Bhagavad Gita: Chapter 10, Verse 31

પવનઃ પવતામસ્મિ રામઃ શસ્ત્રભૃતામહમ્ ।
ઝષાણાં મકરશ્ચાસ્મિ સ્રોતસામસ્મિ જાહ્નવી ॥૩૧॥

પવન:—પવન; પવતામ્—પવિત્ર કરનારાઓમાં; અસ્મિ—હું છું; રામ:—પરશુરામ; શસ્ત્ર-ભૃતામ્—શસ્ત્રધારીઓમાં; અહમ્—હું છું; ઝષાણામ્—સર્વ જળચરોમાં; મકર:—મગર; ચ—પણ; અસ્મિ—હું છું; સ્રોતસામ્—વહેતી નદીઓમાં; અસ્મિ—હું છું; જાહ્નવી—ગંગા નદી.

Translation

BG 10.31: પવિત્ર કરનારામાં હું વાયુ છું તથા શસ્ત્રધારીઓમાં હું પરશુરામ છું. જળચરોમાં હું મગર છું અને વહેતી નદીઓમાં હું ગંગા છું.

Commentary

પ્રકૃતિમાં વાયુ, શુદ્ધિકરણનું કાર્ય અતિ પ્રભાવી રીતે કરે છે. તે અશુદ્ધ જળને બાષ્પમાં પરિવર્તિત કરે છે; તે પૃથ્વીની દુર્ગંધને દૂર લઈ જાય છે; તે અગ્નિને પ્રાણવાયુ દ્વારા પ્રજ્વલિત રાખે છે. આ પ્રમાણે તે પ્રકૃતિનું મહાન શુદ્ધિકારક તત્ત્વ છે.

ભગવાન રામ એ પૃથ્વીલોક પર સર્વાધિક શક્તિશાળી યોદ્ધા હતા અને તેમનું ધનુષ્ય અતિ પ્રાણઘાતક શસ્ત્ર હતું. આમ છતાં, તેમણે તેમનાં પ્રબળ આધિપત્યનો કદાપિ દુરુપયોગ કર્યો ન હતો. તેમણે સદૈવ તેમના શસ્ત્રનો ઉપયોગ કલ્યાણ અર્થે કર્યો હતો. તેથી તેઓ શ્રેષ્ઠ શસ્ત્રધારી હતા. શ્રી રામ ભગવાનના અવતાર પણ હતા અને તેથી શ્રીકૃષ્ણ તેમની સાથે તાદાત્મ્ય પ્રગટ કરે છે.

ગંગા એ પવિત્ર સરિતા છે જેનો પ્રારંભ ભગવાનના દિવ્ય ચરણોમાંથી થાય છે. તેનું સ્વર્ગલોકમાંથી પૃથ્વીલોક પર અવતરણ થયું હતું.  તેના તટ ઉપર અનેક સાધુ-સંતોએ તપશ્ચર્યાઓ કરી છે, જેમણે તેના જળની પવિત્રતામાં ઉમેરો કર્યો છે. સામાન્ય જળથી વિપરીત, જો ગંગાનું જળ એક પાત્રમાં એકઠું કરવામાં આવે તો તે વર્ષો સુધી બગડતું નથી. શરૂઆતમાં આ તત્ત્વ અતિ પ્રબળ હતું, પરંતુ આધુનિક સમયમાં લાખો ગેલન પ્રદૂષકો ગંગામાં ઠલવાતા રહેતા હોવાના કારણે તેની તીવ્રતા ઘટી ગઈ છે.