Bhagavad Gita: Chapter 10, Verse 35

બૃહત્સામ તથા સામ્નાં ગાયત્રી છન્દસામહમ્ ।
માસાનાં માર્ગશીર્ષોઽહમૃતૂનાં કુસુમાકરઃ ॥૩૫॥

બૃહત્-સામ્—બૃહત્ સામ; તથા—અને, સામ્નામ્—સામવેદનાં સ્તોત્રોમાં; ગાયત્રી—ગાયત્રી મંત્ર; છન્દસામ્—કાવ્યમય છંદોમાં; અહમ્—હું; માસાનામ્—બાર મહિનાઓમાં; માર્ગ-શીર્ષ—નવેમ્બર-ડીસેમ્બરમાં આવતો માગશર મહિનો; અહમ્—હું; ઋતુનામ્—સર્વ ઋતુઓમાં; કુસુમ-આકર:—વસંત.

Translation

BG 10.35: સામવેદનાં સ્તોત્રોમાં મને બૃહત્સામ જાણ; સર્વ કાવ્યમય છંદોમાં હું ગાયત્રી છું. હિંદુ પંચાંગનાં બાર મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું તથા ઋતુઓમાં હું પુષ્પોને ખીલવતી વસંત છું.

Commentary

આ પૂર્વે શ્રીકૃષ્ણે કહ્યું હતું કે તેઓ વેદોમાં સામવેદ છે, જે સુમધુર ભક્તિમય ગીતોથી સમૃદ્ધ છે. હવે તેઓ કહે છે કે સામવેદમાં તેઓ બૃહત્સામ છે, જેમાં ઉત્કૃષ્ટ સંગીત છે. વિશેષ રીતે તેનું મધ્ય રાત્રિએ ગાન થાય છે.

અન્ય ભાષાઓની જેમ સંસ્કૃત ભાષામાં કાવ્ય રચના માટે પ્રાસો અને છંદોની લાક્ષણિક શૈલી છે. વેદોના કાવ્યમાં અનેક છંદો છે. તેમાંથી ગાયત્રી છંદ એ અતિ આકર્ષક તથા સુમધુર છે. આ છંદમાં પ્રસિદ્ધ ગાયત્રી મંત્રને ઢાળવામાં આવ્યો છે. તે એક ગહન અર્થપૂર્ણ પ્રાર્થના પણ છે:

ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ (ઋગ્વેદ ૩.૬૨.૧૦)

“અમે એ ભગવાનનું ધ્યાન ધરીએ છીએ, જેઓ ત્રણેય લોકને પ્રકાશિત કરે છે તથા અમારા પૂજનીય છે. તેઓ સર્વ પાપોને દૂર કરનારા તથા અજ્ઞાનનો વિનાશ કરનારા છે. તેઓ અમારી બુદ્ધિને ઉચિત દિશામાં પ્રકાશિત કરે.” ગાયત્રી મંત્ર એ યુવકના યજ્ઞોપવિતની વિધિનું મહત્ત્વનું અંગ છે તથા તેનો દૈનિક અનુષ્ઠાનના રૂપે જપ થાય છે. વેદોમાં દેવી ગાયત્રી, રુદ્ર ગાયત્રી, બ્રહ્મા ગાયત્રી, પરમહંસ ગાયત્રી તથા અનેક અન્ય ગાયત્રી મંત્રો પણ પ્રાપ્ત થાય છે.

માર્ગશીર્ષ એ હિંદુ પંચાંગ (ગુજરાતી)નો દ્વિતીય મહિનો છે. તે નવેમ્બર-ડીસેમ્બરમાં આવે છે. ભારતમાં તે સમયે તાપમાન સર્વથા ઉચિત હોય છે—ન અતિ શીતળ કે ન અતિ ઉષ્મ. વર્ષનાં આ જ સમયે ખેતરોમાં પાકની લણણી થાય છે. આ કારણોથી જનલોકનો આ પ્રિય મહિનો છે.

વસંત ઋતુને ઋતુરાજ કહે છે. આ સમયે પ્રકૃતિ જીવંત ઉન્માદથી છલકાઈ ગઈ હોય એવું પ્રતીત થાય છે. વસંત ઋતુમાં અનેક ઉત્સવોની ઉજવણી થાય છે, જે વાતાવરણમાં વ્યાપ્ત આનંદને મૂર્તિમાન કરે છે. આમ, ઋતુઓમાં વસંત ઋતુ ભગવાનનાં ઐશ્વર્યને સર્વાધિક પ્રગટ કરે છે.