પુરોધસાં ચ મુખ્યં માં વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ્ ।
સેનાનીનામહં સ્કન્દઃ સરસામસ્મિ સાગરઃ ॥૨૪॥
પુરોધસામ્—સર્વ પુરોહિતોમાં; ચ—અને; મુખ્યમ્—પ્રમુખ; મામ્—મને; વિદ્ધિ:—જાણ; પાર્થ—અર્જુન,પૃથાપુત્ર; બૃહસ્પતિમ્—બૃહસ્પતિ; સેનાનીનામ્—સર્વ સેનાપતિઓમાં પ્રમુખ; અહમ્—હું; સ્કન્દ:—કાર્તિકેય; સરસામ્—જળાશયોમાં; અસ્મિ—હું છું; સાગર:—સમુદ્ર.
Translation
BG 10.24: હે અર્જુન, સર્વ પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું; સેનાપતિઓના પ્રમુખમાં હું કાર્તિકેય છું; તથા જળાશયોમાં મને સમુદ્ર જાણ.
Commentary
પુરોહિતો મંદિરોમાં તથા ઘરમાં કર્મકાંડો દ્વારા આરાધના તથા અનુષ્ઠાનોની વિધિઓનું વહન કરે છે. બૃહસ્પતિ સ્વર્ગના પ્રમુખ પુરોહિત છે. એ પ્રમાણે તેઓ સર્વ પુરોહિતોમાં સર્વોચ્ચ છે. અહીં, શ્રીકૃષ્ણ કહે છે કે સર્વ પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું. જો કે શ્રીમદ્દ ભાગવતમ્ નાં શ્લોક સં. ૧૧.૧૬.૨૨માં શ્રીકૃષ્ણ એમ કહે છે કે પુરોહિતોમાં હું વશિષ્ઠ છું. શા માટે તેઓ બંને સ્થાને ભિન્ન-ભિન્ન વિધાન કરે છે? આ દર્શાવે છે કે આપણે વિષયને મહત્ત્વ આપવાને બદલે તેમાં પ્રગટ થતા ભગવાનના ઐશ્વર્ય પ્રત્યે અનુરાગ કેળવવાનો છે. શ્રીકૃષ્ણ અહીં તેમનો મહિમા દર્શાવતા જે કોઈ વિષયનું વર્ણન કરી રહ્યા છે, તે સર્વને જ્ઞાનના આ જ પ્રકાશ દ્વારા સમજવાનું છે. અહીં વિષય પર ભાર મૂકવાનો નથી, પરંતુ તેમાં પ્રગટ થતા ભગવાનનાં ઐશ્વર્યની અગત્યતા છે.
ભગવાન શિવના પુત્ર કાર્તિકેય, જેમને સ્કંદ પણ કહેવામાં આવે છે, તેઓ સ્વર્ગના સેનાપતિઓના નાયક છે. તેથી તે સર્વ સેનાપતિઓના પ્રમુખ છે અને ભગવાનના મહિમાને ઉત્તમ રીતે પ્રદર્શિત કરે છે. શ્રીકૃષ્ણ આગળ વર્ણન કરતાં કહે છે કે સર્વ જળાશયોમાં હું ગંભીર અને શક્તિશાળી સમુદ્ર છું.