Bhagavad Gita: Chapter 10, Verse 30

પ્રહ્લાદશ્ચાસ્મિ દૈત્યાનાં કાલઃ કલયતામહમ્ ।
મૃગાણાં ચ મૃગેન્દ્રોઽહં વૈનતેયશ્ચ પક્ષિણામ્ ॥૩૦॥

પ્રહલાદ:—પ્રહલાદ; ચ—અને; અસ્મિ—હું છું; દૈત્યાનામ્—દૈત્યોમાં; કાલ:—સમય; કલયતામ્—નિયંત્રકોમાં; અહમ્—હું; મૃગાણામ્—પ્રાણીઓમાં; ચ—અને; મૃગ-ઇન્દ્ર:—સિંહ; અહમ્—હું; વૈનતેય:—ગરુડ; ચ—અને; પક્ષિણામ્—પક્ષીઓમાં.

Translation

BG 10.30: દૈત્યોમાં હું પ્રહલાદ છું; સર્વ નિયંત્રકોમાં હું સમય છું. પ્રાણીઓમાં મને સિંહ અને પક્ષીઓમાં ગરુડ જાણ.

Commentary

પ્રહલાદનો જન્મ દૈત્યોના અતિ બળશાળી રાજા હિરણ્યકશ્યપુના પુત્ર તરીકે થયો હતો. આમ છતાં, તે ભગવાન વિષ્ણુના મહાન ભક્તોમાંથી એક ગણાય છે. આમ, દૈત્યોમાં પ્રહલાદ ભગવાનના મહિમાને ઉત્તમ રીતે પ્રદર્શિત કરે છે. સમય અત્યંત શક્તિશાળી છે, જે બ્રહ્માંડના મોટામાં મોટા અને અતિ બળવાન લોકોને પણ પરાસ્ત કરી દે છે.

જાજરમાન સિંહ એ જંગલનો રાજા છે અને વાસ્તવમાં, પ્રાણીઓમાં ભગવાનની શક્તિ સિંહમાં જ અભિવ્યક્ત થાય છે. ગરુડ એ ભગવાન વિષ્ણુનું દિવ્ય વાહન છે અને પક્ષીઓમાં સર્વશ્રેષ્ઠ છે.