનંદસ્વરૂપ ભગવાન બોલ્યા: હે કુરુઓમાં શ્રેષ્ઠ, મારાં દિવ્ય ઐશ્વર્યોનું હું હવે સંક્ષિપ્તમાં વર્ણન કરીશ. કારણ કે તેની વ્યાપકતાની કોઈ સીમા નથી.

Commentary

અમર કોષ (પ્રાચીન સંસ્કૃત શબ્દ કોશ જે વિશેષ માનનીય છે) વિભૂતિ ને વિભૂતિર્ ભૂતિર્ ઐશ્વર્યમ્  (સત્તા અને સંપત્તિ) તરીકે પરિભાષિત કરે છે. ભગવાનની શક્તિઓ તથા સંપત્તિ અસીમ છે. વાસ્તવમાં, તેમનું સર્વ અનંત છે. તેમનાં અનંત રૂપો, અનંત નામો, અનંત ધામો, અનંત અવતારો, અનંત લીલાઓ, અનંત ભક્તો અને સર્વ અનંત છે. તેથી, વેદો તેમને અનંત તરીકે પણ સંબોધે છે.

           અનન્તશ્ચાત્મા વિશ્વરૂપો હ્યકર્તા (શ્વેતાશ્વતર ઉપનિષદ્દ ૧.૯)

“ભગવાન અનંત છે અને બ્રહ્માંડમાં અસંખ્ય સ્વરૂપે પ્રગટ થાય છે. યદ્યપિ તેઓ બ્રહ્માંડના શાસક છે, તથાપિ અકર્તા છે.”

રામાયણ વર્ણન કરે છે:

           હરિ અનન્ત હરિ કથા અનન્તા

“ભગવાન અનંત છે અને તેઓ તેમના અનંત અવતારો સમયે જે અનંત લીલાઓ કરે છે તે પણ અનંત છે.”

વેદ વ્યાસજી તેમના અધિક મહિમાનું વર્ણન કરતાં કહે છે:

             યો વા અનન્તસ્ય ગુણાનન્તા-

            નનુક્રમિષ્યન્ સ તુ બાલબુદ્ધિઃ

           રજાંસિ ભૂમેર્ગણયેત્ કથઞ્ચિત્

           કાલેન નૈવાખિલશક્તિધામ્નઃ (ભાગવતમ્  ૧૧.૪.૨)

“જે લોકો એમ માને છે કે તેઓ ભગવાનના ઐશ્વર્યોની ગણના કરી શકે છે તેઓ બાળ-બુદ્ધિ ધરાવે છે. કદાચ આપણે ધરતી પરના રજકણોની ગણતરી કરી લઈએ, પરંતુ ભગવાનનાં અસીમ ઐશ્વર્યની ગણતરી કદાપિ નહીં કરી શકીએ.” તેથી, શ્રીકૃષ્ણ અહીં કહે છે કે તેઓ તેમની વિભૂતિના એક અતિ નાના અંશનું વર્ણન કરશે.