નાન્તોઽસ્તિ મમ દિવ્યાનાં વિભૂતીનાં પરન્તપ ।
એષ તૂદ્દેશતઃ પ્રોક્તો વિભૂતેર્વિસ્તરો મયા ॥૪૦॥
ન—નથી; અન્ત:—અંત; અસ્તિ—છે; મમ—મારા; દિવ્યાનામ્—દિવ્ય; વિભૂતીનામ્—પ્રાગટ્યો; પરંતપ—અર્જુન, શત્રુઓ પર વિજય મેળવનાર; એષ:—આ; તુ—પરંતુ; ઉદ્દેશત:—કેવળ એક અંશ; પ્રોક્ત:—ઘોષણા કરી; વિભૂતે:—મારાં ઐશ્વાર્યોનો; વિસ્તર:—વિસ્તાર; મયા—મારા દ્વારા.
Translation
BG 10.40: હે પરંતપ, મારા દિવ્ય પ્રાગટ્યોનો અંત નથી. મેં તારી પાસે જે પ્રગટ કર્યું છે, તે મારા અનંત ઐશ્વર્યોની એક ઝાંખી છે.
Commentary
શ્રીકૃષ્ણ હવે તેમના ઐશ્વર્યના વર્ણનના વિષયનો ઉપસંહાર કરે છે. શ્લોક સં. ૨૦ થી ૩૯ સુધી, તેમણે તેમના ૮૨ પ્રકારના અનંત ઐશ્વાર્યોનું વર્ણન કર્યું. હવે તેઓ કહે છે કે તેમણે આ વિષયના વ્યાપ્ત (વિસ્તાર:) ના કેવળ એક અંશ (ઉદ્દેશત:)નું જ વર્ણન કર્યું છે.
અહીં એ પ્રશ્ન ઉદ્ભવી શકે કે જો સર્વ ઈશ્વરનું ઐશ્વર્ય જ છે તો પછી આ બધાનો ઉલ્લેખ કરવાની શું આવશ્યકતા છે? તેનો ઉત્તર એ છે કે અર્જુને શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછયો હતો કે તેણે તેમનું ચિંતન કેવી રીતે કરવું જોઈએ? આ સર્વ ઐશ્વર્યોનું વર્ણન અર્જુનના પ્રશ્નના ઉત્તર સ્વરૂપે કરવામાં આવ્યું છે. મન સ્વાભાવિક રીતે વિશિષ્ટ ગુણો પ્રત્યે આકર્ષિત થાય છે અને તેથી ભગવાને તેમની શક્તિઓની આ વિશિષ્ટતાઓ પ્રગટ કરી છે. આપણે જ્યાં અને જયારે પણ વિશદ વૈભવ કે તેજની અભિવ્યક્તિનો અનુભવ કરીએ છીએ, ત્યાં અને ત્યારે જો આપણે તેને ભગવાનના મહિમા તરીકે અનુભવીશું તો આપણું મન સ્વાભાવિક રીતે તેમનાં તરફ અગ્રેસર થશે. બૃહત યોજનાની અંતર્ગત, જ્યાં સૂક્ષ્મ કે મહાન સર્વ પદાર્થોમાં ભગવાનનું ઐશ્વર્ય જ વ્યાપ્ત હોવાથી, મનુષ્ય સમગ્ર વિશ્વનું ભક્તિની વૃદ્ધિ અર્થે અસંખ્ય આદર્શોની ઉપલબ્ધિ સ્વરૂપે ચિંતન કરી શકે છે. ભારતમાં રંગની એક કંપનીએ વિજ્ઞાપન આપ્યું: “જ્યાં તમે રંગ જુઓ, અમને યાદ કરો.” આ વિષયમાં, શ્રીકૃષ્ણનું કથન આ કહેવત સમાન છે: “જ્યાં તમે ઐશ્વર્યનું દર્શન કરો, મારું સ્મરણ કરો.”