Bhagavad Gita: Chapter 10, Verse 27

ઉચ્ચૈઃશ્રવસમશ્વાનાં વિદ્ધિ મામમૃતોદ્ભવમ્ ।
ઐરાવતં ગજેન્દ્રાણાં નરાણાં ચ નરાધિપમ્ ॥૨૭॥

ઉચ્ચૈ:શ્રવસમ્—ઉચ્ચૈ:શ્રવા; અશ્વાનામ્—અશ્વોમાંથી; વિદ્ધિ—જાણ; મામ્—મને; અમૃત-ઉદ્ભવમ્—સમુદ્રમંથનમાંથી ઉદ્દભવેલું અમૃત; ઐરાવતમ્—ઐરાવત; ગજ-ઈન્દ્રાણામ્—ભવ્ય ગજરાજોમાં; નરાણામ્—નરોમાંથી; ચ—અને; નર-અધિપમ્—નૃપ.

Translation

BG 10.27: અશ્વોમાં મને ઉચ્ચૈ:શ્રવા જાણ, જે અમૃત માટે થયેલાં સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયો હતો. ગજરાજોમાં હું ઐરાવત છું અને મનુષ્યોમાં હું નૃપ છું.

Commentary

શ્રીકૃષ્ણ તેમનો મહિમા અર્જુન સમક્ષ પ્રગટ કરવા નિરંતર પ્રત્યેક શ્રેણીના અતિ પ્રભાવશાળી મહાનુભાવોનાં નામ લઈ રહ્યા છે. ઉચ્ચૈ:શ્રવા એ સ્વર્ગના રાજા ઇન્દ્રનો પાંખો ધરાવતો સ્વર્ગીય અશ્વ છે. તેનો રંગ શ્વેત છે અને તે બ્રહ્માંડમાં સૌથી તેજ ગતિથી દોડતો અશ્વ છે. તે દેવો (સ્વર્ગીય દેવો) અને અસુરો વચ્ચે થયેલી સમુદ્ર મંથનની લીલા દરમ્યાન પ્રગટ થયો હતો. ઐરાવત એ શ્વેત હાથી છે, જે ઇન્દ્રના વાહન તરીકે સેવા કરે છે. તેને અર્ધ-માતંગ અર્થાત્ ‘વાદળોનો હાથી’ પણ કહેવામાં આવે છે.